સુરત: સુરત મહાનગરપાલિકાના સત્તાધારીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ મેયર તરીકે હેમાલી બોઘાવાલાની નિમણૂંક કરવામાં આવી છે. જયારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી નીમાયા છે.
સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂત જયારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય દંડક તરીકેની જવાબદારી વિનોદ પટેલને આપવામાં આવી છે.
મેયર : હેમાલીબોઘાવાલા
ડેપ્યુટી મેયર : દિનેશ જોધાણી
શાસક પક્ષ નેતા : અમિતસિંહ રાજપુત
સ્થાયી સમિતિ અધ્યક્ષ : પરેશ પટેલ
દંડક : વિનોદ પટેલ
સુરત મહાનગરપાલિકાની પ્રથમ ટર્મમાં મેયર પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે અને બાકીના અઢી વર્ષમાં સામાન્ય વર્ગના સભ્યને મેયર તરીકે પસંદ કરવામાં આવશે. સુરતની 120 બેઠકોમાંથી ભાજપને 93 અને ‘આપ’ને 27 બેઠકો મળી હતી. જ્યારે ગઈ વખતે વિપક્ષમાં રહેલા કોંગ્રેસ આ ચૂંટણીમાં ખાતુ પણ ખોલાવી શકી નહતી.
આજે રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ પણ જાહેર થશે
આજે સુરત ઉપરાંત રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના સત્તાધારીઓના નામની પણ જાહેરાત કરવામાં આવશે. સવારે 10 વાગ્યે જામનગર મનપાના હોદ્દેદારો અને ત્યારબાદ રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોના નામ જાહેર થશે.
રાજકોટમાં પ્રદીપ ડવ નવા મેયર બની શકે છે. જયારે ડેપ્યુટી મેયર તરીકે દર્શનાબેન પંડ્યાની પસંદગી થઇ શકે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલનું નામ આગળ છે. થોડા સમયમાં આ વિશે સ્પષ્ટ થઇ જશે.