બ્રેકિંગ : જાણીતા એક્ટર સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા
જાણવા મળતી માહિતી મુજબ ફેમસ બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આજરોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર આજે, રવિવાર ૧૪ જૂનના દિવસે બોલીવુડના ‘વન ઓફ ધી મોસ્ટ પ્રોમિસિંગ’ ગણાતા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રા ખાતેના પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
રિપોર્ટ્સ અનુસાર સુશાંતના નોકરે પોલીસને ફોન કરીને ઘટના અંગે જાણકારી આપી હતી. હજી સુધી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતું જાણવા મળતી માહિતી મુજબ સુશાંતસિંહ છેલ્લા છ-એક મહિનાથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા. અને એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ હતી. એવું પણ જાણવા મળે છે કે ગયા મહિને સુશાંતની બિઝનેસ મેનજર દિશા સેલીયને પણ ગત સોમવારના રોજ આત્મહત્યા કરી હતી.
ટૂંકા ગાળામાં ઈરફાન અને રિશી કપૂર પછી વાજીદખાન અને હવે સુશાંતસિંહની એક્ઝિટને કારણે બોલીવુડ શોકમાં ગરકાવ થઇ ગયું છે. આમે ય હાલમાં કોરોના મહામારીને પગલે શૂટિંગ્સ અટકી પડ્યા છે અને ઇન્ડસ્ટ્રીના લોકોને જાતજાતની ચિંતાઓ સતાવી રહી છે. એવામાં માત્ર ૩૪ વર્ષના આશાસ્પદ અને હોનહાર સિતારા સુશાંતસિંહના મૃત્યુના સમાચારે જાણે આખા બોલીવુડને ડિપ્રેશનમાં ધકેલી દીધું છે. શોકગ્રસ્ત અનુપમ ખેર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પૂછી રહ્યા છે, ‘શા માટે? શા માટે આવું કર્યું વ્હાલા સુશાંત?!’ જો કે આવા તમામ પ્રશ્નો હવે હમેશ માટે નિરુત્તર જ રહેવાના છે.
ટૂંકા ગાળામાં સુશાંતે નોંધપાત્ર ફિલ્મો કરી હતી. સિરિયલ્સથી પોતાની કારકિર્દી શરુ કરનાર સુશાંતને એકતા કપૂરની ‘પવિત્ર રિશ્તા’ સીરીયલથી ઓળખ મળી હતી. ત્યાર બાદ ફિલ્મ ‘કાયપો છે’માં લીડ રોલમાં સુશાંત પોતાની અસર છોડવામાં સફળ રહ્યા હતા. વાણી કપૂર અને પરિનીતી ચોપડા સાથેની ‘શુદ્ધ દેસી રોમાંસ’ પણ નોંધપાત્ર રહી હતી. જો કે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની ઉપરથી ઉતરેલી બાયોપિકે સુશાંતને સૌથી વધુ સફળતા અપાવી હતી. બોક્સ ઓફિસ પર એ ફિલ્મે ૧૦૦ કરોડથી વધુ વકરો કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp