કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી સહિત 2 વિરુદ્ધ FIR, જાણો શું છે મામલો
Case against Suresh Gopi: ત્રિશૂર પૂરમ ઉત્સવ દરમિયાન એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી અને અન્ય 2 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સુરેશ ગોપી પર દર્દીઓ માટે બનાવાયેલી એમ્બ્યુલન્સનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરવાનો આરોપ હતો, જે નિયમોનું ઉલ્લંઘન છે. જો કે, સુરેશ ગોપીએ આ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે એમ્બ્યુલન્સનો ઉપયોગ બચાવ માટે કરવામાં આવ્યો હતો.
આ વર્ષે એપ્રિલમાં થ્રિસુર પુરમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આ મામલામાં કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી અને અન્ય 2 વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જેમાં પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને પર્યટન રાજ્ય મંત્રી અભિજીત નાયર અને એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું નામ સામેલ છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી.
FIRમાં કહેવામાં આવ્યું છે કે ' સુરેશ ગોપીએ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને એમ્બ્યુલન્સનો તેમના ચૂંટણી પ્રચાર માટે દુરુપયોગ કર્યો હતો. દર્દીઓને લઈ જવા માટે બનાવવામાં આવેલી એમ્બ્યુલન્સનો આ પ્રકારના કામ માટે ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ તેમણે પ્રચાર માટે તેમાં મુસાફરી કરી હતી. તેના પર સુરેશ ગોપીએ પોતાનો ખુલાસો આપતા કહ્યું હતું કે, 'તેમની કાર પર ફેસ્ટિવલ વેન્યૂ નજીક હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું.'
મંત્રીએ દાવો કર્યો કે તેમને કેટલાક યુવાનોએ બચાવીને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા હતા. આ દરમિયાન લોકોની મદદ માટે એમ્બ્યુલન્સ અગાઉથી જ ઉત્સવના સ્થળે હાજર હતી. પોલીસે જણાવ્યું કે તેમના પર IPCની કલમ 279 અને 34 અને મોટર વ્હિકલ એક્ટની કલમ 179, 184, 188 અને 192 લગાવવામાં આવી છે.
66 વર્ષીય સુરેશ ગોપી કેરળના અલપ્પુઝાના રહેવાસી છે. સુરેશ ગોપીએ ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, સાથે જ તેઓ પ્લેબેક સિંગર પણ છે. સુરેશ ગોપી લાંબા સમયથી ટી.વી. શૉ પણ હૉસ્ટ કરી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર સુરેશ ગોપીએ કેરળની ત્રિશૂર લોકસભા સીટ પર શાનદાર જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp