Canada-China Relations: કેનેડાએ ચીનને આપ્યો 440 વૉલ્ટનો ઝટકો, આ મોટી કંપની પર લગાવી દીધો પ્રતિબંધ; શું બંને દેશો વચ્ચે વધશે તણાવ?
કેનેડાએ ચીનને 440 વૉલ્ટનો ઝટકો આપ્યો છે. કેનેડા સરકારે એક આદેશ જાહેર કરીને ચીનની એક મોટી કંપનીને દેશમાં તમામ કામગીરી બંધ કરવા કહ્યું છે. કાર્ની સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. કેનેડાના ઉદ્યોગ મંત્રી મેલોની જોલીએ શુક્રવારે (27 જૂન, 2025) જણાવ્યું હતું કે, સરકારે ચીની સર્વિલાન્સ ઉપકરણ નિર્માતા હિકવિઝનને કેનેડામાં કામ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં કામ કરતું હિકવિઝન રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ હશે. કે કેનેડિયન સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હિકવિઝન કંપની પહેલાથી જ ઘણી આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓના રડાર પર છે. અમેરિકાએ પહેલાથી જ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને યુરોપિયન યુનિયને પણ તેના પર ઘણા સવાલ ઉભા કર્યા છે. એવો આરોપ છે કે હિકવિઝનના ઉત્પાદનોનો ઉપયોગ ચીની સરકાર દ્વારા દેખરેખ, માનવાધિકાર ઉલ્લંઘન અને અહી સુધી કે ઉઇગર મુસ્લિમોના અત્યાચારમાં પણ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં કેનેડાનું આ પગલું વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે કારણ કે તે માત્ર એક ટેકનિકલ પ્રતિબંધ નથી, પરંતુ એક કૂટનીતિક સંદેશ પણ છે કે કેનેડા પોતાની ડિજિટલ સીમાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
કેનેડા અને ચીન વચ્ચેના સંબંધો પહેલાથી જ એક નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હુવાવેઇ, માઈકલ કોવરિગ અને માઈકલ સ્પાવરની ધરપકડ, હોંગકોંગ નીતિ અને હવે હિકવિઝન પ્રતિબંધ, આ બધી ઘટનાઓ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવનું કારણ બની છે. હવે જોવાનું એ રહે છે કે બીજિંગ આ નિર્ણય પર કેવી પ્રતિક્રિયા આપે છે. ચીન કદાચ કેનેડાના આ પગલાને રાજકીય રીતે પ્રેરિત ગણાવી શકે છે. તેનાથી વેપાર અને રાજદ્વારી વાતચીત પર વધુ અસર પડી શકે છે. આ ઉપરાંત, કેનેડાએ ચીન પર દેશમાં ખોટી અને ગુપ્ત રીતે કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp