બ્રેકિંગ : દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન, ૯૮ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન, ૯૮ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

07/07/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

બ્રેકિંગ : દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન, ૯૮ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું (Dilip Kumar) આજે ૯૮ વર્ષની વયે નિધન થયું છે. સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓને લઈને લાંબા સમયથી તેઓ બીમાર રહેતા હતા અને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમની સારવાર ચાલતી હતી. ત્યારબાદ આજે સવારે ૭:૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ડૉ. પાર્કર જેઓ તેમની સારવાર કરી રહ્યા હતા, તેમણે આ અંગેની પુષ્ટિ કરી છે.


શ્વાસ સબંધિત સમસ્યાઓને લઈને અભિનેતાને જૂન મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ૩૦ જૂને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પત્ની સાયરા બાનોએ આખરી ટ્વીટમાં લખ્યું હતું કે, દિલીપ કુમાર સાહેબની તબિયત હાલ સ્થિર છે. તેઓ હાલ આઈસીયુમાં છે. અમે તેમને ઘરે લઇ જવા માંગીએ છીએ પરંતુ ડોક્ટરોની પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ. તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં નહીં આવે. તેમના પ્રશંસકોની દુઆઓની જરૂર છે, તેઓ જલ્દીથી પાછા ફરશે.

૧૧ ડિસેમ્બર ૧૯૨૨ ના રોજ પેશાવરમાં (હાલનું પાકિસ્તાન)માં જન્મેલા દિલીપ કુમારનું મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. તેમણે શિક્ષણ નાસિકમાં મેળવ્યું હતું અને રાજ કપૂર બાળપણથી જ તેમના મિત્ર બની ગયા હતા. ત્યારથી બોલિવુડમાં તેમની સફર થઇ અને ૨૨ વર્ષની ઉંમરમાં જ તેમણે પ્રથમ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

લગભગ પાંચ દાયકા કરતા વધુ સમયની કારકિર્દીમાં દિલીપ કુમારે અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને લોકચાહના પામ્યા હતા. તેમણે ૧૯૪૪માં જ્વાર ભાટા ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ પાંચ દાયકા દરમિયાન મુઘલ-એ-આઝમ, દેવદાસ, નયા દૌર, રામ ઔર શ્યામ જેવી અનેક હિટ ફિલ્મો આપી. વર્ષ ૧૯૯૮માં આવેલ ફિલ્મ ‘કિલા’ માં તેઓ અંતિમ વાર ફિલ્મી પડદે જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દિલીપકુમારના પત્ની સાયરા બાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને દિલીપ કુમારના નિધનને સાંસ્કૃતિક જગતની ખોટ તરીકે ગણાવી કહ્યું કે તેમને સિનેમાના લિજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top