NCRTEના ધોરણ ૧૨ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં અયોધ્યા આંદોલનના પ્રકરણમાં કરાયા મોટા ફેરફાર, જાણો વિગતે
નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(NCERT) એ ગુરુવારે તેની વેબસાઈટ પર ધોરણ 12ની પોલિટિકલ સાયન્સ બુકમાં કરાયેલા ઘણા ફેરફારો જાહેર કર્યા છે. આ પુસ્તકમાંથી ઘણા સંવેદનશીલ પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે. દેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન લગભગ 30 હજાર જેટલી શાળાઓમાં NCERTના પુસ્તકો ભણાવવામાં આવે છે. CBSE બોર્ડની શાળાઓ ભારતના લગભગ દરેક ભાગમાં હાજર છે.
પોલિટિકલ સાયન્સના 'ભારતીય રાજનીતિઃ ન્યૂ ચેપ્ટર' નામના આઠમા પ્રકરણમાંથી 'અયોધ્યા ધ્વંસ'નો સંદર્ભ હટાવી દેવામાં આવ્યો છે. પ્રકરણમાં 'રાજકીય ગતિવિધિની પ્રવૃતિ માટે રામજન્મભૂમિ આંદોલન અને અયોધ્યા ધ્વંસનો વારસો શું છે?' તેને બદલીને 'રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે?' કરવામાં આવ્યું છે. NCERTનું કહેવું છે કે, આવું એટલા માટે કરવામાં આવ્યું છે, જેથી પ્રશ્નોના જવાબોને નવા ફેરફારો સાથે જોડી શકાય. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અન્ય રાજ્યોના બોર્ડના પુસ્તકોમાં પણ આવા ફેરફારો કરવામાં આવશે.
'ઇન્ડિયન પોલિટિક્સઃ ન્યૂ ચેપ્ટર'માંથી બાબરી મસ્જિદ અને 'હિંદુત્વ રાજકારણ'ના સંદર્ભો પણ હટાવી દેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિર કેવી રીતે બન્યું. 'લોકશાહી અધિકાર' નામના 5મા પ્રકરણમાંથી ગુજરાત રમખાણોનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે. NCERTનું કહેવું છે કે, આ ઘટના 20 વર્ષ જૂની છે અને તેને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવી છે.
આ સાથે કેટલીક જગ્યાઓ જ્યાં પહેલા મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ હતો તે પણ બદલવામાં આવ્યા છે. પ્રકરણ 5માં જ મુસ્લિમોને વિકાસના લાભોથી 'વંચિત' રાખવાનો સંદર્ભ દૂર કરવામાં આવ્યો છે. મુસ્લિમોના સંદર્ભમાં પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, કેવી રીતે તેમને અલગ ગણવામાં આવે છે, જેનાથી તેમની વિરુદ્ધ નફરત અને હિંસાનો પૂર્વગ્રહ વધે છે. અગાઉ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેમની સાથે અન્યાયી વર્તન અને ભેદભાવ કરવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp