લો, ગુજરાતમાં વધુ એક રાજકીય પાર્ટીનું આગમન! ૨૦૨૪માં તમામ બેઠકો પરથી લડશે ચૂંટણી!

લો, ગુજરાતમાં વધુ એક રાજકીય પાર્ટીનું આગમન! ૨૦૨૪માં તમામ બેઠકો પરથી લડશે ચૂંટણી!

08/19/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

લો, ગુજરાતમાં વધુ એક રાજકીય પાર્ટીનું આગમન! ૨૦૨૪માં તમામ બેઠકો પરથી લડશે ચૂંટણી!

અમદાવાદ : ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. એટલે રાજકીય માહોલ પ્રવાહી છે અને રોજ નવી નવી ખબર આવતી રહે છે. ગુજરાતની ચૂંટણીઓ પરંપરાગત રીતે બે મુખ્ય પક્ષો (ભાજપ અને કોંગ્રેસ) વચ્ચે લડાતી આવી છે. પણ એવું મનાય છે કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મહત્વનું પરિબળ સાબિત થશે અને ગુજરાતની ગાદી માટેનો જંગ ત્રિપાંખીયો બની રહેશે. એવામાં એક નવી રાજકીય પાર્ટીના ઉદયના સમાચાર આવ્યા છે.

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે 2024માં તમામ 543 બેઠક પર ચૂંટણી લડવાના અને જીતવાના લક્ષ્ય સાથે અંદાજીત 7 થી 8 લાખ કાર્યકર્તાઓ ધરાવતી અને ભવિષ્યમાં કરોડો કાર્યકર્તાઓની ફોજ સાથે મેદાનમાં ઉતરવાની ખેવના સાથે અખિલ ભારતીય પરિવાર પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાયેલી આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી, જેમાં દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવસિંહ કુશવાહા ભારતીય તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હરપ્રિતસિંહ સૈની ભારતીય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં પાર્ટી દ્વારા મુખ્ય મુદ્દા રોજગાર, મોંઘવારી, વધુ આવક, શિક્ષા, સુરક્ષા અને સારું જીવનને પ્રાધાન્ય વગેરે મુદ્દાઓ પર બહાર મૂકાયો હતો. પ્રજા વચ્ચે જઇ ચુનંદા લોકોને પક્ષમાં આવરી લઈને દેશ સાથે સાથે ગુજરાતમાં પણ આ પાર્ટીને વધુ મજબૂત બનાવી મેદાનમાં ઉતરવાનું જણાવવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવસિંહ કુશવાહા ભારતીયના જણાવ્યા મુજબ આ પાર્ટી જનસાધરણનો અવાજ છે. કુશવાહાએ જણાવ્યું હતું કે, “2024માં સમગ્ર ભારતમાં ચૂંટણી લડવાની ઈચ્છા સાથે દેશના સામાન્ય નાગરિકની મોટી સૈના તૈયાર થઈ રહી છે અને અમારી પાર્ટીના મોડલમાં ભ્રષ્ટાચાર નું કોઈ સ્થાન નહીં રહે આ ઉપરાંત ખેડૂતો માટે એક આયોગનું ગઠન કરવામાં આવશે તેમજ તમામ સમસ્યાઓનું સમાધાન મૂળરૂપથી કરવામાં આવશે જેથી માત્ર ગુજરાત જ નહીં આખા દેશને વિશ્વમાં આદર્શ મોડલ બનાવીને રજૂ કરીશું.”


આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરેશ રાવલ ભારતીય તેમજ પ્રદેશ પ્રભારી નિતેશ ગંગારામાણી ભારતીય દ્વારા ગુજરાતમાં આગામી સમયમાં પાર્ટીને કઈ રીતે વધુ મજબૂત બનાવવામાં આવશે અને પાર્ટી દ્વારા ક્યા કયા કાર્યોને અંજામ આપવામાં આવશે, તેની રૂપરેખા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના લોકસભા પ્રભારી રાજેશ બ્રહ્મભટ્ટ ભારતીય, પશ્ચિમના લોકસભા પ્રભારી ચંદ્રેશ પરમાર ભારતીય, બનાસકાંઠા લોકસભા પ્રભારી દોલાભાઈ ચાવડા, પાટણ લોકસભા પ્રભારી ભાગ્યેશ પ્રજાપતિ ભારતીય અને પ્રદેશ કાર્યકારીણી સદસ્ય મનોહર સંધુ ભારતીય સહિતના પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ  ઉપસ્થિત રહ્યા હતા.

આમ તો દરેક રાજકીય પક્ષ પોતાના આગમન સમયે મોટી મોટી વાતો અને આદર્શવાદી દાવાઓ કરતો હોય છે. પણ અંતે વધતેઓછે અંશે રાજકીય કીચડમાં ખરડાયા વિના રહેતો નથી! અખિલ ભારતીય પરિવાર પાર્ટી આમાંથી કઈ રીતે બચી શકશે અને ચૂંટણીમાં કેવો દેખાવ કરી શકશે, એ તો આવનારો સમય જ કહેશે. પણ ૨૦૨૨ની ચૂંટણી આવતા સુધીમાં રાજ્યના રાજકારણમાં આવી અનેક નાની મોટી ઘટનાઓ ઘટતી રહેશે એ નક્કી!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top