સુશાંતની આત્મહત્યા પછી બોલીવુડમાં લાગેલી આગ ઠરવાનું નામ નથી લઇ રહી. સુશાંતની આત્મહત્યાને કારણે અત્યાર સુધી છાને ખૂણે ચર્ચાતી રહેલી અનેક વાતો હવે સોશિયલ મીડિયા ગજાવવા માંડી છે. એક પછી એક સેલિબ્રિટીઝ નવા નવા ઘટસ્ફોટ કરી રહ્યા છે. એમાં ક્વીન કંગના રાનાવત પછી સિંગિંગ કિંગ સોનું નિગમ પણ ખુલ્લે આમ મેદાને ઉતર્યો છે.
બે-ત્રણ દિવસ પહેલા જ સોનુએ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર કરીને મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં ચાલતા લોબીઇઝમ પર વાત કરેલી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ, લોબીઇઝમ અને માફિયાઓની પકડ વિષે હાલમાં જોરશોરમાં ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે સોનુએ મ્યુઝીક ઇન્ડસ્ટ્રીની પોલ ખોલવા માંડી છે.
સોનુએ અગાઉ કહેલું કે મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં પણ બે કંપનીઓ જેનું નામ નક્કી કરે એને જ કામ મળે છે. બાકી અનેક ટેલેન્ટ્સ કોઈ લોબીનો સપોર્ટ ન હોવાને કારણે વેડફાઈ જાય છે. જો કે સોનુએ એ વિડીયોમાં ખૂલીને કોઈનું નામ નહોતું આપ્યું પણ જાણકારો ઈશારો સમજી ગયેલા.
પરંતુ સોનું નિગમનો લેટેસ્ટ વિડીયો તો ઇન્ડસ્ટ્રીમાં આગ લગાવી દેશે એવું લાગે છે. આ વિડીયોમાં સોનુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી માંડીને ભૂષણકુમાર સુધીના લોકો માટે નામજોગ વાત કરી રહ્યો છે. સોનુ ‘જૂઠા આદમી જૂઠી ચાલ ચાલતા હૈ...” બોલે છે ત્યારથી આ વિડીયોની શરૂઆત થાય છે. સોનુ નિગમે પોતાના પાછલા વિડીયોમાં જે સગાવાદ અને જૂથવાદની વાત કરેલી એનો વિરોધ કરતા હોય એ રીતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના છ વ્યક્તિઓ - અમાલ માલિક, સાચેત ટંડન, ઝુબીન નૌટીયાલ, રોચક કોહલી, મોજ મુન્તશિર અને રશ્મિ વિરાગ – ના વિચારો છાપવામાં આવ્યા હતા. આ તમામે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જૂથવાદ હોવાની વાતને રદિયો આપ્યો હતો. ટાઈમ્સે આ છ જણને ટાંકીને સોનુ નિગમના વિડીયોમાં કહેવાયેલી વાતને જાણે રદિયો આપ્યો હતો. આ સામે સોનુ નિગમે પોતાના લેટેસ્ટ વિડીયોમાં ટિપ્પણી કરતા કહ્યું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક સન્માનનીય છાપું છે, પત્રકાર તરીકે આ રીતે કોઈકની પ્રેસનોટને જ સમાચાર તરીકે છાપીને ચુકાદો આપવાને બદલે તટસ્થ રહેવું જોઈએ. આખરે આ કંઈ ફિલ્મના પ્રમોશનની વાત નથી, આ તો સત્ય અને અસત્યની વાત છે, કોઈકના (ટેલેન્ટેડ કલાકારોના) ભવિષ્યની અહીં વાત થઇ રહી છે.
ભૂષણ કુમાર વિષે બોલતા સોનુએ કહ્યું હતું, “ભૂષણકુમાર, અબ તો તેરા નામ લેના હી પડેગા મુઝે... “ અકળાયેલા સોનુ નિગમ ભૂષણ કુમારનો ઉલ્લેખ ‘તુ-તા’ થી જ કરી રહ્યા હતા. ભૂષણકુમારને ઉદ્દેશીને સોનુએ કહ્યું કે તું એ સમય ભૂલી ગયો છે જ્યારે મારા ઘરે આવીને કરગરતો હતો કે ‘ભાઈ મેરી આલ્બમ કર દો... ભાઈ મુઝે સહારા શ્રી સે મિલવા દો.... ભાઈ સ્મિતા ઠાકરેસે મિલવા દો... ભાઈ અબુ સાલેમસે બચા લો.... અબુ સાલેમ ગાલીયાં દે રહા હૈ... તને આ બધું યાદ છે કે ભૂલી ગયો?”
સોનુએ જે બિન્ધાસ્ત રીતે આ વિડીયોમાં ઠાકરે અને અબુ સાલેમનો ઉલ્લેખ કર્યો છે એ જોયા સમજાય છે કે આ બધી કડીઓ (ફિલ્મ ઇન્ડસ્ટ્રી, અન્ડર વર્લ્ડ માફિયા, પાવર પોલીટીક્સ) એકબીજા સાથે કેટલી ગૂંચવાયેલી છે.
આ બધું ઓછું હોય એમ સોનુ નિગમ ભૂષણ કુમારને કહે છે કે, “તેં ખોટા માણસ સાથે પંગો લઇ લીધો છે. તને મરીના કુંવર યાદ છે ને? મીડિયાને પણ યાદ છે. એ શું બોલેલી અને શા માટે બેક-આઉટ થઇ ગયેલી એ મીડિયા જાણે છે. મારી પાસે પણ મારીનાનો એક વિડીયો છે. હવે જો તેં મારી સાથે પંગો લીધો તો હું એ વિડીયો આરી યુ-ટ્યુબ ચેનલ પર નાખી દઈશ!”
હાલમાં સુશાંતની આત્મહત્યાએ બોલીવુડનો ખુફિયા પટારો ખોલી નાખ્યો હોય એમ લાગે છે. રોજ આ પટારામાંથી નવા નવા વીંછી બહાર નીકળી રહ્યા છે. જોઈએ આ સીલસીલો ક્યાં જઈને અટકે છે! જો કે આ બધા ઉપરથી એક વાત તો સપષ્ટ છે કે બોલીવુડની રૂપેરી દુનિયા પાછળ બદબૂદાર કીચડ છૂપાયેલો છે.