આપણે સહુ જાણીએ છીએ કે આજનો જમાનો ભાગદૌડનો જમાનો બની ગયો છે. ઘડીયાળના કાંટે કામ કર્યા સિવાય સહેજે ચાલે નહીં તેવી પરિસ્થિતીમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ.
ગૃહિણીથી માંડીને પરિવારના મુખિયા તેમજ સંતાનો સહુને સમયબદ્ધ રીતે ચાલવું પડે છે. આ સંજોગોમાં ઘરના નાનકડા બગીચામાં કોઇ છોડ પાસે કે કોઇ વૃક્ષ નીચે ખુરશી નાખીને બેસીને લિજ્જતથી ચાની ચુસ્કીઓ લેવાનો કે આંગણે આવતાં પંખીઓને બારીકાઇથી નિહાળવાનો સમય કાઢવો ખુબ મુશ્કેલ બની જાય છે. ઘણીવાર તો તે અશક્ય બની જાય છે. એ વાત જુદી છે કે કોરોના કાળના લીધે માણસોને સમય મળ્યો અને થોડાક પ્રકૃતિમય બનવાની તક મળી પણ જીદંગીની સમગ્ર સફરની વાત કરીએ તો આવો નિરાંતનો સમય કાઢવો અને તેય પ્રકૃતિ સાથે રહેવાની તક મેળવવી તે દુર્લભ બાબત બની જાય છે. આ સંજોગોમાં માણસને ક્યાંક કોઇ સારી જગ્યાએ ફરી આવવાનું મન થઇ જાય છે અને કેટલાક તો તે માટે નિકળી પણ પડે છે. તેની અંદર રહેલો જીવ તેને આમ કરવા માટે પ્રેરે છે. અહીં માણસના પ્રકૃતિ સાથેના તૂટેલા સંબંધોને આ રીતે જોડવાની વાત છે. મનુષ્ય મૂળે તો પોતાના ઉદભવથી જ પ્રકૃતિ સાથે જોડાયેલો રહ્યો છે. ઉત્ક્રાંતિઓના કારણે આજે તે સુખ સાહ્યબીની ટોચે જઇને બેઠો છે પણ તેનું પ્રકૃતિ સાથેનું જોડાણ તુરંત ગયું છે અથવા સાવ નબળું પડી ગયું છે પરિણામે માણસને પ્રકૃતિ પાસે દોડી જવાની ઇચ્છા થઇ આવે છે. જ્યારે તે રળિયામણા સ્થળોએ પહોંચી જાય છે ત્યારે ત્યાંના વૃક્ષો અને ફૂલોની સુંગંધ તેમજ ખુબસૂરત વાતાવરણની અનુભૂતિ તેના હૈયાને ટાઢક પહોંચાડે છે.
આજે આ વિષય ઉપર જરા વિસ્તૃત વાત કરવી છે. આપણે બધા સમજીએ છીએ કે વનસ્પતિ-વૃક્ષો ઉછેરવાથી લાભ થાય છે. પરંતુ જો આ લાભોનું લિસ્ટ બનાવવા બેસીએ તો બહુ થોડું લખી શકીએ. વળી તમે જે લખશો એ બધી ચવાયેલી વાતો હશે. પણ આજે અહીં જે ફાયદાઓ જણાવ્યા છે, એના ઉપર પણ એક નજર મારી જશો તો સમજાશે કે વૃક્ષો-વનસ્પતિનો ઉછેર કરવાથી માત્ર પર્યાવરણીય ફાયદા જ નથી થતા, બલકે એના સામાજિક અને અધ્યાત્મિક ફાયદા પણ ભરપૂર છે.
વિજ્ઞાનનાં સંશોધનો પણ એજ જણાવે છે કે માણસ જ્યારે જંગલોમાં જાય છે ત્યારે વૃક્ષોએ છોડેલી સુગંધ તેના ફેફસાંઓમાં જઇને તેને તૃપ્ત કરી દે છે. આ એક પ્રકારની ‘એરોમા થેરપી’ છે જેના કારણે માણસનું મગજ પ્રસન્નતાથી તરબતર થઇ જાય છે. તેનામાં હકારાત્મકતા પ્રવેશ કરે છે અને પોતે જીંદગીને એક નવા જ નજરીયાથી દેખતો થાય છે.
પોતાના ઘરઆંગણે જો નાનકડો બગીચો બનાવ્યો હોય તો તેનાં છોડ અને વેલાઓ વ્યક્તિની નજરને એક હકારાત્મક શક્તિ પ્રદાન કરે છે. આ કઇ રીતે થાય છે તે જોઇએ.
(૧) આગળ દર્શાવ્યું તેમ વૃક્ષોમાંથી – છોડમાંથી અને તેના ફૂલોમાંથી એક સાઇલન્ટ સુગંધ હવામાં સતત પ્રસરતી હોય છે. જે તેના સહવાસમાં આવનારને પ્રસન્ન કરી મુકે છે.
(૨) ઘરમાં વૃદ્ધ માતા-પિતા-વડીલો હોય ત્યારે તેમના દિકરા-દિકરીઓ પોતાની વ્યસ્તતાના કારણે સમય કાઢીને ઇચ્છા હોવા છતાં અને ખાસ તો વ્યસ્ત જીંદગીના કારણે તેમની સાથે સમય પસાર કરી શકતા નથી. રવિવારે માંડ રજા હોય ત્યારે સપ્તાહભરનાં બાકી કામોની લાંબી યાદી હાથમાં આવી પડે જેને કરવામાં જ સમય પુરો થઇ જાય છે. આવે સમયે પોત્ર-પૌત્રીઓ (ગ્રાન્ડ-ચિલ્ડ્રન્સ) સાથે દાદા-દાદી નાનકડા બગીચાને પાણી પાવામાં છોડનું કટીંગ કરવામાં, નકામું ઘાસ કાઢવામાં બાળકોને સાથે રાખીને સમય પસાર કરી શકે છે. બાળકોને નવું શીખવાનું મળે છે અને પોતાનો સમય પણ પસાર થાય છે. આમ પહેલી અને ત્રીજી પેઢીને જોડવાનું કામ ઘરનો નાનકડો બગીચો કરે છે.
(૩) જ્યારે આપણે બાગકામ કરીએ છીએ ત્યારે તે આંખ અને હાથનું કો-ઓર્ડીનેશન વધારે છે. જેનાથી આપણામાં ચપળતા આવે છે, ચોકસાઇ આવે છે અને તેના થકી શારીરિક અને માનસિક સ્વસ્થતા વધુ મજબુત બને છે.
(૪) બાગકામથી વ્યક્તિ ટેન્શન ફ્રી થઇ જાય છે. તે રીલેક્ષ થાય છે અને પોતાની જાતને હળવી ફૂલ અનુભવવા માંડે છે.
(૫) રોજ સવારે ઘરના કે બહારના બગીચામાં લટાર મારવાથી વ્યક્તિમાં સર્જનાત્મકતા વધે છે. આમ તે ‘ક્રિએટીવીટી’નું એક ઉમદા માધ્યમ બની જાય છે.
(૬) વિટામીન ‘ડી’ મેળવવા માટે ડૉકટરની દવાઓ લીધા વિના માત્ર બાગકામ કરવાથી જ વિટામીન ‘ડી’ વિના મૂલ્યે મળી જાય છે.
(૭) એકલા રહેતા માણસો માટે બાગકામ કરવું કે બાગમાં ફરવું તે ખુબ ઉપયોગી થાય છે અને તે એકાંતપણું દૂર કરે છે.
(૮) કસરત કરવાની ઇચ્છા ધરાવનારા જો કસરત કરી શકતા ના હોય તો તેમણે રોજ સવારે એકાદ કલાક બાગકામ કરવું જોઇએ. આ દ્વારા હળવી કસરત આપોઆપ થઇ જશે. સફાઇ કામ, ગોડ કરવી, પાણી પાવું, નિંદામણ દૂર કરવું, કટીંગ કરવું વગેરે અનેક પ્રકારની હળવી કસરતો જ છે. વળી, તે ઘર આંગણે જ થઇ શકે છે. બહાર જવું પડતુ નથી.
(૯) તમારા બગીચામાં તમે સવારે લટાર મારો છો ત્યારે તે તમારા મુડને બુસ્ટ કરીને વધુ સારો બનાવે છે. એના માટે કોઇ પીણુ પીવાની જરૂર પડતી નથી.
(૧૦) જો તમે તમારા ઘર આંગણે કિચન ગાર્ડન કે ટેરેસ ગાર્ડન બનાવ્યો હોય તો તે ધ્વારા તમે તમારી મનપસંદ શાકભાજી વાવીને ઓર્ગેનિક શાકભાજીનો આનંદ લઇ શકો છો. જ્યારે ઇચ્છા થાય ત્યારે મનપસંદ વેરાયટીનો સ્વાદ પણ માણી શકો છો. એક રીતે તે તમારા શાકભાજીના ખર્ચને પણ કંઇક અંશે હળવો કરી શકે છે. તુલસી-ફુદીનો, મીઠો લીમડો, લીલી ચા, ધાણા, મરચાં, રીંગણ, પોઇ, ટામેટા, ઔષધીય વનસ્પતિઓ અરડૂસી, લીંડીપીપર, નાગરવેલ, હળદર, કુંવારપાઠુ પણ વાવીને રોજીંદા ઉપયોગમાં લઇ શકો છો. તમારા મિત્રો- પડોશીઓ સાથે પણ તેને શેર કરી શકો છો. આપ આપના ઘેર/વાડામાં/ધાબે/શાળામાં ખેતરે/ફેક્ટરી પર વધુ નહીં તો માત્ર ૫ છોડ વાવો, તેને ઉછેરો અને પુરી સંભાળ લો. પછી જુઓ કે તમારામાં કેવો બદલાવ આવે છે? તમે જાતે જ તેને અનુભવી શકશો. માટે વૃક્ષો અને છોડવાને તમારા મિત્રો બનાવો- તેની સાથે દોસ્તી કરો પછી તમારો અને તમારા મિત્રનો સંબંધ તમને નવા આયામે પહોંચાડશે. જાણીત કવિ અને લેખક ડૉ. મણિલાલ હ. પટેલ કહે છે કે, ‘વૃક્ષથી મોટો કોઇ ગુરુ નથી અને માટીથી મોટી કોઇ મા નથી.’
માટે આપણે ગુરુ અને માતા સાથે નાતો જોડીએ તો સુખની પરમ અનુભૂતિને પામી શકીએ છીએ.
પ્રાચીન ભારતમાં થઇ ગયેલા ભવભૂતિ નામના સંસ્કૃતના પંડિત કહે છે કે,
“તરંતિ આપદમ અનેન ઇતિ તરુ’ એટલે કે જેના વડે મનુષ્યો દુ:ખો તરી જાય છે તે તરુ (વૃક્ષ) છે.”
વૃક્ષ આપણને જીવનમાં અડગ-મક્કમ રહેવું, પરોપકારી બનવું, નમ્ર બનવું અને સમય પાલન કરવું તેવું શીખવે છે. આમ, વૃક્ષો સાથેની, વેલાઓ અને છોડવા સાથેની દોસ્તી આપણા જીવનને પ્રસન્નતાથી ભરી દે છે. શારીરિક સ્વસ્થ રહેવામાં સહાયભૂત થાય છે. એકાકીપણુ દુર રહે છે, સર્જનાત્મકતા વધારે છે, ઘરના સભ્યો વચ્ચેનું બોન્ડીંગ મજબૂત કરે છે. અને બીજા અનેક ફાયદાઓ આપણને આપે છે. તો ચાલો, આજથી જ આપણે વૃક્ષોને આપણા મિત્રો બનાવીએ, તેની સાથે દોસ્તી બાંધીએ.