પાંચમીથી રાજ્યની તમામ સરકારી-ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 9 નું શિક્ષણકાર્ય બંધ: સરકારનો નિર્ણય
ગાંધીનગર: રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને (Gujarat Corona) લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અગામી પાંચમી એપ્રિલથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શિક્ષણકાર્ય (Education) બંધ રાખવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજરોજ ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા સમગ્ર રાજ્યની ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં અન્ય સૂચના કે આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સીએમ રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશથી આ નિર્ણય કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજ્યભરની તમામ ખાનગી અને સરકારી શાળાઓને આ નિયમનો અમલ કરવા માટેનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ કાબૂમાં આવતા જાન્યુઆરીમાં ધોરણ 10-12 અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં તબક્કાવાર 9 અને 11 તેમજ ધોરણ 6 થી 8 ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ ફરીથી તીવ્ર ગતિથી વધવાના કારણે સરકારે રાજ્યના આઠ મહાનગરોની શાળા-કોલેજો બંધ કરી દીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp