ચીનથી પરત ફરતા જ પ્રધાનમંત્રીએ લગાવ્યો પંજાબના મુખ્યમંત્રીને ફોન! પ્રધાનમંત્રીને લખ્યો હતો પત્ર!? જાણો વિગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ચીનના તિયાનજિન શહેરમાં એસસીઓ સમિટમાં ભાગ લીધો હતો. આ ચીન પ્રવાસથી દિલ્હી પરત ફરતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોન પર વાત કરી હતી. નોંધનીય છે કે, પીએમ મોદીએ મુખ્યમંત્રી ભગવંત માન સાથે પંજાબમાં વરસાદ અને પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. અને પંજાબને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
પંજાબમાં છેલ્લા કેટલાય દિવસથી નદીઓના પૂરએ તબાહી મચાવી છે. તેથી મુખ્યમંત્રી ભગવંત માનએ રવિવારે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા 60,000 કરોડના બાકી ભંડોળને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. ઉપરાંત માનએ રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)ના નિયમોમાં સુધારો કરવાની પણ અપીલ કરી હતી, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર ઓછામાં ઓછા 50,000 રૂપિયાનું વળતર મળી શકે. રાજ્ય સરકારે આ પુરને દાયકાઓમાં સૌથી ગંભીર કુદરતી આફત ગણાવી છે.
પીએમ મોદીને લખેલા પત્રમાં સીએમ માનએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે તાજેતરમાં પંજાબમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના 828 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રદ કર્યા છે, જેના કારણે રાજ્યના ગ્રામીણ જોડાણને અસર થઈ શકે છે.
1 ઓગસ્ટથી રાજ્યમાં પૂરને કારણે 30 લોકો મૃત્યુ પામ્યા છે અને 2.56 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં સતલજ, બિયાસ અને રાવી નદીઓના ઓવરફ્લો સાથે મોસમી નાળાઓમાં પાણીના સ્તરમાં વધારો થવાથી ઘણા જિલ્લાઓમાં ભારે વિનાશ થયો છે. 1300થી વધુ ગામડાઓ અને 96000 હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થયું છે. NDRF, સેના અને પોલીસ રાહત કાર્યમાં રોકાયેલા છે. હોશિયારપુરમાં પરિસ્થિતિ ગંભીર છે. રાજ્ય સરકારે બધી શાળાઓ બંધ રાખવાનો સમયગાળો 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો છે. અને મેડિકલ કેમ્પ દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 15688 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓ અને મોસમી નાળાઓ છલકાઈ જવાથી પંજાબના મોટા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. પંજાબમાં 96061 હેક્ટર ખેતીલાયક જમીન પૂરથી પ્રભાવિત થઈ છે. પશુધનને પણ મોટું નુકસાન થયું છે. પરંતુ ચોક્કસ આંકડા પાણી ઓસરી ગયા પછી જ જાણી શકાશે. પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, ફિરોઝપુર, ફાઝિલ્કા અને ભટિંડામાં NDRFની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સેના, BSF અને વહીવટીતંત્ર દ્વારા 14,936 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp