પ્રખ્યાત એક્ટર સતીશ કૌશિકનું નિધન : અચાનક મૃત્યુથી અસંખ્ય ચાહકો અને બોલીવુડના મિત્રો આઘાતમાં!
Satish Kaushik passed away : મશહુર એક્ટર અનુપમ ખેર દ્વારા આજે મળસ્કે 5.15 વાગ્યે કરવામાં આવેલી એક ટ્વિટ વાંચીને લોકોને આઘાત લાગો હતો. અનુપમ ખેરે આ ટ્વિટ દ્વારા પોતાના અંગત મિત્ર અને બોલીવુડમાં ઉમદા કલાકાર તરીકે ખ્યાતિપ્રાપ્ત સતીશ કૌશિકના મૃત્યુની જાહેરાત કરી હતી! લોકોને અનુપમ ખેરની ટ્વિટ દ્વારા જ સતીશ કૌશિકની દુઃખદ વિદાય અંગે જાણ થઇ હતી.
જાણવા મળતી માહિતી મુજબ 8 માર્ચે સતીશ કૌશિક ગુડગાંવમાં હતા, અને કાર લઈને પોતાના કોઈક ઓળખીતાને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન એમને મેસિવ હાર્ટ એટેક આવ્યો હતો, જે જીવલેણ નીવડ્યો! જો કે ગઈકાલે મોડી રાત સુધી આ અંગેના સમાચારો પ્રકાશિત થયા નહોતા. પરંતુ સતીશ કૌશિકના અંગત મિત્ર એવા બોલીવુડ સ્ટાર અનુપમ ખેરે આજે વહેલી સવારે ટ્વિટ કરીને આ દુઃખદ ઘટનાની માહિતી આપ્યા બાદ સહુને સતીશ કૌશિકના નિધન વિષે જાણ થઇ હતી. 13 એપ્રિલ, 1956ને દિવસે પંજાબના મહેન્દ્રગઢ ખાતે જન્મેલા સતીશ કૌશિક 66 વર્ષના હતા.
હજી 7 માર્ચે તો અનુપમ ખેરની વર્ષગાંઠ નિમિત્તે સતીશ કૌશિકે ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. અનુપમે આ ટ્વિટને રી-ટ્વિટ પણ કરી હતી. અને થોડા જ કલાકો પછી અનુપમે પોતાના આ સાડા ચાર દાયકા જૂના અંગત મિત્રની વિદાય અંગે ટ્વિટ કરવી પડી! મિત્રને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે લખ્યું છે કે, 'હું જાણું છું કે મૃત્યુ એ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પરંતુ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતા મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ. સતીશ, તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે. ઓમ શાંતિ!'
1983થી ફિલ્મ એક્ટિંગમાં પદાર્પણ કરનાર સતીશ કૌશિકની એ જ વર્ષે ચાર ફિલ્મો રજૂ થઇ હતી, જેમાં એમણે સાઈડ રોલ્સ કરેલા. પણ એ તમામ ફિલ્મો પ્રસિદ્ધિ પામી અને સતીશ કૌશિકના કામની પણ નોંધ લેવાઈ. આ ચાર ફિલ્મો હતી : 'જાને ભી દો યારોં', 'વો સાત દિન', માસૂમ' અને 'મંડી'.
એ પછી સતીશ કૌશિકે પાછું વળીને જોયું નથી. એમણે આશરે 100 ફિલ્મોમાં કામ કર્યું છે. એ સાથે એમણે જ 1993માં આવેલી 'રૂપ કિ રાની, ચોરોં કા રાજા'થી દિગ્દર્શન પર પણ હાથ અજમાવ્યો. કોમેડીમાં અદભૂત પકડ ધરાવનાર કૌશિકે ફિલ્મ ડિરેક્શનમાં પણ સારું એવું કાઠું કાઢ્યું. એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ઓળખ મળી હતી. આ પછી તેણે 1997માં દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતીશ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp