મુંબઈમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓમાં ૨૦ લોકોના મોત, અનેક ઘાયલ

મુંબઈમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓમાં ૨૦ લોકોના મોત, અનેક ઘાયલ

07/18/2021 National

SidhiKhabar

SidhiKhabar

મુંબઈમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓમાં ૨૦ લોકોના મોત, અનેક ઘાયલ

મુંબઈ: મુંબઈના (Mumbai) ચેમ્બુરમાં ભારે વરસાદના કારણે ભયાનક ઘટનાઓ બની છે, જેમાં ભૂસ્ખલનની (Landslide) બે અલગ-અલગ ઘટનાઓમાં ૨૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ચેમ્બુરમાં (Chembur) ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં કેટલાક ઘરો તૂટી પડ્યા અને કાટમાળમાં દબાઈને ૧૭ લોકોના મોત થઇ ગયા. જ્યારે વિક્રોલીમાં ભૂસ્ખલનમાં ૩ લોકો દબાઈ જવાના કારણે તેમના મોત થયા છે. બંને દુર્ઘટનાઓમાં અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાની પણ આશંકા છે.

વિક્રોલી અને ચેમ્બુર સહિત મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે અને આજે વહેલી સવારે ભારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને લોકોને ખુલ્લામાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના (BMC Disaster Management) જણાવ્યા અનુસાર, મુંબઈના મહલ વિસ્તારના વશી નાકા વિસ્તારમાં સવારે ૬:૩૦ વાગ્યાની આસપાસ એક ઝાડ પડવાના કારણે મકાનની દીવાલ ધસી પડી હતી. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારે મીડિયાને જણાવ્યું કે, ‘મુંબઈમાં સતત વરસાદને કારણે વિક્રોલી વિસ્તારમાં ધસી પડેલી ઈમારતના કાટમાળમાંથી ત્રણ મૃતદેહો મળ્યા છે. તેમજ હજુ પાંચથી છ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.’

બીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અનુસાર, ૧૭ જેટલા લોકોને રાજાવાડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા જ્યારે ૨ ઘાયલોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે અન્ય એક ઘટનામાં વિક્રોલીમાં ભૂસ્ખલન થવાના કારણે ચારથી પાંચ ઘરો તૂટી પડ્યા હતા, જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૨ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના ૨:૪૦ વાગ્યે બની હતી.

અધિકારીઓએ કહ્યું કે, ચેમ્બુરમાં ભારત નગર વિસ્તારમાંથી પંદર લોકો અને વિક્રોલીના સૂર્યનગર વિસ્તારમાંથી નવ લોકોને બચાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંને વિસ્તારોમાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.

મુંબઈમાં ગઈકાલથી ભારે વરસાદ

મુંબઈમાં રાત્રે આઠ વાગ્યાથી બે વાગ્યા વચ્ચે ૧૫૬.૯૪ મીમી વરસાદ નોંધાયો હતો. મૂશળધાર વરસાદના કારણે શહેરના દાદર, ચેમ્બુર, કુર્લા, એલબીએસ રોડ વગરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું અને પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે. સમાચાર એજન્સી એએનઆઈએ જારી કરેલા એક વિડીયોમાં બોરીવલ્લી ઈસ્ટ (Borivalli east) વિસ્તારમાં પાણીમાં કાર વહેતી જોવા મળી રહી છે.

મૃતકો, ઈજાગ્રસ્તોને પીએમઓ તરફથી સહાયનું એલાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ચેમ્બુર અને વિક્રોલીની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ તેમના પરિજનોને રૂ. ૨ લાખ આપવાની જાહેરાત કરી હતી. તેમજ ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ ની સહાય આપવાનું પણ એલાન વડાપ્રધાન કાર્યાલય તરફથી કરવામાં આવ્યું છે.

(Photo credit : Hindustan Times)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top