'જો ભીંતચિત્રો નહીં હટાવાય તો..." સાળંગપુર, કુંડળ, BAPS કાલાવડ સહિતના સ્વામિનારાયણ મંદિરોને કોણે ફટકારી લીગલ નોટિસ, જાણો
સાળંગુપર મંદિરમાં બનાવવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્યપ્રતિમાની નીચે કણપીઠમાં ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ ભીંતચિત્રો હટાવવાની ઉગ્ર માંગણી કરી છે. ત્યારે હવે આ ભીંતચિત્રોને લઈને સાળંગપુર, કુંડળ, વડતાલ, પોચા, રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા મોકલવામાં આવી છે.
વકીલ દ્વારા મોકલવામં આવેલી નોટિસમાં લખેલું છે કે, સાળંગપુર ખાતે ગત તા. 06/04/2023ના હનુમાન જયંતિના પર્વ પર શ્રી રામ ભક્ત હનુમાનજીની 54 ફુટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરેલ જે મુર્તિની નીચે ચારેય તરફ શ્રી રામ ભક્ત હનુમાનજીના ચિત્રો દર્શાવવામાં આવેલ છે, તેમજ યુટ્યુબના માધ્યમથી એનિમેશન સીરિઝ જે નીલકંઢ વર્ણીના જીવનકાળા દર્શાવવા માટે અપલોડ કરવામાં આવેલી છે, જેમાં સનાતન હિન્દુ ધર્મનું અપમાન થયેલ છે, જે આવું કૃત્ય કરવાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચેલ છે અને સનાતન હિન્દુ ધર્મનો આપની સંસ્થા દ્વારા જે મજાક ઉડાવવામાં આવેલ છે, જેના લીધે આ નોટિસ આપવાની ફરજ પડેલી છે.
આજથી આશરે 7000 વર્ષે પૂર્વે જ્યારે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કરવા પૃથ્વી પર જન્મ લીધેલો ત્યારે શ્રી રામ ભક્ત હનુમાનજીએ પણ જન્મ લીધેલ હતો, ત્યારે હનુમાનજી શ્રી રામના ભક્ત હતા. ભગવાન શ્રી રામની સાથે રહીને રાવણનો વધ કરીને માતા સિતાને લંકાથી અયોધ્યા પરત લાવેલા જે પુસ્તક રામાયણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. મહર્ષિ વાલ્મીકિ દ્વારા આ પુસ્તક લખાયેલું ત્યારથી સમગ્ર વિશ્વને રામાયણ અને પ્રભુ શ્રી રામ અને રામ ભક્ત હનુમાનજીની કથા વિશે માહિતી થયેલી. રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા, જ્યારે શ્રી રામભક્ત હનુમાનજી ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર છે. હિન્દુ સનાતન ધર્મ યુગો યુગોથી ચાલતો આવ્યો છે. જ્યારે આપનો સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા 200 વર્ષ જૂનો છે.
સૌરાષ્ટ્ર તેમજ ભારત સંતોની ભૂમિ રહ્યું છે. જેમાં ઘણા સંતો મહંતો થઈ ગયા. પરંતુ આજદિન સુધી કોઈ સંતે ભગવાન પાસે સેવા કરાવેલ હોય તેવું બન્યું નથી કે બનશે નહીં. આપનો સંપ્રદાય છેલ્લા 200 વર્ષથી ભારતભરમાં કાર્યરત છે પણ આજદિન સુધી હિન્દુ ધર્મની લાગણી દુભાય એવું કૃત્ય એક પણ સાધુ સંત દ્વારા કરવામાં આવેલ નથી. એક માત્ર તમારા સ્વામિનારાયણ સંપ્રદાયએ સનાતન હિન્દુ ધર્મનું અપમાન કરેલ છે. જેથી લાખો હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણી દુભાઈ હોય એવું કૃત્ય કરતા આપને આ નોટિસ આપવાની ફરજ પડેલ છે. આપના આ કૃત્યથી સોશિયલ મીડિયામાં પણ સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચેલ છે. એવું છેલ્લા ઘણા દિવસોથી ન્યૂઝ પેપરમાં તથા સોશિયલ મીડિયામાં પણ દેખાઈ આવેલ છે.
તેમણે કહ્યું કે, જો આ નોટિસ મળ્યે તુરંત સનાતન ધર્મ અને હિન્દુઓની લાગણી દુભાય એવા ચિત્રો, પોસ્ટરો કે મૂર્તિઓ આપ અને આપની કોઈ પણ સંસ્થા દ્વારા હટાવવામાં નહીં આવે તો તમારી સંસ્થા સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp