વી. નારાયણન બનશે એસ સોમનાથના સ્થાને ISROના નવા પ્રમુખ; જાણી લો તેમના વિશે
Who is V Narayanan: વી. નારાયણન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના નવા અધ્યક્ષ બનશે. ભારત સરકારે મંગળવારે આ જાણકારી આપી હતી. વી નારાયણન ISROના અધ્યક્ષ તરીકે ડૉ. એસ સોમનાથનું સ્થાન લેશે. નારાયણન અવકાશ વિભાગના સચિવનો કાર્યભાર પણ સંભાળશે. કેબિનેટની નિમણૂક સમિતિના આદેશ મુજબ, વી નારાયણન 14 જાન્યુઆરીએ વર્તમાન ISROના વડા એસ. સોમનાથના સ્થાને ચાર્જ સંભાળશે. તેઓ આગામી 2 વર્ષ સુધી અથવા આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ પદની જવાબદારી સંભાળશે.
વી. નારાયણન રૉકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં લગભગ 4 દાયકાનો અનુભવ ધરાવતા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે. તેઓ રૉકેટ અને સ્પેસક્રાફ્ટ પ્રોપલ્શન એક્સપર્ટ છે. વી નારાયણન વર્ષ 1984માં ISROમાં જોડાયા હતા અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC)ના નિયામક બનવા અગાઉ વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. પ્રાથમિક ચરણ દરમિયાન, તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે સાઉન્ડિંગ રૉકેટ્સ અને ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચ વ્હીકલ (ASLV) અને ધ્રુવીય સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV)ના સોલિડ પ્રોપલ્શનના ક્ષેત્રમાં કામ કર્યું હતું.
વી. નારાયણને એબ્લેટિવ નોઝલ સિસ્ટમ, કોમ્પોઝિટ મોટર કેસ અને કોમ્પોઝિટ ઇગ્નાઇટર કેસના પ્રક્રિયાનું આયોજન, પ્રક્રિયા નિયંત્રણ અને અમલીકરણમાં યોગદાન આપ્યું હતું. હાલમાં નારાયણન LPSC ના નિયામક છે, જે ISROના મુખ્ય કેન્દ્રોમાંથી એક છે, જેનું મુખ્ય મથક તિરુવનંતપુરમ વલિયામાલા ખાતે છે, જેનું એક યુનિટ બેંગ્લોરમાં છે. નારાયણન પાસે 40 વર્ષનો અનુભવ છે. તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઑપરેશનમાં નિષ્ણાત છે.
ISROના નવા વડા ડૉ. વી નારાયણને વર્ષ 1989માં IIT ખડગપુરમાંથી ક્રાયોજેનિક એન્જિનિયરિંગમાં પ્રથમ ક્રમાંક સાથે M.Tech કર્યું હતું. ત્યારબાદ, તેણે વર્ષ 2001માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં P.hd પૂર્ણ કર્યું. તેણે એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા તરફથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ISROના વર્તમાન અધ્યક્ષ એસ. સોમનાથે 14 જાન્યુઆરી 2022ના રોજ ISROના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્રણ વર્ષના કાર્યકાળ બાદ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. ISROએ તેમના કાર્યકાળ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો. ISROએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરાવ્યું, એટલું જ નહીં પરંતુ પૃથ્વીથી 15 લાખ કિમી ઉપર લેગરેન્જ પોઈન્ટ પર સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1ને પણ મોકલ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp