નિયતી ભલે વારંવાર કાળોતરા નાગથી ભરેલા અંધારા કૂવામાં ફેંકતી રહે છે, પણ આપણે એકબીજાનો હાથ પકડી ર

નિયતી ભલે વારંવાર કાળોતરા નાગથી ભરેલા અંધારા કૂવામાં ફેંકતી રહે છે, પણ આપણે એકબીજાનો હાથ પકડી રાખવાનો છે

11/05/2021 Specials

જવલંત નાયક
સીધી ખબર
જવલંત નાયક
લેખક, પત્રકાર

નિયતી ભલે વારંવાર કાળોતરા નાગથી ભરેલા અંધારા કૂવામાં ફેંકતી રહે છે, પણ આપણે એકબીજાનો હાથ પકડી ર

SidhiKhabar.com ના સહુ વાચકમિત્રોને આજથી શરુ થઇ રહેલા નવા વર્ષ માટે અઢળક શુભેચ્છાઓ. વીતેલા દિવસોમાં આપણે સહુએ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. અચાનક આવી પડેલી મહામારીએ મહિનાઓ સુધી આપણને બાનમાં રાખ્યા. આપણે ધંધો-રોજગાર ગુમાવ્યા, કાલે ઉઠીને એની કળ તો વળી જશે... પણ મિત્રો અને સ્વજનોય ગુમાવવા પડ્યા! આજે નવું વર્ષ શરુ થઇ રહ્યું છે ત્યારે એ તમામ મિત્રો-સ્વજનો વિના હૃદયનો એક ખૂણો અચૂકપણે ખાલી ભાસતો હશે.

કદાચ આ જ જીવન છે. તમે વીતેલા જીવન ઉપર સરસરી નજર ફેરવશો તો સમજાશે કે નિયતી આપણને વારંવાર એવા અંધારા કૂવામાં ફેંકતી રહે છે, જ્યાં અનેક પ્રકારના ઝેરી કાળોતરાઓના રાફડા ભર્યા પડ્યા હોય! ક્યાંક પોતાના દગો દઈ જાય, ક્યાંક હમસફર અડધે રસ્તે સાવ અચાનક છોડી જાય! ક્યાંક કોરોના જેવી મહામારી ઓચિંતી ત્રાટકીને વર્ષોના સંબંધો-સ્વપ્નો... બધું ભરખી ખાય, તો વળી ક્યાંક લોહી-પરસેવો એક કરીને જમાવેલો ધંધો-પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય! ક્યારેક એવું લાગે કે આપણે ઝેરી સર્પોથી ભરેલી દુનિયામાં જીવી રહ્યા છીએ, ક્યારે કયો કાળોતરો આવીને ડંખ મારી જશે, એ કહેવાય નહિ!


વર્ષ દરમિયાન બનતી અનેક દુ:સ્વપ્ન સમાન ઘટનાઓ - જે તમને અંદરથી તોડી નાખતી હોય – ભૂલીને આપણે પ્રકાશનું પર્વ ઉજવીએ છીએ. કારણકે ભૂતકાળ ગમે એટલો અંધકારમય હોય, આપણને ભવિષ્ય તો ઉજ્જવળ જ જોઈએ છે. અને એ જ આશાએ આપણે ટકી રહેવાનું હોય છે. કદાચ એથી જ આપણા જીવનમાં પ્રકાશનું, અને પ્રકાશોત્સવનું મહત્વ જળવાઈ રહ્યું છે. અંધકાર છે તો પ્રકાશની જરૂરિયાત સમજાય છે. દિવાળી આ સત્યની યાદ અપાવતી રહે છે.

રામ વનવાસના સર્વે દુઃખો વેઠીને પાછા ફર્યા, એ દિવસને આપણે દિવાળી (diwali) તરીકે ઉજવીએ છીએ. જેમ મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રી રામ કષ્ટો સામે ઝઝૂમ્યા, એમ આપણે ય ઝઝૂમતા રહેવાનું છે. વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે કઈ રીતે ટકી રહેવાય, એની સમજ કેળવવા માટે ‘રામાયણ’ વાંચવું જોઈએ.


રામાયણ ‘નોળવેલ’ની ગરજ સારે છે

રામાયણ ‘નોળવેલ’ની ગરજ સારે છે

રામાયણ (Ramayan) એટલે રામની ગતિ, કે પ્રગતિ! રામાયણ સંક્સ્કૃત ભાષાનું પ્રથમ મહાકાવ્ય છે. પરંતુ માત્ર આટલી ઓળખ પૂરતી નથી. મહાકાવ્ય હોવાની સાથે જ તે હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું અભિન્ન અંગ પણ છે. રામાયણની અસર વિનાના ભારતીય સમાજની કલ્પના જ અશક્ય છે.

નોળિયાની અને સાપની દુશ્મની જાણીતી છે. આ બન્ને પ્રાણીઓ વારંવાર એકબીજા સાથે લડી પડતા હોય છે. એવું કહેવાય છે કે જ્યારે પણ લડાઈ દરમિયાન સાપ નોળિયાને દંશ દે, ત્યારે નોળિયો તરત જ 'નોળવેલ' તરીકે ઓળખાતી એક વનસ્પતિના પાન સૂંઘી આવે, જેથી સાપનું ગમે એવું જીવલેણ ઝેર પણ અસર ગુમાવી બેસે! નોળવેલ નામની આ વનસ્પતિમાં સાપના ઝેરને બિનઅસરકારક બનાવી દે, એવા ઔષધીય ગુણો હોય છે. રામાયણ પણ માનવ સમાજ માટે નોળવેલની ગરજ સારે છે. જીવનમાં જ્યારે વિકટ પરિસ્થિતિ ઉભી થાય, અને આગળ વધવાનો માર્ગ ન સૂઝતો હોય, નિષ્ફળતાનું ઝેર તમને અંદરથી મારી રહ્યું હોય, ત્યારે રામાયણનું જ્ઞાન કામ આવે છે. કાળી ડિબાંગ રાત્રે, દરિયાઈ તોફાનમાં સપડાયેલા એકલા અટૂલા જહાજને જેમ કોઈ દીવાદાંડી રસ્તો ચીંધે, એ જ રીતે રામાયણના આદર્શો મુશ્કેલીમાં મુકાયેલા માણસને માર્ગદર્શન આપે છે. રામાયણ શીખવે છે કે કઈ રીતે મુશ્કેલ સમયમાં એકબીજાને સહકાર આપવો.

ઉપર વાત કરી એમ, જ્યારે જીવન કાળોતરાઓની વચ્ચે અંધારિયા કૂવામાં ઘેરાઈ ગયેલું લાગે, ત્યારે આપણે આંધળુકિયા કરવાને બદલે એકબીજાનો હાથ પકડી રાખવાનો છે. એકબીજા ઉપર, અને ઈશ્વર ઉપર ભરોસો રાખવાનો છે. SidhiKhabar.com પોર્ટલ શરુ કર્યા બાદની દોઢેક વર્ષની આ સફર દરમિયાન મને સમજાયું છે કે એકબીજાના સહયોગ વિના કોઈ મોટું કામ પાર પડી શકાતું નથી. ભલેને કાળું ડિબાંગ અંધારું હોય, તો ય એકબીજાના સાચા હમસફર બની રહેશું તો દિવાળી નવો પ્રકાશ લઈને આવશે જ.

તટસ્થ સમાચારો સતત પીરસતા રહેવાની અમારી આ સફરમાં અમારા હમસફર બનેલા આપ સહુને નવા વર્ષની અઢળક શુભકામનાઓ. આવનારું વર્ષ આપણા સહુ માટે તેજોમય બની રહે એવી પ્રભુને પ્રાર્થના.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top