મુંબઈ: IPL 2021 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષની IPL દેશના અમુક પસંદ કરાયેલ સ્ટેડિયમમાં જ રમવામાં આવનાર છે. કોરોનાના કારણે દરેક ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર રમી શકશે નહીં. જેથી મુંબઈ, ચેન્નાઈ, કોલકત્તા, બેંગ્લોર, દિલ્હી અને અમદાવાદના સ્ટેડિયમમાં બધી મેચ આયોજિત કરવામાં આવશે.
મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં (Wankhede Stadium) 8 ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના પોઝિટીવ આવ્યા છે. ગયા અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ સ્ટાફ મેમ્બરના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 26 માર્ચે ત્રણના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા ત્યારબાદ પહેલી એપ્રિલે વધુ 5 લોકો પોઝિટીવ આવ્યા હતા.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની કુલ દસ મેચ રમાશે. પહેલી મેચ 10 મી એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. તે પહેલા જ ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના પોઝિટીવ આવતા બીસીસીઆઈ માટે ચિંતાનો વિષય બન્યો છે.
મુંબઈમાં કોરોનાની સ્થિતિ જોતા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફને એક જ જગ્યાએ રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે ગ્રાઉન્ડ સ્ટાફના મોટાભાગના માણસો સ્ટેડિયમમાં નથી રહેતા પરંતુ ટ્રેનથી અપડાઉન કરે છે.
આઈપીએલ 9 મી એપ્રિલથી શરૂ થનાર છે. જે 30 મે સુધી ચાલશે. દેશના કુલ છ શહેરોના સ્ટેડિયમમાં 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગ્લોરના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જયારે આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વણસી રહી છે. ગઈકાલે અહીં કોરોનાના નવા 47 હજાર કેસ નોંધાયા હતા. તેમજ મુંબઈમાં કોરોનાના 8,832 કેસ નોંધાયા. આ પહેલા ગુરુવારે અહીં 8,664 કેસ નોંધાયા હતા. મુંબઈમાં હાલ કોરોનાના 58,455 જેટલા એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને જોતા નજીકન ભવિષ્યમાં કડક નિયમો લાગુ કરવામાં આવી શકે છે. ગઈકાલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને સંબોધન કરતા કહ્યું હતું કે જો આગલા બે દિવસમાં સ્થિતિ આ જ રહી તો રાજ્ય સરકાર લોકડાઉન માટે વિચાર કરશે.