પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ બાબતે ક્યારે જણાવ્યું હતું? જયશંકરે સંસદીય પેનલ આગળ સ્પષ્ટ કર્યું
વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદીય સલાહકાર સમિતિ સમક્ષ સ્પષ્ટપણે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ની જાણકારી અગાઉથી આપવાના આરોપોનો સામનો કરી રહેલા જયશંકરે તેના પર પણ પોતાનો સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સાથે તેમનો આ સંવાદ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયા બાદ થયો હતો. વાસ્તવમાં, 15 મેના રોજ જયશંકરે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં, અમે પાકિસ્તાનને સંદેશ મોકલ્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ‘અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છીએ. અમે સેના પર હુમલો કરી રહ્યા નથી, એટલે સેના પાસે તેનાથી દૂર રહેવાનો વિકલ્પ છે.
જયશંકરની આજ વાત પર કોંગ્રેસે તેમને ઘેરી લીધા. તેમની વિદેશ નીતિના નિર્ણયો પર સવાલ ઉઠાવવામાં આવ્યા. રાહુલ ગાંધી સહિત ઘણા કોંગ્રેસના નેતાઓએ વિદેશ મંત્રી પર ભારતના ઓપરેશનને 'લીક' કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના કારણે પાકિસ્તાને ભારતના કેટલા ભારતીય લડાકુ વિમાનો તોડી પાડ્યા, તેની જાણકારી સરકારે આપવી જોઈએ.
સોમવાર 26 મેના રોજ, જયશંકરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જોકે, સમિતિના ઘણા સભ્યો આતંકવાદ વિરુદ્ધ સરકાર દ્વારા બનાવવામાં આવેલા પ્રતિનિધિમંડળ અભિયાન હેઠળ વિદેશ ગયા છે. આ કારણે ઘણા સભ્યો બેઠકમાં હાજર રહી શક્યા નહોતા.
બેઠક દરમિયાન, જયશંકરે સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેણે કહ્યું કા, ‘મેં મારા નિવેદનમાં ક્યાંય ‘પહેલા’ શબ્દનો ઉપયોગ કર્યો નથી. મેં ઓપરેશનની જાણકારી અગાઉથી જ આપી દીધી આપી હતી એમ કહેવું તથ્યાત્મક રીતે ખોટું છે. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, જયશંકરે પેનલને જણાવ્યું હતું કે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર લોન્ચ થયાના 30 મિનિટ બાદ તેની જાણ કરવામાં આવી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના સંદર્ભે જણાવ્યું હતું કે યુદ્ધવિરામના પ્રશ્ન પર, જયશંકરે સમિતિને કહ્યું કે જો પાકિસ્તાન કરારનું ઉલ્લંઘન કરે છે અથવા આતંકવાદી ઘટનાઓ થાય છે, તો ભારતની લશ્કરી કાર્યવાહી ફરી શરૂ થઈ જશે. બેઠકમાં વિપક્ષી પક્ષોએ વિદેશ મંત્રી પાસેથી યુદ્ધવિરામ અને સિંધુ જળ સંધિમાં અમેરિકાની મધ્યસ્થી અંગે પણ માહિતી માગી હતી.
જયશંકરે તેનો જવાબ આપતા સ્પષ્ટતા કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેની ચર્ચા સંપૂર્ણપણે દ્વિપક્ષીય હતી. આમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ નહોતો. અમેરિકાનો પણ આમાં કોઈ હાથ નહોતો. પાકિસ્તાને યુદ્ધવિરામ માટે પહેલ કરી હતી. ભારતે પાકિસ્તાની DGMOના આગ્રહ પર જ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. સિંધુ જળ સંધિ અંગેના પ્રશ્ન પર જયશંકરે કોઈ ટિપ્પણી કરી નહોતી. તેમણે કહ્યું હતું કે આ સંબંધિત વિગતો હાલમાં જાહેર નહીં કરી શકાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp