SidhiKhabar Exclusive : શિક્ષણ વિભાગના નિયમોનું છેડેચોક ઉલ્લંઘન : ખેરગામમાં બે વર્ષથી માન્યતા વગર ધમધમતી જ્ઞાનધામ વિદ્યાલય
03/02/2022
Specials
ખેરગામ.
એક તરફ શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર લાવવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ નવસારીના ખેરગામમાં એક ટ્રસ્ટ શિક્ષણ વિભાગના નિયમોને ઘોળીને પી જઈને છેલ્લા બે વર્ષથી વગર માન્યતા કે મંજૂરીએ શાળા ચલાવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
સીધી ખબર પાસે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેરગામ સ્થિત ‘ઉમ્મીદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાલતી ‘જ્ઞાનધામ વિદ્યાલય’ને શિક્ષણ વિભાગ તરફથી છેલ્લા બે વર્ષથી શાળા ચલાવવા માટેની પરવાનગી મળી નથી. તેમજ ચાલુ વર્ષે પણ નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.
આ મામલે તાલુકા શિક્ષણ વિભાગનો સંપર્ક કરવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે, “આ શાળાને કોઈ પણ પ્રકારની મંજૂરી મળેલ નથી. ચાલુ વર્ષે પણ દરખાસ્ત કરવામાં આવી છે.” જોકે, પ્રાપ્ત માહિતી પ્રમાણે જિલ્લા કક્ષાએથી શાળાની એકથી પાંચ અને છથી આઠના ધોરણોની મંજૂરીની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.
નિયમો અનુસાર, મંજૂરી મળે નહીં ત્યાં સુધી શાળામાં અભ્યાસ કે વર્ગો ચાલુ કરવા ગેરકાયદેસર છે. તેમ છતાં શાળા સંચાલકો નિયમોથી ઉપરવટ જઈને અધિકારીઓની આંખમાં ધૂળ નાંખી બે વર્ષથી શાળા ચલાવી રહ્યા હોવાનું અને બાળકોને પણ બોલાવતા હોવાનું સામે આવતા રાવ ઉઠી છે અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે.
ચિખલીની અન્ય શાળામાં બાળકોના પ્રવેશ કરાવ્યા
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે શાળા સંચાલકોએ વાલીઓને અંધારામાં રાખી તેમની જાણ બહાર બાળકોના પ્રવેશ ચિખલી તાલુકાની અન્ય એક શાળા ‘જય અંબે વિદ્યાલય’માં કરાવ્યા હતા. છતાં આ બાળકોને પોતાની શાળામાં બોલાવીને પરિણામો મંજૂરી વગરની શાળા ‘જ્ઞાનધામ’ના નામે આપવામાં આવે છે તેમજ નવા પ્રવેશ માટે પણ જ્ઞાનધામ વિદ્યાલયના નામે વાલીઓને NOC આપવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આ વર્ષે ફરી દરખાસ્ત નામંજૂર થઇ, આ રહ્યા પુરાવા
ગત ફેબ્રુઆરી મહિનામાં જ આ શાળાની જૂન 2022થી બિનઅનુદાનિત નવી પ્રાથમિક શાળા શરૂ કરવાની દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી હતી. રમતગમતનું મેદાન ટ્રસ્ટની માલિકીનું હોવાના આધારો કે રજીસ્ટર્ડ લીઝ અંગેના આધારો તેમજ શાળાનું મકાન ટ્રસ્ટની માલિકીનું હોવાના આધારો રજૂ કરવામાં ન આવ્યા હોવાના કારણો આપીને જિલ્લા શિક્ષણ વિભાગે દરખાસ્ત નામંજૂર કરી દીધી હતી.
શાળામાં રમતગમતનું મેદાન નહીં
આ ઉપરાંત અન્ય કેટલાક મુદ્દાઓને લઈને ભૂતકાળમાં પણ શાળા વિરુદ્ધ ફરિયાદો થઇ હતી. જેમાં શાળામાં મેદાન ન હોવાનું તેમજ સલામત સ્થળે શાળાનું મકાન ન આવેલ હોવાનું જણાતા શિક્ષણ વિભાગને રજૂઆતો કરવામાં આવી હતી.
ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સોગંદનામા મુજબ શાળા મકાન અને ભૌતિક સુવિધાઓને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારો માટે 1500 ચોરસ મીટર વિસ્તારમાં રમતગમતનું મેદાન હોવું જરૂરી છે, જે આ શાળા પાસે ઉપલબ્ધ નથી.
પેટ્રોલપંપની બરાબર બાજુમાં જ શાળાનું મકાન
આ ઉપરાંત, સોગંદનામા અનુસાર શાળાનું સ્થળ વિદ્યાર્થીઓની સલામતીને હાનિ પહોંચી શકે તેવા સ્થળોએથી સલામત અંતરે હોવું જોઈએ. પરંતુ આ શાળાનું મકાન સેવક સર્વિસ ઇન્ડિયન ઓઈલ પેટ્રોલપંપની બરાબર બાજુમાં જ આવેલ છે અને શાળામાં પ્રવેશ કરવાનો કે બહાર નીકળવાનો રસ્તો પણ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડને અડીને આવેલ છે. આ જ પેટ્રોલપંપમાં ભૂતકાળમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ બનેલ છે, જેથી વિદ્યાર્થીઓના જીવને સીધું જોખમ છે.
આ મામલે ખેરગામવાસીઓ દ્વારા ભૂતકાળમાં બબ્બે વખત અરજી કરવામાં આવી છે. જોકે, તેમ છતાં બે વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી.
છેલ્લા બે વર્ષથી માન્યતા વગર ચાલતી શાળા વિરુદ્ધ અનેક વખત ફરિયાદો ઉઠી હોવા છતાં શિક્ષણ વિભાગ કેમ આંખ આડા કાન કરી રહ્યો છે અને બાળકોના ભવિષ્યનો સવાલ હોવા છતાં શા માટે પગલાં લેવામાં આવી રહ્યા નથી તે પ્રશ્ન પણ સર્જાયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp