વધુ એક પેપર લીક થયું : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યું, પરીક્ષા રદ કરાઈ

વધુ એક પેપર લીક થયું : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યું, પરીક્ષા રદ કરાઈ

12/24/2021 Education

SidhiKhabar

SidhiKhabar

વધુ એક પેપર લીક થયું : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યું, પરીક્ષા રદ કરાઈ

રાજકોટ: હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો મુદ્દો હજુ શાંત પડ્યો નથી ત્યાં વધુ એક પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બી.કોમ સેમેસ્ટર 3 ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર લીક થયું હોવાની ફરિયાદ કરવામાં આવતા યુનિવર્સીટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આઠ શકમંદોને ઝડપી લીધા હતા. 

પેપર લીક થયું હોવાનું બહાર આવ્યા બાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. યુનિવર્સીટીના કુલપતિએ આ જાહેર કરતા કહ્યું કે, પેપર લીક થવાના કારણે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 3 જાન્યુઆરીના રોજ ફરીથી લેવામાં આવશે.


આમ આદમી પાર્ટીએ આપેલ પુરાવાઓના આધારે જાણવા મળ્યું છે કે, ગીતાંજલિ કોલેજના 88 વિદ્યાર્થીઓના બનેલા એક ગ્રૂપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બી.કોમનું અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલા જ વાઈરલ થઇ ગયું હતું. લવલી યારો નામના વોટ્સએપ ગ્રૂપમાં આ પેપર અપલોડ કરવામાં આવ્યું હતું. આ ગ્રૂપના એડમિનની શોધ શરૂ કરી દેવાઈ છે તેમજ જેણે શેર કર્યું હતું તે વિદ્યાર્થીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેને પેપર કોણે આપ્યું, તેણે કેટલાને આપ્યું અને ક્યાંથી લીક થયું તેની તપાસ હાલ ચાલી રહી છે. 

પુરાવાઓ મળતા યુનિવર્સીટીના રજીસ્ટ્રારે પોલીસ મથકે જઈને પુરાવા રજૂ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે અને આઠ જેટલા શંકાસ્પદ લોકોને પકડી પણ લેવામાં આવ્યા છે. 


નોંધવા જેવી બાબત એ છે કે આ પેપર પણ એ જ પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયું હતું જ્યાં અગાઉ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર છપાયું હતું. સૂર્યા ઓફસેટમાંથી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર છપાયું હતું. જે પરીક્ષા પહેલા જ લીક થઇ ગયું હતું. હાલ આ મામલે રાજ્યવ્યાપી તપાસ ચાલી રહી છે તેમજ સરકારે પરીક્ષા રદ કરીને માર્ચમાં લેવાનો નિર્ણય કર્યો છે. 

યુનિવર્સીટીના કુલપતિએ આ અંગે જણાવ્યું કે, આ પરીક્ષા L1 માં આવે છે જેથી સૂર્યા ઓફસેટમાં પેપર છપાયું હતું. અમે હાલ પોલીસના સંપર્કમાં છીએ અને જે કોઈ કોલેજની સંડોવણી હોવાનું જાણવા મળશે તો પગલાં લઈશું. પોલીસના રિપોર્ટના આધારે દોષિતો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. હાલ આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી 3 જાન્યુઆરીએ ફરી લેવામાં આવશે. 

હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની તપાસ બાદ જ આ પેપર ક્યાંથી લીક થયું, કેટલા રૂપિયામાં દિલ થઇ અને તેની પાછળ કોણ-કોણ સામેલ છે એ અંગે વધુ વિગતો મળી શકશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top