આ અગાઉ પણ મૌની અમાસે મહાકુંભમાં મચી ગઇ હતી ભાગદોડ, 800થી વધુ લોકો ગંગામાં સમાઇ ગયા હતા
આજે (29 જાન્યુઆરી) મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં બીજું શાહી સ્નાન થવાનું હતું. આ શાહી સ્નાન અગાઉ, રાત્રે લગભગ 1:00 વાગ્યે, સંગમમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 17 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની તસવીરો વિચલિત કરનારી હતી. તસવીરોમાં, ઘટનાસ્થળે કપડાં, બેગ, બૂટ-ચંપલ અને અન્ય વસ્તુઓ આમ-તેમ પડેલી જોવા મળી હતી, જ્યારે હૉસ્પિટલોમાં મૃતદેહો ફર્શ પર પડેલા જોવા મળ્યા હતા. આ અકસ્માતે આપણને 71 વર્ષ અગાઉ થયેલા મહાકુંભ મેળાની યાદ અપાવી દીધી, જેમાં 800થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
વાસ્તવમાં, સ્વતંત્ર ભારતનો પહેલો મહાકુંભ અલ્લાહાબાદમાં એટલે કે આજના પ્રયાગરાજમાં આયોજિત થયો હતો. વર્ષ 1954માં આયોજિત આ મહાકુંભમાં, મૌની અમાસ ૩ ફેબ્રુઆરીના રોજ હતી. શાહી સ્નાન માટે સંગમ કિનારે લાખો લોકો હાજર હતા. તે દિવસે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ ત્યાં હાજર હતા. એવું કહેવાય છે કે તેમને જોવા માટે એકઠી થયેલી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે, જો તમે તે સમયના અખબારો પર નજર નાખો તો કહાની કંઈક અલગ જ નજરે પડે છે.
3 ફેબ્રુઆરી 1954ના રોજ શાહી સ્નાનના દિવસે, અખાડાઓની શોભાયાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ગંગા કિનારે ઉભા હતા. ધીમે-ધીમે ભીડ વધવા લાગી પરંતુ સરઘસને કારણે બહાર નીકળવાની જગ્યા નહોતી. જ્યારે ધક્કામુક્કી શરૂ થઈ, ત્યારે લોકો નાગા સાધુઓના સરઘસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે પછી સાધુઓએ તેમના ત્રિશૂળ શ્રદ્વાળુંઓ તરફ ફેરવ્યા. આવી સ્થિતિમાં, લોકો બહાર નીકળી શક્યા નહીં અને ભાગદોડને કારણે કેટલાક લોકો કચડાઈને મૃત્યુ પામ્યા અને કેટલાક ગંગામાં ડૂબી ગયા.
ઘણા અહેવાલો એમ પણ કહે છે કે તે દિવસે લગભગ 10 વાગ્યે, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની કાર ત્રિવેણી રોડથી નીકળી હતી. જ્યારે લોકોને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ બેરિકેડ તોડીને પોતાના વડાપ્રધાનને જોવા માટે આગળ વધવા લાગ્યા. આ સમય દરમિયાન, નાગા સાધુઓની શોભાયાત્રા ચાલી રહી હતી. ભીડ ખૂબ વધી ગઈ અને લોકોને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. આવી સ્થિતિમાં, અફરાતફરી શરૂ થઈ અને નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં 800 થી 1000 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે 2000 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. થોડા દિવસો બાદ, બજેટ સત્ર દરમિયાન, વડાપ્રધાન નહેરુએ પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp