મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતની મોત બાદ સોશિયલ મીડિયા પર આઉટસાઈડર અને ઈન્સાઈડર અંગે ચર્ચા થઇ રહી છે. જેમાં કંગના રણૌતથી લઇને શેખર કપૂર સુધીના તમામ એક્ટર પોતની વ્યથા કહી રહ્યા છે અને સાથે જ સુશાંત પ્રત્યે દુખ પણ વ્યકત કરી રહ્યા છે. કંગના રણૌત સુશાંતસિંહની મોત માટે બોલીવૂડને જવાબદાર ગણાવે છે. અને સાથે જ બીજા એક્ટરો પણ ધીમે ધીમે બોલીવૂડની રંગની દુનિયા પાછળનું સત્ય કહી રહ્યા છે. અનુરાગ કશ્યપના ભાઈ અને દબંગ ફિલ્મના ડિરેક્ટર અભિનવ કશ્યપે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
અભિનવે સુશાંતસિંહની આત્મહત્યાની તપાસ અંગેની માંગણી કરી છે. સાથે જ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ દ્વારા સલમાન ખાન અને તેમના પરિવાર પર આરોપ લગાવતા કહ્યું કે "હું સુશાંતસિંહ રાજપૂતની જેમ હાર નથી માનવાનો".
અભિનવે પોતાના ફેસબૂક પેજ પર પોસ્ટ લખી હતી જેમાં તેમણે બે વાતનો દાવો કર્યો હતો. પહેલી એ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રો-ટેલેન્ટને કેવી રીતે બરબાદ કરવામાં આવે છે. અને બીજી એ કે દબંગ ફિલ્મ બનાવતી વખતે અરબાઝ ખાને અભિનવ સાથે કેવો વ્યવહાર કર્યો હતો.
અભિનવે લખ્યું હતું કે "૧૦ વર્ષ પહેલા હું દબંગ-૨ ફિલ્મથી એટલા માટે અલગ થઇ ગયો કારણકે અરબાઝ ખાન, સોહિલ ખાન અને તેની ફેમેલી મારા કેરિયર પર લગામ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અરબાઝ ખાને શ્રી અષ્ટવિનાયક ફિલ્મ સાથે બીજી ફિલ્મો પર પણ પાણી ફેરવી દીધું હતું. આ સિવાય તેમણે સલમાન ખાનના પરિવાર પર આરોપ લગાવ્યો હતો. દુર્ભાગ્યથી સત્ય મારા પક્ષમાં છે. હું સુશાંતસિંહ રાજપૂતની જેમ હાર નથી માનવાનો. હું ત્યાં સુધી લડતો રહીશ જ્યાં સુધી હું તેમનો અથવા મારો ખુદનો અંત નહિ જોઈ લઉં.
અભિનવે બોલીવુડમાં કામ કરી રહ્યા બીજા લોકો માટે ઘણું લખ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ બોલીવૂડ માટે એક મોટો પ્રશ્નો ઉભો કર્યો છે. આ એવો પ્રશ્ન છે જેનો જવાબ કોઈ પાસે નથી. હકીકતમાં એવું શું છે, જેનાથી આપણે સૌ લડી રહ્યા છીએ! એવી કઈ તકલીફ છે જે કોઈ વ્યક્તિને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી શકે છે? વધુમાં તેમણે લખ્યું કે કેવી રીતે ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ દ્વારા રો- ટેલેન્ટને રોકવામાં આવે છે. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોને કઈ રીતે ફસાવામાં આવે છે અને તેમની કેરીયર બરબાદ કરવામાં આવે છે, એ વિષે પણ તેણે લખ્યું છે.