ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનના કારણે ડેનમાર્કમાં યુદ્વ જેવો માહોલ
12/25/2024
World
Why Trump wants to buy Greenland: ડોનાલ્ડ ટ્રમ્પ હજુ રાષ્ટ્રપતિ પદ પર બેઠા પણ નથી. તેઓ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. પરંતુ એ અગાઉ જ તેમની આહટ આખી દુનિયામાં સંભળાવા લાગી છે. સત્તા સંભાળવા અગાઉ જ ડોનાલ્ડ ટ્રમ્પે આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ગ્રીનલેન્ડ વિશે ટ્રમ્પની વાત સાંભળીને ડેનમાર્ક ભયભીત છે. ડેનમાર્કે ઝડપથી ગ્રીનલેન્ડની સુરક્ષા વધારી દીધી છે. મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
એટલું જ નહીં, 3 સ્લેજ ડૉગ પણ તૈનાત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડને હાંસલ કરવાની, પનામા કેનાલ પર ફરીથી કંટ્રોલ કરવાની અને મજાકમાં કેનેડા પર કબજો કરવાની વાત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી દીધી છે.
વાસ્તવમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ ખરીદવાના તેમના જૂના આહ્વાનનું પુનરાવર્તન કર્યું છે. તેમણે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ આ આહ્વાન કર્યુ હતું, પરંતુ તે સફળ થયું નહોતું. આ સાથે ડેનમાર્ક પણ મિત્ર દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેની સાથે ટ્રમ્પ 20 જાન્યુઆરીએ સત્તા સંભાળવા અગાઉ જ સંઘર્ષપૂર્ણ અભિગમ અપનાવી રહ્યા છે. ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવાની વાત કરીને ડેનમાર્કની ચિંતા વધારી દીધી છે. જો કે, ડેનિશ સરકારે આર્કટિક પ્રદેશ પર ટ્રમ્પના નવેસરથી ભાર મૂક્યા બાદ ગ્રીનલેન્ડ માટે તેના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ ખર્ચમાં વધારો કરીને પ્રતિક્રિયા આપી છે.
ગ્રીનલેન્ડ માટે પૈસાઓનો વરસાદ
BBCના સમાચાર મુજબ, ડેનિશ રક્ષા મંત્રી ટ્રોલ્સ લુંડ પોલ્સેને કહ્યું કે ગ્રીનલેન્ડની સુરક્ષા માટેનું આ પેકેજ 2 અબજ ક્રોનથી વધુનું છે. એટલે કે ઓછામાં ઓછા 1.5 અબજ ડૉલર (1,28,08,29,00,000 રૂપિયા). તેમણે આ જાહેરાતના સમયને ભાગ્યની વિડંબના ગણાવી. પોલ્સેને જણાવ્યું હતું કે, આ પેકેજ 2 નવા નિરીક્ષણ જહાજ, 2 નવા લાંબા અંતરના ડ્રોન અને બે વધારાની ડૉગ સ્લેજ ટીમો ખરીદશે. સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગ્રીનલેન્ડની માલિકી અને નિયંત્રણ અમેરિકા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ડેનિશ સરકાર ગ્રીનલેન્ડ માટે શું-શું કરશે?
તેની સાથે જ રાજધાની નૂકમાં આર્કટિક કમાન્ડમાં કર્મચારીઓની સંખ્યા વધારવા માટે ફંડિંગ અને ગ્રીનલેન્ડ 3 મુખ્ય નાગરિક એરપોર્ટમાંથી એકને F-35 સુપરસોનિક ફાઇટર પ્લેનને હેન્ડલ કરવા અપગ્રેડ કરવામાં આવશે. રક્ષા મંત્રીએ કહ્યું કે, 'અમે ઘણા વર્ષોથી આર્કટિકમાં પૂરતું રોકાણ કર્યું નથી. હવે અમે ત્યાં અમારી મજબૂત ઉપસ્થિતિનું આયોજન કરી રહ્યા છીએ. રક્ષા મંત્રીએ આ પેકેજનો ચોક્કસ આંકડો આપ્યો નથી, પરંતુ ડેનિશ મીડિયાનો અંદાજ છે કે તે લગભગ 12-15 અબજ ક્રૉન હશે. ડેનમાર્ક દ્વારા આ જાહેરાત ટ્રમ્પના નિવેદનના એક દિવસ બાદ કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતાના હેતુઓ માટે, અમેરિકાનું માનવું છે કે ગ્રીનલેન્ડની માલિકી અને નિયંત્રણ એક પરમ આવશ્યકતા છે.
વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ગ્રીનલેન્ડ પર યોજના બનાવી છે. અઠવાડિની શરૂઆતમાં તેમણે સૂચવ્યું હતું કે જો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડતી પનામા કેનાલનો ઉપયોગ કરવા માટે જરૂરી વધતા શિપિંગ ખર્ચને ઘટાડવા માટે કંઈ કરવામાં નહીં આવે તો તેમનો દેશ પનામા કેનાલ પર ફરીથી નિયંત્રણ મેળવી શકે છે. તેઓ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને 'ગ્રેટ સ્ટેટ ઑફ કેનેડા'ના 'ગવર્નર' બનાવવાનું પણ સૂચન કરી રહ્યા છે.
કેમ અમેરિકા ગ્રીનલેન્ડ પાછળ પડી ગયું છે
ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે, જે એટલાન્ટિક અને આર્ક્ટિક મહાસાગરોની વચ્ચે સ્થિત છે. તે 80 ટકા બરફની ચાદરથી ઢંકાયેલો છે અને અહીં એક વિશાળ અમેરિકન સૈન્ય બેઝ છે. ડેનમાર્કના સરકારના વડા એટલે કે વડાપ્રધાન મ્યૂટ બોરુપ એગેડે કહ્યું છે કે ગ્રીનલેન્ડ પર અમેરિતન નિયંત્રણ માટે ટ્રમ્પની તાજેતરની અપીલ તેમના પ્રથમ કાર્યકાળની જેમ નિરર્થક રહેશે. ગ્રીનલેન્ડ અમારું છે. અમે વેચવા માટે તૈયાર નથી અને ક્યારેય નહીં વેંચીએ. આપણે પોતાની આઝાદી માટેની વર્ષો જૂની લડાઈ હારવી ન જોઈએ.
ગ્રીનલેન્ડ, વિશ્વનો સૌથી મોટો ટાપુ, ડેનમાર્ક રાજ્યની અંદરનો એક સ્વાયત્ત પ્રદેશ છે. તેનો અર્થ એ થયો કે તેની પોતાની સરકાર છે અને તે પોતાની આંતરિક બાબતોનું સંચાલન કરે છે, પરંતુ રક્ષા અને વિદેશ નીતિ ડેનમાર્કના હાથમાં છે. આર્ક્ટિક અને એટલાન્ટિક મહાસાગરો વચ્ચે સ્થિત, ગ્રીનલેન્ડ ખાસ કરીને અમેરિકા માટે ભૌગોલિક રાજકીય મહત્ત્વ ધરાવે છે. કારણ કે તે ઉત્તર અમેરિકા અને યુરોપ વચ્ચેના સૌથી ટૂંકા હવાઈ માર્ગ પર સ્થિત છે.
આ ટાપુ થુલે એર બેઝનું ઘર પણ છે, જે અમેરિકાનું મુખ્ય લશ્કરી બેઝ છે. ગ્રીનલેન્ડ પાસે વિશાળ કુદરતી સંસાધનો છે, જેમાં નોંધપાત્ર ખનિજ ભંડાર છે અને તેની વિપુલ પવન અને હાઇડ્રોપાવર સંભવિતતાના કારણે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાં રસ વધી રહ્યો છે. આ જ કારણ છે કે ટ્રમ્પ તેના પર નિયંત્રણ મેળવવા માગે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp