Delhi NCR Earthquake: શુક્રવારે બપોરે દિલ્હી NCRમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા સમયાંતરે અનુભવાઈ રહ્યા છે. તેનું એપીસેન્ટર મ્યાંમાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યાં ભૂકંપની તીવ્રતા 7.2 હતી. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ પછી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બહુમાળી ઇમારતોમાં રહેતા લોકો સૌથી વધુ તણાવમાં છે. તેઓ ખુલ્લી જગ્યામાં ઝડપથી દોડતા જોવા મળ્યા. સદનસીબે, ભારતમાં તેની અસર મ્યાંમાર અને બાંગ્લાદેશ જેટલી ગંભીર રહી. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેમાં 43 લોકો ગુમ થયા હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ ભૂકંપની અસર ઉત્તર-પૂર્વ ભારતમાં પણ ખૂબ જ તીવ્ર હતી. મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, આસામ અને સિક્કિમના લોકોએ ખૂબ જ તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવ્યા. ભૂકંપના કારણે ત્યાંના લોકોના ઘરો ધ્રુજતા જોવા મળ્યા. અત્યાર સુધી ત્યાંથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર આવ્યા નથી.
શુક્રવારે મ્યાંમારમાં ભૂકંપના ઝટકા એટલા શક્તિશાળી હતા કે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી.
પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ઘસાય છે, એકબીજા ઉપર ચઢે છે કે એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. જેને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યૂડ સ્કેલ કહેવામાં આવે છે.
રિક્ટર મેગ્નિટ્યૂડ સ્કેલ 1-9 સુધીનો હોય છે. ભૂકંપની તીવ્રતાને તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એનો અર્થ એ કે તે કેન્દ્રમાંથી નીકળતી ઊર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1નો અર્થ છે કે ઓછી તીવ્રતાની ઉર્જા નીકળી રહી છે. 9 એટલે મહત્તમ. ખૂબ જ ભયાનક અને વિનાશક લહેર. તે દૂર જતા-જતા નબળી પડતી જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય તો 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ઝટકા અનુભવાય છે.
ભૂકંપ કેટલો ખતરનાક છે? તેને રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલની દરેક સ્કેલ પાછલા સ્કેલની તુલનામાં 10 ગણી ખતરનાક હોય છે.
0 થી 1.9ની તીવ્રતાવાળો ભૂકંપની માહિતી ફક્ત સિસ્મોગ્રાફ દ્વારા જ મળી શકે છે.
2 થી 2.9 ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે હળવી ધ્રુજારી આવે છે.
3 થી 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક પસાર થઈ ગયો હોય.
4 થી 4.9 ની તીવ્રતાના ભૂકંપમાં બારીઓ તૂટી શકે છે. દિવાલો પર લટકાવેલા ફ્રેમ પડી શકે છે.
5 થી 5.9ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હાલી શકે છે.
6 થી 6.9 ની તીવ્રતાનો ભૂકંપ ઇમારતોના પાયામાં તિરાડ પાડી શકે છે અને ઉપરના માળને નુકસાન પહોંચાડી શકે છે.
-7 થી 7.9 ની તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે. જમીનની અંદર પાઇપલાઇનો ફાટી જાય છે.
8 થી 8.9 ની તીવ્રતાના ભૂકંપમાં, માત્ર ઇમારતો જ નહીં પરંતુ મોટા પુલ પણ તૂટી શકે છે.
9 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ મોટા પાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું રહેશે, તો તેને પૃથ્વી ધ્રુજતી દેખાશે. જો દરિયો નજીક હોય તો ત્સુનામી આવી શકે છે.