Pakistan takes on presidency of UNSC: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું પાકિસ્તાન, શું ભારતની વધશે ટેન્શન?
Pakistan takes on presidency of UNSC: પાકિસ્તાન મંગળવાર (1 જુલાઈ 2024)ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અધ્યક્ષ બન્યું હતું. પાકિસ્તાન આ વર્ષે જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું. પરિષદની અધ્યક્ષતા તેના 15 સભ્ય દેશો વચ્ચે બદલાતી રહે છે. 5 કાયમી સભ્યો ઉપરાંત, આ પરિષદમાં 10 અસ્થાયી સભ્યો હોય છે.
પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં ભારે સમર્થન સાથે સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું અને 193માંથી 182 મત મળ્યા હતા. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન આ જવાબદારીને ઉદ્દેશ્ય, વિનમ્રતા અને દૃઢતા સાથે સ્વીકારે છે. અમારો અભિગમ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે આદર અને બહુપક્ષીયતા પ્રત્યે દૃઢ પ્રતિબદ્ધતા પર આધારિત રહેશે.’
પાકિસ્તાનના રાજદૂત અસીમ ઇફ્તિખાર અહમદે એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાન (APP) સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનની અધ્યક્ષતા પારદર્શક, સમાવેશી અને ઉત્તરદાયી રહેશે. અમે જટિલ ભૂરાજકીય પરિદૃશ્ય, વિશ્વમાં વધતી અસ્થિરતા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે જોખમો, વધતા સંઘર્ષો અને માનવતાવાદી કટોકટીઓથી સંપૂર્ણપણે વાકેફ છીએ.’ રાજદૂત ઇફ્તિખાર જુલાઈમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર સુરક્ષા પરિષદની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળશે.
ઇફ્તિખાર પહેલાથી જ સંયુક્ત રાષ્ટ્ર સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને મળી ચૂક્યા છે અને તેમને જુલાઈમાં સુરક્ષા પરિષદની કાર્ય યોજના બાબતે જાણકારી આપી ચૂક્યા છે. પાકિસ્તાની રાજદૂતે કહ્યું કે, એક દેશ તરીકે જે સતત સંવાદ અને રાજદ્વારીની હિમાયત કરે છે, પાકિસ્તાન સુરક્ષા પરિષદના કાર્યમાં એક સૈદ્ધાંતિક અને સંતુલિત અભિગમ લાવે છે. આ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ જાળવણી પ્રયાસોમાં પાકિસ્તાનના યોગદાન પર આધારિત હશે.’
22 જુલાઈના રોજ, 'બહુપક્ષીયતા અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાના વિષય પર ખુલ્લી ચર્ચા થશે. 24 જુલાઈના રોજ 'સંયુક્ત રાષ્ટ્ર અને પ્રાદેશિક અને ઉપ-પ્રાદેશિક સંગઠનો વચ્ચે સહયોગ: ઇસ્લામિક સહકાર સંગઠન' વિષય પર એક કાર્યક્રમ યોજાશે. બંને બેઠકોની અધ્યક્ષતા પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર કરશે.
પાકિસ્તાનને એવા સમયે UNSCનું અધ્યક્ષ બનાવવામાં અવાયું છે જ્યારે ભારતે તાજેતરમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિત પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે (30 જૂન 2025) સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આતંકવાદીઓના મુદ્દા પર પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે કોઈ દેશ તેના પાડોશી દેશ સામે આતંકવાદને સમર્થન આપે છે, ત્યારે તે ઘણી ગેરકાયદેસર ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે. આ વાતને જાહેરમાં લાવવી મહત્ત્વપૂર્ણ છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp