Surat: સિવિલ હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરતી યુવતીએ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
નવી સિવિલ હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરતી યુવતીએ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આત્મહત્યા કરનાર યુવતીની ઓળખ જાનવી (24 વર્ષ)ના રૂપમાં થઇ છે. તેણે પોતાના જ ઘરે પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. મૃતક યુવતી M.B.B.S.નો અભ્યાસ પૂર્ણ કરીને નવી સિવિલ હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહી હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં હીરાબાગ પાસે આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા મહેશ વઘાસીયા (મૂળ અમરેલી ધામેલ ગામના વતની) કાપડ વેપારી છે. તેના પરિવારમાં પત્ની અને ૩ સંતાનો છે. તેની 24 વર્ષીય દીકરી જાનવી M.B.B.S.નો અભ્યાસ પૂર્ણ કરીને, અત્યારે નવી સિવિલ હૉસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહી હતી. તેણે બુધવારે રાત્રે 11:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી લેતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.
આ અંગે વરાછા પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને ત્યારબાદ પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને મૃતક યુવતીના શબને પોસ્ટમૉર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો. મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં હતી. યુવતીના માનસિક તણાવની જાણ થતા દવાઓ પણ ચાલુ કરાવવામાં આવી હતી. એટલે માનસિક તણાવમાં આવીને તેણે આ પગલું ભર્યું હોય શકે છે તેમ કહેવામાં આવી રહ્યું. યુવતીના મોતને લઇ પરિજનોમાં શોકનો માહોલ છે. યુવતીના મોત પાછળનું સાચું કારણ જાણવા માટે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp