તામિલનાડુએ ટેલીવિઝન માટે શૂટિંગની છૂટ આપી પણ...

તામિલનાડુએ ટેલીવિઝન માટે શૂટિંગની છૂટ આપી પણ...

05/22/2020 Glamour

SidhiKhabar

SidhiKhabar

તામિલનાડુએ ટેલીવિઝન માટે શૂટિંગની છૂટ આપી પણ...

દરેક ઉદ્યોગની માફક હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન ઉદ્યોગ પણ કોરોના વાઈરસ અને એના લીધે લદાયેલા લોકડાઉનને પગલે તાળાબંધી વેઠી રહ્યો છે. સુપર સ્ટાર્સથી માંડીને બેક સ્ટેજમાં કામ કરનારા નાના નાના શ્રમિકો સુધીના બધા અત્યારે સાવ નવરાધૂપ છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાંથી લાખો-કરોડો કમાઈ ચૂકેલા લોકોને બહુ વાંધો નથી આવવાનો, પરંતુ રોજમદાર પેઠે કામ કરતા નાના શ્રમિકોનો મરો થઇ જવાનો છે. વળી મનોરંજન ઉદ્યોગ બંધ રહેવાને કારણે લોકોને મળતા મનોરંજનમાં ય ઓટ આવી રહી છે!

એવું કહેવાય છે કે ભારતના લોકો એક ટાઈમ સૂકી રોટી ખાઈને જીવી લેશે, પણ મનોરંજન વિના નહિ જીવી શકે! ભારતની સરકારો પણ આ વાત સારી પેઠે સમજે છે. એમાંય દક્ષિણ ભારતની પ્રજા તો પોતાના ગ્લેમર આઈકોન્સને ભગવાનની જેમ પૂજે છે. સાઉથ ઇન્ડિયન સિનેમા અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની એક અલગ જ પ્રકારની પોતીકી ફ્લેવર છે. તમને એ ગમે કે ન ગમે, તમે એને એન્ટરટેઈનીંગ ગણો કે હાસ્યાસ્પદ ગણો... પણ ગમે એ સંજોગોમાં સાઉથ ઇન્ડિયન ગ્લેમરને અવગણી શકાય એમ નથી!

તમિલનાડુથી મળતા સમાચાર મુજબ ત્યાંની રાજ્યસરકારે ઉપરના બન્ને મહત્વના મુદ્દાઓને ધ્યાને લીધા હોય એમ લાગે છે. હાલમાં ચાલી રહેલા લોકડાઉન ૪.૦ દરમિયાન કયા ઉદ્યોગો ખોલવા અને કયા બંધ રાખવા, એ નક્કી કરવાનું કામ ઘણુંખરું રાજ્ય સરકારોને હસ્તક રાખવામાં આવ્યું છે. આ મુક્તિનો લાભ લઈને તામિલનાડુની સરકારે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને પોતાના શોઝ માટે શૂટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે. જો કે આ માટે શૂટિંગ યુનિટે કેટલીક ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવાનું રહેશે.


આ ગાઈડલાઈન નીચે મુજબ છે :

  • માત્ર ઇન્ડોર શૂટિંગને જ મંજૂરી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં શૂટિંગ થશે નહીં.
  • માત્ર ગ્રામીણ ક્ષેત્રોના જાહેર વિસ્તારોમાં જ શૂટિંગ કરવાની મંજૂરી છે.
  • શૂટિંગ સ્થળ પર કોઈ દર્શક હાજર રહેશે નહીં. કોઈ પણ કારણોસર લોકોનું ટોળું ભેગું ન થવું જોઈએ.
  • શૂટિંગ માટે ઉપયોગમાં લેવાતા સ્થળોને શૂટિંગ પહેલાં અને પછી સેનીટાઈઝ કરવા આવશ્યક છે.
  • કલાકારો સિવાયના ટેકનિશ્યન સ્ટાફ સહિતના તમામ લોકોએ ફરજીયાતપણે માસ્ક પહેરી રાખવાનો રહેશે. કેમેરાની સામે ન હોય ત્યારે, વિરામના સમય દરમિયાન અભિનેતાઓએ પણ માસ્ક પહેરી રાખવાનો રહેશે.
  • શૂટિંગ પહેલાં અને પછી તમામ ઉપકરણોને યોગ્ય રીતે જીવાણુનાશિત કરવું આવશ્યક છે.
  • ઉધરસ અથવા શરદી સાથે અભિનેતા, ટેકનિશિયનને શૂટિંગ પરિસરમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવા લોકોને તાત્કાલિક તબીબી તપાસ માટે મોકલવા પડશે.
  • શૂટિંગ માટે વધુમાં વધૂ વીસ જ વ્યક્તિઓ હાજર રહી શકશે.
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત છે.
  • શૂટિંગ માટે ચેન્નાઇમાં કોર્પોરેશન કમિશનર અને જિલ્લાના કલેક્ટરો પાસેથી પરવાનગી લેવી પડશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top