આ ફિલ્મની શૂટિંગ દરમિયાન 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ; હૉસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા
રણવીર સિંહ વર્તમાનમાં ‘ધુરંધર’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. હવે સમાચાર એવા મળી રહ્યા છે કે ફિલ્મના સેટ પર 100થી વધુ ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઇઝનિંગ થયું છે. બધાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખના લેહમાં ચાલી રહ્યું છે. ABP લાઈવના સમાચાર મુજબ, લગભગ 600 લોકોએ ખાવાનું ખાધું હતું, જેમાંથી 100 થી વધુ લોકો ફૂડ પોઇઝનિંગથી પ્રભાવિત થયા હતા. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે જ સમયે લોકોને પેટમાં દુઃખાવો, ઉલટી અને માથાનો દુઃખાવા જેવી સમસ્યાઓ થવા લાગી. ત્યારબાદ, જ્યારે એ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે જાણવા મળ્યું કે તેમને ફૂડ પોઇઝનિંગ થયું છે.
આ ઘટના બાદ, ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના રવિવાર સાંજની છે. આ મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ પોઇઝનિંગ પાછળનું કારણ શોધવા માટે ક્રૂ મેમ્બરોએ જે ખોરાક ખાધો હતો તેના નમૂના પણ લેવામાં આવ્યા છે. ડૉક્ટરના સંદર્ભે સમાચારમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના ક્રૂ મેમ્બર્સની તબિયતમાં સુધારો થયા બાદ તેમને રજા આપવામાં આવી છે. આ મામલે તપાસ બાદ શું માહિતી બહાર આવે છે તે જોવાનું બાકી છે. ‘ધુરંધર’ વર્ષ 2025ની મોટી આવનારી ફિલ્મોમાંથી એક છે.
ફિલ્મ ‘ધુરંધર’ આ વર્ષે 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આદિત્ય ધર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. તેમણે ફિલ્મ લખવાની જવાબદારી પણ સંભાળી છે. આ સાથે, તેઓ લોકેશ ધર અને જ્યોતિ દેશપાંડે સાથે આ ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યા છે. આદિત્ય ધરે 'ધુરંધર'માં ઘણા મોટા સ્ટાર્સને કાસ્ટ કર્યા છે. રણવીર સિંહ સાથે, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર માધવન, અક્ષય ખન્ના પણ આ ફિલ્મનો હિસ્સો છે. તો, બોલિવૂડ અભિનેતા રાજ અર્જુનની પુત્રી સારા અર્જુન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp