Bombay High Court on Sexual Harassment: શું કોઈ સગીરને ‘I Love You’ કહેવું જાતિય સતામણી છે? કોર્ટે આપ્યો આ નિર્ણય
Bombay High Court on Sexual Harassment: શું કોઈને આઈ લવ યુ કહેવું જાતીય સતામણીની શ્રેણીમાં આવે છે? આ સવાલ લગભગ દરેક યુવાનના મનમાં આવતો હશે. જો તમે પણ તેમાંથી એક છો, તો તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, સગીર છોકરીને માત્ર 'આઈ લવ યુ' કહેવું એ જાતીય સતામણી નથી.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જ્યાં સુધી કોઈ ઇરાદાપૂર્વક જાતીય સતામણી સાથે જોડાયેલું વર્તન ન કરવામાં આવે ત્યાં સુધી તેને જાતીય સતામણીનો ગુનો ગણી શકાય નહીં. ચૂકાદો આપતા જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાળકેની સિંગલ બેન્ચે કહ્યું કે જો કોઈએ માત્ર પ્રેમ વ્યક્ત કર્યો હોય અને તે કોઈપણ જાતીય વ્યવહાર વિના કે સંકેત વિના કર્યું હોય, તો કાયદાની નજરમાં તેને જાતીય સતામણી નહીં કહી શકાય.
જજે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આઈ લવ યુ કહે છે, તો તેનો અર્થ એ નથી કે તેની પાછળ કોઈ જાતીય સતામણીનો હેતુ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાતીય સતામણી સાબિત કરવા માટે માત્ર શબ્દો નહીં, પરંતુ તેની સાથે વ્યવહાર, માહોલ અને આખા મામલાની પરિસ્થિતિઓને પણ જોવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ઓક્ટોબર 2015માં, એક વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે ધોરણ 11માં ભણતી એક સગીર છોકરીને રસ્તામાં રોકીને આઈ લવ યુ કહ્યું હતું અને આ દરમિયાન તેણે છોકરીનું નામ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતું. ત્યારબાદ, છોકરી ગભરાઈ ગઈ અને ઘરે જઈને પોતાના માતાપિતાને કહ્યું. ત્યારબાદ આરોપી સામે FIR નોંધવામાં આવી હતી.
જ્યારે કેસ સેશન કોર્ટમાં પહોંચ્યો, ત્યારે 18 ઓગસ્ટ 2017ના રોજ, આરોપીને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને 5,000 રૂપિયા દંડ પણ ભરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, આરોપીએ સેશન કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને હવે હાઇકોર્ટે જૂના નિર્ણયને રદ કરી દીધો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp