ફૂટબોલ મેચ જોવા આવેલા 135 ફેન્સને મળ્યું હતું મોત, દુનિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ હિંસાના કેસમાં આ બે વ્યક્તિઓને થઇ સજા
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં 135 લોકોના મોતના મામલામાં પહેલો ચુકાદો ગુરુવારે (9 માર્ચ) આવ્યો હતો. આ કેસમાં બે અધિકારીઓને જેલની સજા ફટકારવામાં આવી છે. મેચના આયોજક અબ્દુલ હરિસને મેચ દરમિયાન બેદરકારીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 18 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. બીજી તરફ સુરક્ષા અધિકારી સુકો સુત્રીસાનોને સાવચેતી ન રાખવા બદલ એક વર્ષની જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં અન્ય ઘણા આરોપીઓ છે, જેમના પર કેસની સુનાવણી ચાલી રહી છે અને આગામી દિવસોમાં કેટલાક અન્ય લોકોને પણ સજા સંભળાવવામાં આવી શકે છે. હાલમાં જે બે મેચ અધિકારીઓને સજા ફટકારવામાં આવી છે તેમને સજા સામે અપીલ કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ઓક્ટોબર 2022 માં, પૂર્વ જાવા સિટીના મલંગ વિસ્તારમાં લીગ ફૂટબોલ મેચ દરમિયાન બંને ટીમના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કેટલાક સમર્થકો પણ મેદાનમાં ઘૂસી ગયા હતા. ત્યારે પણ બધું બરાબર હતું, પરંતુ સ્ટેડિયમમાં હાજર સુરક્ષાકર્મીઓએ ફૂટબોલ ચાહકો પર ટીયર ગેસના શેલ અને લાઠીઓ છોડતાં જ સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગને કારણે 40 બાળકો સહિત 135 લોકોના મોત થયા હતા.
આ અકસ્માતમાં જ્યાં સ્ટેડિયમમાં હાજર ફૂટબોલ ચાહકો આ તમામ મોત માટે પોલીસને જવાબદાર ઠેરવી રહ્યા છે, ત્યારે પોલીસનું કહેવું છે કે ફૂટબોલ ચાહકોએ શરૂઆતમાં હંગામો મચાવ્યો હતો અને આ દરમિયાન બે અધિકારીઓના મોત થયા હતા, ત્યાર બાદ ત્યાં હાજર ચાહકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના બાદ કેટલાક પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ઈન્ડોનેશિયાની સરકારે ફૂટબોલ મેચો પર પણ થોડા મહિનાઓ માટે પ્રતિબંધ મૂક્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp