‘ISI તરફથી મળ્યા આદેશ, બેતાબ વેલીમાં...’, NIAના રિપોર્ટમાં ખુલાસો; પાકિસ્તાન વિરુદ્ધ મળ્યા પૂરતા પુરાવા
Pahalgam Tarror Attack: 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા, જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) તરફથી હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
NIAના પ્રાથમિક રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. NIAના પ્રાથમિક રિપોર્ટ મુજબ, આ હુમલો પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, ISI અને પાકિસ્તાની સેનાના સહયોગથી કરવામાં આવ્યો હતો. આ હુમલાનું આયોજન ISIના ઈશારે પાકિસ્તાનમાં લશ્કરના મુખ્યાલયમાં કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં બેઠેલા તેમના હેન્ડલરોના સંપર્કમાં હતા. તેમને પાકિસ્તાન તરફથી માર્ગદર્શિકા અને ભંડોળ મળી રહ્યું હતું.
પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. તેઓ POK સાથે જોડાયેલા હતા. મુખ્ય આતંકવાદીઓની ઓળખ હાશિમ મુસા અને અલી ઉર્ફે તલ્હા ભાઈના રૂપમાં થઈ છે. બંને આતંકવાદી પાકિસ્તાનના નાગરિક છે અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. બંનેને કાશ્મીરમાં રહેતા આદિલ ઠોકર દ્વારા મદદ કરવામાં આવી હતી.
પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવામાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની ભૂમિકા સામે આવી છે. આ સ્થાનિક લોકો હોય છે જે આતંકવાદીઓને લૉજિસ્ટિકલ સપોર્ટ, માહિતી, માર્ગદર્શન અને છુપાવાની જગ્યા પૂરા પાડે છે. પહેલગામ તપાસમાં 150થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. OGWના સંપર્ક અને સહયોગીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમની સામે વહીવટી અને કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
તપાસ ટીમે બૈસરન ખીણમાં હુમલાની ઘટનાનું 3D મેપિંગ અને રીક્રિએશાન કર્યું. તેનાથી એ જાણવામાં મદદ મળી કે, બેતાબ ખીણમાં શસ્ત્રો સંતાડ્યા હતા. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વપરાયેલી કારતૂસનો પણ સમાવેશ થાય છે. તેને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવી છે. NIAના ડિરેક્ટર જનરલ (DG)ના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલ આ રિપોર્ટ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુપરત કરવામાં આવશે. આ આધારે, આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવશે. પુરાવા UN અને FTF જેવા સંગઠનોને રજૂ કરી શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp