અક્ષરધામમાં દર્શન, PM મોદી સાથે ડિનર..., જાણી લો આજે ભારત આવી રહેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની મુલાકાતનું શેડ્યૂલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વાન્સના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે. આ અગાઉ, વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વેપાર, ટેરિફ અને અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, તેમની પત્ની ઉષા અને તેમના 3 બાળકો, ઇવાન, વિવેક અને મીરાબેલ, ભારતની 4 દિવસની મુલાકાતે સોમવારે સવારે 10 વાગ્યે પાલમ એરબેઝ પર પહોંચશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રી તેમના આગમન પર તેમનું સ્વાગત કરશે.
દિલ્હી ઉપરાંત, વાન્સ અને તેમનો પરિવાર જયપુર અને આગ્રાની પણ યાત્રા કરશે. એવું કહેવાય છે કે ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે પેન્ટાગન અને વિદેશ વિભાગના લોકો સહિત ઓછામાં ઓછા 5 વરિષ્ઠ અધિકારીઓ ભારત આવી રહ્યા છે.
દિલ્હી પહોંચ્યાના થોડા કલાકોમાં, વાન્સ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ ભારતીય હસ્તકલા ઉત્પાદનો ખરીદવા માટે કોઈ શોપિંગ કોમ્પ્લેક્સમાં જઈ શકે છે. સોમવારે સાંજે 6:30 વાગ્યે, વડાપ્રધાન મોદી જે.ડી. વાન્સ સાથે વાતચીતની યજમાની કરશે, જેમાં પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા સાથે-સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ સામેલ થશે. વાતચીત બાદ, વડાપ્રધાન મોદી અમેરિકી પ્રતિનિધિમંડળ માટે રાત્રિભોજનનું આયોજન કરશે. સોમવારે રાત્રે જ વાન્સ અને તેમનો પરિવાર જયપુર જવા રવાના થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp