‘ભારત કોઈ ધર્મશાળા નથી, જે દુનિયાભરમાંથી આવેલા શરણાર્થીઓને રાખી શકે..’; સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે આજે શ્રીલંકાના નાગરિકની આશ્રય અરજી ફગાવતા કહ્યું હતું કે, ‘ભારત કોઈ ધર્મશાળા નથી, જ્યાં અમે દુનિયાભરમાથી આવેલાવિદેશી નાગરિકોને જગ્યા આપી શકીએ.’ કોર્ટે પૂછ્યું કે શું દુનિયાભરમાંથી આવતા શરણાર્થીઓને ભારતમાં આશ્રય આપી શકાય છે? આપણે 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચ એક શ્રીલંકન નાગરિકની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેની વર્ષ 2015માં લિબરેશન ટાઈગર્સ ઓફ તામિલ ઈલમ (LTTE) સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી, જે એક સમયે શ્રીલંકામાં સક્રિય આતંકવાદી સંગઠન હતું.
અરજદારને UAPA કેસ અને વિદેશી અધિનિયમ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે ભારતના શરણાર્થી શિબિરમાં એ આધારે રહેવા માગતો હતો કે જો તેને શ્રીલંકા પાછો મોકલવામાં આવશે તો તેને મારી નાખવામાં આવશે. બેન્ચે આ તર્ક પર પણ વિચાર કરવાનો ઇનકાર કરી દીધો કે જો તેને વ્યક્તિને પોતાના દેશમાં પાછો મોકલવામાં આવશે તો તેના 'જીવને જોખમ' હશે. બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું કે, બીજા કોઈ દેશમાં જતા રહો.’ અરજી મુજબ, શ્રીલંકાના વ્યક્તિને ભારતમાં હત્યાના કેસમાં 7 વર્ષની જેલની સજા પૂર્ણ કર્યા બાદ દેશનિકાલ કરવામાં આવશે.
વર્ષ 2018માં, એક ટ્રાયલ કોર્ટે તેને ગેરકાયદેસર ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ દોષિત ઠેરવ્યો અને 10 વર્ષની જેલની સજા ફટકારી. વર્ષ 2022માં, મદ્રાસ હાઈકોર્ટે તેની સજા ઘટાડીને 7 વર્ષ કરી દીધી, પરંતુ તેને સજા પૂર્ણ થતા જ દેશ છોડવા અને દેશનિકાલ અગાઉ શરણાર્થી શિબિરમાં રહેવાનું કહ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp