ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને લઇને કેનેડાના વાહિયાત નિવેદનો પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારત સરકારે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે, જેમની સામે ટ્રુડો સરકારે ગંભીર આક્ષેપો કર્યા હતા. કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવવાના નિર્ણય બાદ હવે ભારત સરકારે કેનેડાના 6 રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.
આ સંદર્ભમાં માહિતી આપતા વિદેશ મંત્રાલયે લખ્યું છે કે, 'ભારત સરકારે નીચેના 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે:
'સ્ટુઅર્ટ રોસ વ્હીલર, કાર્યકારી હાઈ કમિશનર,
પેટ્રિક હેબર્ટ, ડેપ્યુટી હાઈ કમિશનર,
મેરી કેથરિન જોલી, પ્રથમ સચિવ
લેન રોસ ડેવિડ ટ્રાઇટ્સ, પ્રથમ સચિવ
એડમ જેમ્સ ચૂઇપકા, પ્રથમ સચિવ
પાઉલા ઓરજુએલા, પ્રથમ સચિવ.
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ અધિકારીઓએ શનિવારે 19 ઓક્ટોબર 2024ની રાત્રે 11:59 વાગ્યે અથવા તે અગાઉ ભારત છોડવું પડશે.
આ અગાઉ કેનેડાએ ભારત સરકારને પત્ર લખીને વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેને ગંભીરતાથી લઇને ભારતે કેનેડાના હાઇ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. કેનેડાના હાઇ કમિશનરને બોલાવ્યા બાદ વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, કેનેડાના કાર્યકારી હાઇ કમિશનરને આજે સાંજે સચિવને બોલાવવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે કેનેડામાં ભારતીય હાઇ કમિશનર, અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાયાવિહોણી વાતો પર નિશાનો બનાવવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડાના હાઇ કમિશનરને જાણ કરવામાં આવી હતી કે ઉગ્રવાદ અને હિંસાના માહોલમાં ટ્રુડો સરકારના પગલાંથી તેમની સુરક્ષા જોખમમાં આવી ગઇ છે. અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અનુભવી. અમને લાગે છે કે કેનેડાની વર્તમાન સરકાર તેમને સુરક્ષા આપી શકતી નથી. તેથી ભારત સરકારે હાઇ કમિશનર, એ તમામ રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે જેમની સામે ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે અમે કેનેડિયન હાઇ કમિશનરને એમ પણ કહ્યું કે ભારત વિરુદ્ધ ઉગ્રવાદ, હિંસા અને અલગતાવાદને ટ્રુડો સરકારના સમર્થનના જવાબમાં ભારત વધુ પગલાં લેવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. કેનેડામાં ભારતીય હાઇ કમિશનર સંજય કુમાર વર્મા છે, જેમને ભારતે પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. એ સિવાય અન્ય રાજદ્વારીઓને પણ પાછા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમને નિશાનો બનાવવામાં આવ્યા છે. કેનેડાએ આ રાજદ્વારીઓ પર નિજ્જર અંગે ચાલી રહેલી તપાસ પર નજર રાખવાનો આરોપ લગાવ્યો હતો.