એલોન મસ્કે જણાવ્યું X પર સાઈબર એટેક પાછળ કોનો છે હાથ
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક બરબાદી તરફ જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ટેસ્લાના શેરમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. એક તરફ એલોન માસ્ક અને ટેસ્લાને લઈને દુનિયાભરમાં નારાજગી છે. તો બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ એલોન મસ્કની સંપત્તિમાં આ વર્ષ 103 અબજ ડૉલર એટલે કે 9 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જો કે, તેમણે હજી પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સાથે જ ટેસ્લાના શેરોમાં પણ 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ સોમવારે સમગ્ર વિશ્વમાં એક્સ પ્લેટફોર્મ પણ વારંવાર ડાઉન થઇ રહ્યું હતું.
અમેરિકાના DOGE વિભાગના વડા એલોન મસ્કે દાવો કર્યો છે કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર યુક્રેન ક્ષેત્રમાંથી થયેલા સાયબર હુમલાની અસર થઈ હતી, જેને કારણે Xનું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયું હતું. સોમવારે Xનું સર્વર ઘણી વખત ડાઉન થયું હતું. સર્વર ક્યારેક સારું કામ કરતું હતું, પણ પછી તે ફરીથી ક્રેશ થઈ ગયું.
ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, એલોન મસ્કે કહ્યું, 'અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ X સિસ્ટમને ડાઉન કરવા માટે યુક્રેન ક્ષેત્રના IP એડ્રેસનો ઉપયોગ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હતો.' જ્યારે તેમને Xની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે હવે સંપૂર્ણપણે ઠીક છે.
અગાઉ X પોસ્ટમાં, એલોન મસ્કે સાયબર હુમલામાં કોઈ ખતરનાક ગ્રુપ અથવા દેશની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, 'X પર સાયબર હુમલો થયો છે. X પર દરરોજ સાયબર હુમલા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વખતે X ને મોટા પાયે નિશાન બનાવવામાં આવ્યું. શું આ કોઈ ખતરનાક ગ્રુપનું કામ છે કે પછી કોઈ દેશ પણ તેમાં સામેલ છે? તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
એલોન મસ્કે સાયબર હુમલા અંગે આ દાવો કર્યો છે જ્યારે તેમણે તાજેતરમાં સ્ટારલિંક વિશે કહ્યું હતું કે તેના વિના યુક્રેનની ફ્રન્ટલાઈન તૂટી જશે. જોકે, તેમણે ખાતરી આપી કે તેઓ તેને નહીં રોકે. આ ઉપરાંત, એલોન મસ્કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ પર વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દલીલ કરવા બદલ પણ હુમલો કર્યો.
એલોન મસ્કે રશિયા યુદ્ધને લઇને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીની ઘણી વખત ટીકા કરી છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિને સરમુખત્યાર ગણાવતા મસ્કે કહ્યું હતું કે તેમને ખબર હતી કે તેઓ ચૂંટણી ખરાબ રીતે હારી જશે, તેથી તેમણે ચૂંટણી રદ કરી. હકીકતમાં, યુક્રેનના લોકો ઝેલેન્સ્કીને નફરત કરે છે. તેમણે પુરાવા વિના ઝેલેન્સકી પર એક વિશાળ ભ્રષ્ટાચાર મશીન ચલાવવાનો આરોપ લગાવ્યો જે યુક્રેનિયન સૈનિકોના મૃતદેહોમાંથી પૈસા કમાય છે. વોગ મેગેઝિનનો 2022ના કવર ફોટો શેર કરતા, મસ્કે કહ્યું હતું કે, 'જ્યારે બાળકો યુદ્ધના મોરચે ખીણોમાં મરી રહ્યા હતા ત્યારે તેમણે આ કર્યું હતું.' આ ફોટામાં, ઝેલેન્સકી પોતાની પત્નીનો હાથ પકડીને બેઠા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp