Gandhi Jayanti 2024: પહેલી અને છેલ્લી વખત બાપુ ક્યારે થિયેટરમાં ગયા હતા, જાણો મહાત્મા ગાંધીએ કઇ ફિલ્મ જોઇ હતી?
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. બાપુએ દેશને આઝાદી અપાવવા માટે ન માત્ર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધુ હતું, પરંતુ તેમના આદર્શો આજે પણ દેશને પ્રેરણા આપે છે. આજે અમે તમને એ કિસ્સો જણાવીશું જ્યારે મહાત્મા ગાંધી પહેલી અને છેલ્લી વખત ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચ્યા હતા અને તેઓ અડધી ફિલ્મ જોઇને જ પાછા ફર્યા હતા.
વાસ્તવમાં મહાત્મા ગાંધીને ફિલ્મો અને સિનેમામાં કોઇ ખાસ રસ નહોતો. પરંતુ એક વખત તેઓ ફિલ્મ જોવા માટે થિયેટરમાં પણ પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે આ ફિલ્મ તેમના જ આદર્શોની આસપાસ વણાયેલી હતી. પણ બાપુને આ ફિલ્મ બહુ ગમી નહીં.
અહેવાલો મુજબ મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં માત્ર એક જ ફિલ્મ જોઇ હતી. જેનું નામ ‘રામરાજ્ય’ છે. આ ફિલ્મ બાપુના એ આદર્શો પર આધારિત હતી, જેને તેઓ દેશમાં રામરાજ લાવવા માટે મહત્ત્વપૂર્ણ માનતા હતા. વર્ષ 1943માં રીલિઝ થયેલી આ ફિલ્મની કહાની બાપુના આદર્શોની આસપાસ વણાયેલી હતી. ડિરેક્ટર વિજય ભટ્ટના આ નિવેદનથી પ્રભાવિત થઇને બાપુએ પણ ફિલ્મ જોવાનું મન બનાવી લીધું હતું.
ઘણા લોકોને આશા હતી કે આ ફિલ્મ બાદ કદાચ બાપુનો સિનેમા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઇ જશે. પરંતુ એવું ન થઇ શક્યું કારણ કે બાપુએ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હતી અને થિયેટરમાંથી બહાર આવી ગયા હતા. અહેવાલો અનુસાર, બાપુએ ત્યારબાદ ક્યારેય કોઇ ફિલ્મ જોઇ નથી. આ પહેલી અને છેલ્લી વખત હતું જ્યારે મહાત્મા ગાંધીએ ફિલ્મ જોઇ હતી.
ભારત અને વિદેશમાં મહાત્મા ગાંધી પર ઘણી ફિલ્મો બની. આ ફિલ્મોએ ન માત્ર તેમના કલાત્મક પરિપ્રેક્ષ્ય માટે જ ખ્યાતિ મેળવી, પરંતુ ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર બમ્પર હિટ પણ સાબિત થઇ હતી. પણ બાપુના જીવનમાં સિનેમા માટે કોઇ ખાસ સ્થાન નહોતું. સિનેમા અને સમાજ પર તેની અસર વિશે તેમના અલગ વિચાર હતા, કદાચ તેથી જ તેઓ હંમેશાં ફિલ્મોથી દૂર રહેતા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp