મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. ક્યારેક તેઓ પોતાની જ પાર્ટીના નેતાઓ પર આક્ષેપો કરી નાખે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મનસુખ વસાવા અને ચૈતર વસાવા હંમેશાં આરોપ પ્રત્યારોપ લગાવતા રહે છે. સોમવારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂનારાજ ગામના 14 કિલોમીટર લાંબા અટકેલા રોડના મુદ્દે પદયાત્રા કરી હતી. જેણે ભાજપમાં જ આંતરિક વિખવાદ ઊભો કરી દીધો છે. આ મુદ્દે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના જ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સામસામે આવી ગયાં છે, તો ચૈતર વસાવાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ-કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યાં છે અને તેમને ભાજપમાં લાવવા માટે લોલીપોપ આપી રહ્યાં છે. દર્શનાબેન જેવા લોકો ચૈતરને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ઘણી જગ્યાએ એવું બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે, જ્યારે ચૈતર વસાવાએ કરેલા 19 જેટલા ગુના અને તેમના માણસોએ સરકારને આપેલી ધમકીને કારણે તેમને જેલમાં રહેવું પડ્યું હતું.’
તેમણે કહ્યું કે, ‘ચૈતર વસાવાને ઘનશ્યામ પટેલ, પ્રકાશ દેસાઈ અને રિતેશ વસાવા જેવા નેતાઓએ ભાજપમાં લાવવાના પ્રયાસ કર્યા હતા અને હવે તેમાં દર્શનાબેન દેશમુખ પણ જોડાયા છે. ચૈતર ક્યારેય ભાજપમાં આવવાના નથી અને આવશે તો ભાજપને જ નુકસાન કરશે. પદયાત્રામાં જોડાયેલા ભાજપના તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ વસાવાને પણ મનસુખ વસાવાએ દર્શનાબેન દેશમુખના માણસ ગણાવ્યા.
બીજી તરફ, નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ચૈતર વસાવાની પદયાત્રાને 'નાટકબાજી' ગણાવીને તેમને આડેહાથ લીધા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરતાં દર્શનાબેને કહ્યું હતું કે સંવિધાનિક પદ પર રહેલા ધારાસભ્યને ફોરેસ્ટ વિભાગના નિયમો ખબર છે છતાં તેઓ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા અને રાજકીય રોટલો શેકવા માટે આવી પદયાત્રા કરી રહ્યા છે.
દર્શનાબેને દાવો કર્યો કે, AAPના લોકો જ રોડના કામ માટે RTI કરે છે અને પછી પાછી ખેંચી લે છે. આ ઉપરાંત તેમણે AAPના જિલ્લા પ્રમુખે સરકારી જમીન પચાવી પાડી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાના આરોપો પર તેમણે કહ્યું કે, ‘આ બાબતે મારે કોઈ ખુલાસો આપવાનો ન હોય’ અને પછી તેમણે વાત ટાળી દીધી.
ભાજપના નેતાઓ દ્વારા થયેલા આક્ષેપો બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી. ચૈતર વસાવાએ મનસુખ વસાવાના સ્ટેટમેન્ટને ‘પાયાવિહોણી વાતો’ ગણાવી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે દર્શનાબેન કે બીજા કોઈ ભાજપના નેતાઓએ મને મદદ કરી હોય એવી કોઈ ઘટના કે બનાવ બન્યો નથી. મનસુખભાઈ પાસે પુરાવા હોય તો તેમણે જગજાહેર કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે જિલ્લા સંકલનમાં પ્રજાના હિતના સવાલો હોય તો બધા પક્ષના નેતાઓ, જેમાં દર્શનાબેન અને મનસુખભાઈ પણ સામેલ છે. અધિકારીઓને સાથે રહીને રજૂઆત કરતા હોય છે, પરંતુ આને રાજકીય સપોર્ટ ન કહી શકાય.
જૂનારાજ ગામના 14 કિલોમીટરના રોડનું કામ ફોરેસ્ટ વિભાગના નિયમોના કારણે અટકી પડ્યું છે, જોકે મનસુખ વસાવા અને દર્શનાબેન બંને એ સ્પષ્ટતા કરી છે કે આ કામ આદિવાસી એક્ટિવિસ્ટની RTIના કારણે અટક્યું હતું અને હવે મંજૂરી મળી ગઈ છે. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે દિવાળી બાદ આ કામ શરૂ થઈ જશે. આમ હવે આ રોડનો મુદ્દો હવે ભાજપના આંતરિક વિખવાદ અને રાજકીય ટકરાવનો મુદ્દો બની ગયો છે.