તો શું દર્દીઓ સળગીને મરતા રહેશે? : સુપ્રીમ કોર્ટે ફાયર સેફ્ટી મામલે રાજ્ય સરકારને આડે હાથ લીધી

તો શું દર્દીઓ સળગીને મરતા રહેશે? : સુપ્રીમ કોર્ટે ફાયર સેફ્ટી મામલે રાજ્ય સરકારને આડે હાથ લીધી

07/19/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

તો શું દર્દીઓ સળગીને મરતા રહેશે? : સુપ્રીમ કોર્ટે ફાયર સેફ્ટી મામલે રાજ્ય સરકારને આડે હાથ લીધી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાતની (Gujarat) હોસ્પિટલોની ફાયર સેફ્ટી (Hospitals Fire Safety) મામલે સુનાવણી હાથ ધરતા રાજ્ય સરકારને આડેહાથ લઇ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મેઝર્સ અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં થતા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહની ખંડપીઠે સુનાવણી કરતા સરકારને પ્રશ્ન કર્યો કે કોર્ટના આદેશ છતાં શા માટે ગુજરાત સરકારે ફાયર એનઓસી મેળવવા માટેનો સમય જૂન ૨૦૨૨ સુધી લંબાવી દીધો?

ખંડપીઠે કહ્યું કે, ‘એકવાર કોર્ટે આદેશ આપવામાં આવ્યા બાદ આ રીતે કાર્યકારી નોટીફીકેશન દ્વારા તેને ઓવરરૂલ ન કરી શકાય. હવે તમે પૂર્ણ સ્વતંત્રતા આપી રહ્યા છો અને કહી રહ્યા છો કે હોસ્પિટલોએ આ આદેશને વળગી રહેવાની જરૂર નથી અને તેમને ૨૦૨૨ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તો શું લોકો સળગીને મરતા રહેશે?’

ડિસેમ્બર ૨૦૨૦ માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિવિધ રાજ્યોની હોસ્પિટલોમાં થયેલા ફાયર સેફ્ટી ઓડિટનો (Fire Safety Audit Report) ડેટા સોંપવા માટે કહ્યું હતું. કોર્ટે આ આદેશ રાજકોટની એક કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ આપ્યો હતો, જેમાં અનેક દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

કોર્ટના આ આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મેઝર્સ તપાસવા માટે દરેક જિલ્લામાં ફાયર ઓડિટ ટીમની રચના કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતની રાજ્ય સરકારે ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ ના તોજથી રાજ્યમાં નવી ફાયર સેફ્ટી પોલિસી (New Fire Safety Policy) લાગુ કરવાની જાહેરાત પણ કરી હતી.

પરંતુ, સુપ્રીમ કોર્ટે સોમવારે નોંધ્યું કે ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નોટીફિકેશનમાં આ ફાયર ઓડિટ જૂન ૨૦૨૨ સુધીમાં કરવા માટેની છૂટ આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, ગુજરાતની ૪૦ જેટલી હોસ્પિટલોને જવાબદાર ઠેરવવામાં આવી હતી અને તેઓ આ માટે હાઈકોર્ટમાં ગયા હતા. પરંતુ પછીથી સરકારનો આદેશ હતો કે ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ આ હોસ્પિટલો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. આ પ્રકારના આદેશો કોર્ટની અવમાનના (Contempt of Court) છે.’ કોર્ટે વધુમાં ઉમેર્યું કે, કઈ રીતે સરકાર એવા આદેશ કરી શકે કે હોસ્પિટલો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.

કોર્ટે નોંધ્યું કે, ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ ‘હ્યુમન ટ્રેજેડી’ (Human Tragedy) છે. કોર્ટે કહ્યું કે, એવું ન થવું જોઈ કે નાની હોસ્પિટલો એવા બિલ્ડીંગમાં ચલાવવામાં આવે જ્યાં નિયમોનું પાલન ન થતું હોય. વધુ સારું રહેશે કે રાજ્ય સ્ટેડીયમ કે અન્ય વિસ્તારોમાં કોવિડ કેસ સેન્ટર ઉભા કરે. આ ઉપરાંત કોર્ટે સોલિસીટર જનરલ તુષાર મહેતાને (Tushar Maheta) આ કેસમાં ધ્યાન આપવા નિર્દેશ આપ્યો છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top