What is NATOM: ભારતે પાકિસ્તાનન 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતે ગઇકાલે NOTAM જાહેર કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને જે NOTAM જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તે શું વસ્તુ છે? આવો આ બાબતે જાણીએ.
NOTAMનો અર્થ ‘નોટિસ ટૂ એરમેન’ થાય છે. એરમેન શબ્દ પરથી જ તમે સમજી ગયા હશો કે તે વિમાન ક્ષેત્ર સાથે સંબંધિત છે. વાસ્તવ, NOTAM એક નોટિસ છે. જે પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને અન્ય ઉડ્ડયન સાથે જોડાયેલા લોકોને હવાઈ મુસાફરી સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. NOTAMનો મુખ્ય હેતુ હવાઈ મુસાફરીને સુરક્ષિત અને સરળ બનાવવાનો છે. તેના મધ્યમથી, કોઈપણ એરપોર્ટ, એરસ્પેસ અથવા અન્ય ઉડ્ડયન સુવિધાઓમાં કોઈપણ કામચલાઉ પરિવર્તન અથવા ભય બાબતે માહિતી આપવામાં આવે છે.
આ માહિતી ટેલિકોમ્યૂનિકેશન દ્વારા આપવામાં આવે છે જેથી ફ્લાઇટ સંચાલન સાથે સંકળાયેલા લોકો તરત જ તેના વિશે જાણી શકે અને તેમના ફ્લાઇટ પ્લાન બદલી શકે. કુલ મળીને આ સમગ્ર ફ્લાઇટ ઓપરેશનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. NOTAMના માધ્યમથી જ ફ્લાઇટ્સને ટેકઓફ અથવા લેન્ડિંગની માહિતી મળે છે. તે રીઅલ-ટાઇમ ડેટા એકત્રિત કરીને તેને એરપોર્ટ ઓપરેશન્સ અથવા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને આપે છે. ત્યારબાદ ATC તેને વિમાનમાં બેઠેલા પાઇલટ્સ સુધી પહોંચાડે છે.
જ્યારે પણ એરસ્પેસ અથવા એરપોર્ટને લગતી કોઈ ખાસ પરિસ્થિતિ હોય, જેમ કે રનવે બંધ થવું, ખરાબ હવામાન, એરસ્પેસમાં કોઈ જોખમ, અથવા કોઈ નવી વ્યવસ્થા, તો તેની માહિતી તાત્કાલિક તમામ સંબંધિતો લોકોને પહોંચાડવી મહત્ત્વપૂર્ણ છે. NOTAM આજ કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે પાઇલટ્સ અને અન્ય કર્મચારી આ ફેરફારો અથવા જોખમો વિશે અગાઉથી જાણી લે, જેથી તેઓ યોગ્ય નિર્ણયો લઈ શકે.
NOTAMમાં વિવિધ પ્રકારની માહિતી હોઈ શકે છે. જેમ કે:
એરપોર્ટ માહિતી: જો કોઈ એરપોર્ટનો રનવે સમારકામ માટે બંધ હોય, અથવા ટેક્સીવે પર કોઈ અવરોધ હોય, તો તે NOTAMમાં જણાવવામાં આવે છે.
એરસ્પેસની સ્થિતિ: જો કોઈ વિસ્તારમાં લશ્કરી કવાયત થઈ રહી હોય, ડ્રોન ઉડતા હોય, અથવા કોઈ ચોક્કસ એરસ્પેસ પ્રતિબંધિત હોય, તો તે NOTAMમાં સામેલ હોય છે.
હવામાનની ચેતવણીઓ: જો કોઈ રૂટ પર તોફાન, ભારે વરસાદ અથવા ધુમ્મસ આવવાની શક્યતા હોય, તો પાઇલટ્સને NOTAM દ્વારા તેની જાણ કરવામાં આવે છે.
નેવિગેશન ઉપકરણ: જો કોઈ રેડિયો નેવિગેશન સિસ્ટમ અથવા રડાર કામ કરી રહી ન હોય, તો આ પણ NOTAMમાં બતાવવામાં આવે છે.
અન્ય જોખમો: જેમ કે હવાઇ ક્ષેત્રમાં પક્ષીઓના ટોળા, લેસર લાઇટનો ઉપયોગ, અથવા અન્ય કોઈપણ અસામાન્ય ગતિવિધિ.
NOTAM એવિએશન ઓથોરિટી (જેમ કે DGCA- ભારતમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) અથવા એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે. તે ડિજિટલ સિસ્ટમ દ્વારા પાઇલટ્સ, એરલાઇન્સ અને એર ટ્રાફિક કંટ્રોલ સુધી પહોંચાડવામાં આવે છે. આજકાલ, NOTAMને મોબાઇલ એપ્લિકેશન્સ, ઇ-મેઇલ અથવા એવિએશન સોફ્ટવેર દ્વારા સરળતાથી જોઈ શકાય છે.