ઇઝરાયલનો વધુ એક દુશ્મન ઠાર, IDFએ હમાસના સૈન્ય કમાન્ડરના મોતની કરી પુષ્ટિ
ઇઝરાયેલના અન્ય એક દુશ્મનના મોતની પુષ્ટિ થઇ છે. વાસ્તવમાં ઇઝરાયલે કહ્યું છે કે હમાસના ટોચના સૈન્ય કમાન્ડર મોહમ્મદ દાઇફ જુલાઇમાં માર્યો ગયો હતો. મોહમ્મદ દાઇફ 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. એર સ્ટ્રાઇકમાં મોહમ્મદ દાઇફનું મોત થયું હતું. ઇઝરાયેલની સેનાએ ગુરુવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે હમાસનો લશ્કરી કમાન્ડર મોહમ્મદ દાઇફ જુલાઇમાં એર સ્ટ્રાઇકમાં માર્યો ગયો હતો. આ એર સ્ટ્રાઇક ગાઝાના દક્ષિણ વિસ્તાર ખાન યુનિસમાં કરવામાં આવી હતી. ઇઝરાયેલ સેનાનું આ નિવેદન હમાસની રાજકીય શાખાના વડા ઇસ્માઇલ હાનિયાના મોતના એક દિવસ બાદ જ આવ્યું છે. હાનિયાની બુધવારે ઇરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરી દેવામાં આવી હતી.
ઇઝરાયેલની સેનાએ કહ્યું કે તેમને થોડા કલાકો અગાઉ જ બાતમી મળી હતી કે જુલાઇમાં જ મોહમ્મદ દાઇફનું મોત થઇ ગયું છે. ઇઝરાયેલી સેનાએ 13 જુલાઇએ ખાન યુનિસ વિસ્તારમાં સ્થિત એક કમ્પાઉન્ડને નિશાનો બનાવીને એર સ્ટ્રાઇક કરી હતી. આ સ્ટ્રાઇકમાં મોહમ્મદ દાઇફ માર્યો ગયો હતો. ઇઝરાયેલની સેનાને માહિતી મળી હતી કે મોહમ્મદ દાઇફ આ કમ્પાઉન્ડમાં આવ્યો છે. દાઇફના આગમનની જાણ થતાં જ કમ્પાઉન્ડ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પરંતુ આ સ્ટ્રાઇકમાં દાઇફ માર્યો ગયો હતો કે નહીં તેની પુષ્ટિ થઇ શકી નથી. હવે પુષ્ટિ થવા પર ઇઝરાયેલ સેનાએ તેને મોટી સફળતા ગણાવી છે. ઇઝરાયેલના એક મંત્રીએ કહ્યું છે કે હમાસનો અંત નજીક છે.
મોહમ્મદ દાઇફ (58 વર્ષ) હમાસના ઇઝ અલ-દિન અલ કસામ બ્રિગેડનો કમાન્ડર હતો અને લગભગ 2 દાયકા સુધી આ પદ પર રહ્યો. દાઇફને ઇઝરાયેલનો સૌથી મોટો દુશ્મન અને હમાસની લશ્કરી તાકત પાછળનું સૌથી મહત્ત્વનો માનાવામાં આવતો હતો. ઇઝરાયેલમાં 7 ઓક્ટોબરે થયેલા હુમલા પાછળ મોહમ્મદ દાઇફને માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. એ હુમલામાં 1200 લોકોના મોત થયા હતા અને અઢીથી વધુ લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. મે 2021માં ઇસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સ્થળ અલ અક્સા પર ઇઝરાયલી દ્વારા હુમલો કર્યા બાદ અરબ અને મુસ્લિમ સમુદાયોના લોકોમાં ગુસ્સો હતો.
રમઝાન દરમિયાન ઇઝરાયેલ અલ અક્સા મસ્જિદમાં ઘૂસવા, નમાજીઓને મારવા, તેમના પર હુમલો કરવા અને વૃદ્ધો અને યુવાનોને મસ્જિદમાંથી બહાર ખેંચતા હોવાના ફૂટેજ સામે આવ્યા બાદ જ હમાસે ઇઝરાયેલ પર સ્ટ્રાઇકની યોજના બનાવવાની શરૂઆત કરી દીધી હતી. હુમલા બાદ દાઇફે એક રેકોર્ડિંગમાં કહ્યું, 'આજે અમારા લોકોનો અલ અક્સા પર થયેલા હુમલાવોને ગુસ્સો બહાર આવ્યો છે. અમારા મુજાહિદ્દીન, આજે તમારો દિવસ છે, આ ગુનેગાર (ઇઝરાયલ)ને સમજાવવાનું છે કે તેનો સમય પૂરો થઇ ગયો છે. દાઇફ ખૂબ જ ગોપનીય રીતે જીવતો હતો અને તેના મિશનને પાર પાડતો હતો. દાઇફના ઠેકાણા વિશે પણ કોઇને ખબર નહોતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp