તનિષ્ક ઍડનો બૉયકૉટ : હિન્દુ સાચો કે ખોટો?

તનિષ્ક ઍડનો બૉયકૉટ : હિન્દુ સાચો કે ખોટો?

10/13/2020 Magazine

નીલેશ રૂપાપરા
ઓપિનિયન
નીલેશ રૂપાપરા
લેખક, પત્રકાર

તનિષ્ક ઍડનો બૉયકૉટ : હિન્દુ સાચો કે ખોટો?

તનિષ્કની ઍડ(Tanishq Ad)ના બૉયકૉટ વિશે ખબર પડી ત્યારથી બહુ મન થતું હતું કે આ બૉયકૉટની વિરુદ્ધ લખવું જોઈએ. સમાજની સચ્ચાઈ જે હોય તે, પણ આ ઍડ તો પ્રેમનો સંદેશ જ આપે છે ને? એટલા ખાતર પણ એનો પક્ષ લેવો જોઈએ. પોલિટિકલી કરેક્ટ રહેવા માટે પણ આ બૉયકૉટની વિરુદ્ધ બોલવું જોઈએ. જોકે મનમાં બીજું કંઈક પણ હતું, જેણે રસ્સીખેંચ ઊભી કરેલી.

શું હતું આ બીજું કંઈક?

વાત થોડીક જટિલ છે. એમાં ઉપરછલ્લી રીતે ‘વ્હૉટઅબાઉટરી’ લાગે એવાં કારણો છે. એ કારણોને લીધે એમના તથાકથિત ઉદાર વલણ પ્રત્યે જાગેલો અભાવ છે. સોનાનો ઢોળ ચડાવેલી ચીજો હેઠેનું પિત્તળ દેખાઈ ગયા પછી વાગતી ચેતવણીની ઘંટડીઓ પણ છે. સપાટી પરથી અન્યાયી લાગતું કૃત્ય વાસ્તવમાં તો અસ્તિત્વ બચાવવા માટેની બેઝિક ઈન્સ્ટિક્ટ જ કહેવાય એવું ભાન પણ છે.

સૌથી પહેલાં તો થોડી ‘વ્હૉટઅબાઉટરી’ જોઈએ, જે લાજમી છે. ગદર એક પ્રેમકથા અને બૉમ્બે ફિલ્મનો કટ્ટર મુસ્લિમોએ વિરોધ કરેલો. કારણ, એમાં રિવર્સ લવસ્ટોરી હતી. શીખ ને હિન્દુ છોકરો તથા મુસ્લિમ છોકરી. આ લવસ્ટોરી કટ્ટર મુસ્લિમોને પચી નહોતી અને એ વખતે થિયેટરો પર તથા ‘બૉમ્બે’ ફિલ્મના દિગ્દર્શક મણિ રત્નમના ઘર પર એમણે ક્રુડ બૉમ્બ ફેંક્યા હતા. એમાં મણિ રત્નમને હળવી ઈજા પણ થયેલી. તનિષ્કની ઍડના બૉયકૉટમાં જેમને ‘હિન્દુઓનું ઝેર’ દેખાય છે, એ લોકોએ આવા હિંસક વિરોધ વખતે ‘પોલિટિકલી કરેક્ટ’ કહેવાય એવું સ્ટૅન્ડ લીધું હતું. મતલબ, એ ચૂપ રહેલા અથવા માત્ર ટોકનિઝમ ખાતર હળવો વિરોધ કરેલો.


એ લોકોની ‘કેસરી ઝેર’ જોવા ટેવાયેલી કલર બ્લાઈન્ડ આંખો ‘લીલું ઝેર’ જોઈ જ નથી શકતી. તમે મથી મથીને મરી જાવ તો પણ! હજી મહિના– બે મહિના પહેલાંની વાત છે. બ્લુમ્સબરી પ્રકાશને દિલ્હી રમખાણો વિશેનું પુસ્તક રદ્દ કરી દીધું. એની પાછળ આ જ કલર બ્લાઈન્ડ લિબરલોનો હાથ હતો. હાથ જવા દો, એ પુસ્તક રદ્દ કરાવવા માટે એમણે જ (વિલિયમ ડૅલરિમ્પલ જેવા ઈતિહાસકાર અને આતિશ તાસીર જેવા લેખક) પ્રકાશનસંસ્થા પર દબાણ કર્યું હતું. કારણ એ જ હતું કે તેઓ જેમને ‘વિષાણુઓ જેવા’ ગણે છે, એવા હિન્દુઓનો નૅરેટિવ ફેલાવો ન જોઈએ!

પ્રકાશન સંસ્થા ઉપર અયોગ્ય દબાણ લાવીને એક પુસ્તકને રદ ક્લ્રાવી દેવાયું, એ ઘટના અને કેટલા ઉદાર આત્માઓ બોલ્યા? આવું પૂછો ત્યારે એમની પાસે એક સ્ટાન્ડર્ડ જવાબ હોય છે : શું પહેલાંના પાપને કારણે આજનું પાપ વાજબી ગણાય? ના. તાત્ત્વિક રીતે ન જ ગણાય. જોકે તમે એક પાપને મૌન રહીને વાજબી ઠેરવ્યું હોય તો બીજું પાપ આપોઆપ વાજબી ઠરે. લિબરલો તનિષ્ક ઍડના બૉયકૉટને ઝેરી અને હલકી માનસિકતાની પેદાશ ગણાવે અને મુસ્લિમોના હિંસક બૉયકૉટોને અમૃતમય ગણીને ચૂપ રહે પછી એમના પ્રત્યે અભાવ કેમ ન જાગે?

લિબરલોની આ બેવડી ચાલ  હિન્દુઓને સમજાઈ ચૂકી છે. એમને સમજાઈ ગયું છે કે એમની પાસેથી ઉદારતાની અપેક્ષા રાખતા લિબરલો પોતે ક્યારેય ઉદાર નથી થતા. આથી હિન્દુઓએ પણ હવે એમના જેવાં જ શસ્ત્રો ધારણ કર્યાં છે. કોઈ છૂટકો નથી. તમે હિન્દુને તોપના નાળચે બાંધીને ફૂંકતા રહો અને તોપગોળાનો ખર્ચ પણ એમની જ પાસેથી વસૂલો એ કેમ ચાલે? આ સ્થિતિનો વિરોધ થાય ત્યારે તમારી મવાળ પાંખ હિન્દુઓને એમની ઈન્હેરન્ટ ઉદારતા યાદ દેવડાવે અને જહાલ પાંખ હિન્દુઓને ‘ઝેરીલા’ કહે, એ પણ કેમ ચાલે? પછી તો તમારા એ વલણને સાષ્ટાંગ દંડવત્ કરીને તમારી વિદ્યા તમારા પર અજમાવવી જ પડે. કોઈ છૂટકો જ નથી.

હકીકત એ છે કે હિન્દુઓને સોનાનો ઢોળ ચડાવેલી ચીજો હેઠેનું પિત્તળ દેખાઈ ગયું છે. તનિષ્કની ઍડ પ્રેમનો સંદેશ આપે છે એ ખરું, પણ એ પ્રેમસંદેશ અસલી સોનાનો નથી, બલ્કે સોનેરી વરખમાત્ર છે. ત્રણ-ચાર દિવસ પહેલાંની જ વાત છે. રાહુલ રાજપૂત અને લક્ષ્મીપતિ નામના યુવાનોની હત્યા થયેલી. એમનો વાંક એટલો જ હતો કે એમણે મુસ્લિમ છોકરીને પ્રેમ કર્યો હતો. આ છે આપણી સામાજિક સચ્ચાઈ!


બે કોમ વચ્ચે ભાઈચારો વધે ને રોટીબેટીનો વહેવાર વધે એ ઉચિત ત્યારે ગણાય જ્યારે બન્ને કોમને બન્ને પ્રકારના પ્રેમસંબંધો માન્ય હોય. જોકે અહીં તો એક જ પ્રકારના પ્રેમસંબંધને માન્યતા મળે છે. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું, “હિન્દુ-મુસ્લિમ વચ્ચે સામાજિક સંપર્કો સ્થાપવા શક્ય નથી એવું કહેતા હિન્દુઓ સાચા છે. કારણ, આવા સંપર્કોનો એક જ અર્થ થાય છે : એક જ તરફની સ્ત્રીઓ અને બીજી તરફના પુરુષો વચ્ચેનો સંપર્ક.”

વળી એવા પ્રેમસંબંધ અને લગ્નસંબંધમાં પણ હિન્દુ છોકરીઓની હાલત કેવી થાય છે, એ જોવું હોય તો પત્રકાર સ્વાતિ ગોયલ-શર્માએ કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ જોઈ જજો, જેમાં આવા સંબંધોની દર્દનાક દાસ્તાનો છે, એ ય પીડિત પરિવારોના વિડિયો પુરાવા સાથે!

આ જ કારણસર હિન્દુઓમાં એવાં ડર અને સાવચેતી ઊગ્યાં છે કે “તનિષ્કની ઍડ હિન્દુ છોકરીઓને આંબળીપીપળી દેખાડે છે, ભીતરની ધાર્મિક તિરાડોને બદલે ઉપરનો ચળકાટ દેખાડે છે. આ હકીકત અમારા હિન્દુ ઘરમાં મુક્ત માહોલમાં ઊછરેલી અમારી છોકરી સમજી નહીં શકે ને ભરમાશે.” આવા ડરથી હિન્દુઓએ આ ઍડનો બૉયકૉટ કર્યો છે. શિકારીઓ જંગલમાં ખાડા ખોદી, ઉપર લાકડાં નાખી એની ઉપર ઝાડીઝાંખરાં ગોઠવે છે, જેથી હાથી એમાં પડે ને સપડાઈ જાય. પ્રાણીપ્રેમીઓ આવા ખાડાનો વિરોધ કરીને શિકારીઓનો પક્ષ લેતા હોય એવું ક્યારેય બને છે ખરું?

અલબત્ત, અહીં બધા મુસ્લિમો શિકારીઓ છે એવું કહેવાનો આશય નથી. મુસ્લિમ છોકરો ને હિન્દુ છોકરી વચ્ચેના પ્રેમસંબંધની પણ હું વિરુદ્ધ નથી. એ વાત પણ હું પૂરી ઈમાનદારીથી સ્વીકારું છું કે મુસ્લિમ છોકરાઅને હિન્દુ છોકરીઓના ઘણા પ્રેમસંબંધો ધાર્મિક કટ્ટરતાની પેલે પાર જઈને હૅપ્પી એન્ડિંગમાં પણ પરિણમ્યા હશે. એવું બની શકે કે કોઈ સમાજની સ્ટીરિયોટાઈપ્ડ ઈમેજ હોવા છતાં એ જ સમયે એમાં યુટોપિયન સ્થિતિ પણ પ્રવર્તતી હોય. આમેય હિન્દુ છોકરીઓ સાથે પરણતા બધા મુસ્લિમો કંઈ લવજિહાદી નથી હોતા. નિકાહ માટે હિન્દુ છોકરીએ કન્વર્ટ થવું પડતું હોય તોપણ. કારણ, ધર્મપરિવર્તન પછી પણ એને પોતાનાં ધાર્મિક રીતિરિવાજોની આઝાદી મુસ્લિમ ઘરોમાં મળતી હોય એવું મેં જોયું છે.

આ બધું સાચું હોવા છતાં લિબરલો અને મુસ્લિમો જ્યાં સુધી એ વાસ્તવિકતા નહીં સ્વીકારે કે લવજિહાદ શબ્દનો જન્મ જ મુસ્લિમ સમાજની ધાર્મિક કટ્ટરતાના દૂષણમાંથી થયો છે ત્યાં સુધી હિન્દુઓનો ડર નીકળવાનો નથી. એ બહુ દુખદ વાત છે કે સ્ટૉકહોમ સિન્ડ્રોમમાંથી જન્મેલું લિબરલોનું નિગેશનિઝમ (નકારવાદ) કેટલાંક કડવાં સત્યોનો સ્વીકાર નથી કરતું અને હિન્દુઓને પણ નથી કરવા દેતું, જેમણે એ કડવાં સત્યોની કિંમત ચૂકવવી પડે છે. એટલે જ એ સત્ય કહેવું જરૂરી છે. જોકે એ કહેનારને આગળપાછળ જોયા વિના મુસ્લિમદ્વેષી અને કોમવાદી કહી દેવાય છે. એમ કરવામાં આગલી હરોળમાં હોય છે કેટલાક ભોળા હિન્દુ લિબરલો.

એવા ભોળા હિન્દુઓ વિશે જરાક આડવાત કરીએ, જે અજાણપણે લેફ્ટ-લિબરલોની લુચ્ચાઈને હવા નાખતા રહે છે. વાત છે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની. એ બહાને તથાકથિત ગોદીમીડિયાએ મહિનાઓ સુધી બૉલીવુડ પર હુમલા કર્યા. અમુક સ્ટાર્સ ડ્રગ્ઝ લેતા હોય એમાં આખા બૉલીવુડની બદનામી કરવી એ અનુચિત હતું. આથી જ બૉલીવુડની હસ્તીઓ કોરટે ચડી ત્યારે ઘણા ભોળા હિન્દુ લિબરલોએ કોરટે ચડનારી હસ્તીઓનો પક્ષ લીધો. એમને એ સવાલ ન થયો કે આ જ બૉલીવુડની કેટલીક હસ્તીઓએ દેશને અસહિષ્ણુ કહ્યો હતો!

શું એ વખતે દેશની છબિ ખરાબ નહોતી થઈ? દેશની છબિ મહત્ત્વની કે બૉલીવુડની? આવા સવાલો કોઈને થયા? આ કિસ્સામાં ગોદીમીડિયાથી ત્રસ્ત લ્યુટ્યેન્સ મીડિયાએ બૉલીવુડનો સાથ આપ્યો એ બરાબર કર્યું, પણ દેશની છબિ ખરડાઈ ત્યારે પણ લ્યુટ્યેન્સ મીડિયા બૉલીવુડની હસ્તીઓને પક્ષે હતું. એનો બચાવ કરતું હતું. શું એ બરાબર હતું?

બૉલીવુડની વાત નીકળી જ છે તો એક બીજી આડવાત. એ હકીકતનો કોઈ ઈન્કાર નથી કે બૉલીવુડમાં કળા પણ છે ને એ ધંધો પણ છે. ઘણાને રોજગારી આપતી આ ઈન્ડસ્ટ્રીએ લોકોને માત્ર મનોરંજન જ નહીં, બીજું પણ ઘણું આપ્યું છે. સપનાં આપ્યાં છે. આપણી લાગણીઓને વાચા આપી છે. આપણા અસ્તિત્વને રંગીની આપી છે. આપણને માણસાઈ ને ભાઈચારો શીખવ્યાં છે. ટૂંકમાં, આપણું માણસ તરીકેનું ઘડતર કરવામાં બૉલીવુડનો મોટો ફાળો છે.

જોકે આ જ બૉલીવુડે આપણને એવા બીબાઢાળ નૅરેટિવ્સ પણ આપ્યા છે, જેણે આપણી જાણબહાર આપણી ભીતર સમાજ વિશેની અધકચરી માન્યતાઓનાં ઝાડીઝાંખરાં ઉગાડ્યાં છે. જેમ કે વાણિયો વ્યાજખોર હોય. ઠાકુર ઉર્ફે ક્ષત્રિય અત્યાચારી હોય. બ્રાહ્મણ પાખંડી હોય. ખાનચાચા નેકદિલ હોય. હીરો નાસ્તિક હોય. વાણિયા-બામણ-રાજપૂતનું દુષ્ટ ત્રેખડ કચડાયેલાને કચડે. હીરો ખાનચાચાની મદદથી એ ત્રેખડને કચડે. વગેરે વગેરે.

આ એક સમાજની ઈમેજનું ડિમનાઈઝેશન અને બીજા સમાજની ઈમેજનું લૉન્ડરિંગ આપણે પચાવી ગયા છીએ. એની પાછળના સંભવિત ઈરાદાઓ વિશે આપણે શંકા સુધ્ધાં કરી નથી! હા, હવે સોશિયલ મીડિયાના જમાનામાં પ્લૅટફૉર્મ મળ્યું એટલે રહી રહીને શંકા થઈ રહી છે. આજે હિન્દુઓને આ ઈરાદા સમજાય છે. સિલેક્ટિવિઝમ સમજાય છે. દંભ સમજાય છે. એક તરફ ઢાંકપિછોડો અને બીજી તરફ બૂમબરાડાની વૃત્તિ પાછળનો આશય સમજાય છે.

તાજો જ દાખલો રાહુલ રાજપૂતનો છે. એના મર્ડરના સમાચાર આપતી વખતે એક પ્રતિષ્ઠિત સામયિકની ડિજિટલ આવૃત્તિએ આરોપીઓનાં નામ ને ઓળખ છુપાવ્યાં હતાં. કેટલાંક અખબારો અને ન્યુઝપોર્ટલોએ સાવ ગેરમાર્ગે દોરનારાં મથાળાં બાંધ્યાં હતાં, જેને કારણે એવું લાગે કે આ હત્યા કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને કારણે થઈ હશે. આ ઢાંકપિછોડાનું કારણ એ કે આરોપી મુસ્લિમ હતા.


આવું જ હાથરસ કેસમાં થયું હતું. કેટલાંક દેશી તથા ન્યુયોર્ક ટાઈમ્સ, બીબીસી વગેરે જેવાં વિદેશી મીડિયાએ હાથરસમાં આરોપીને ‘અપર કાસ્ટ હિન્દુ મેન’ તરીકે ઓળખાવેલાં. એ ઉચિત હતું, કેમ કે આરોપી હિન્દુ જ હતા.જોકે એ જ દેશીવિદેશી મીડિયાએ બલરામપુર કેસમાં મુસ્લિમ આરોપી હોવા છતાં એમની ઓળખ ‘ટુ મેન’ એટલે કે ‘બે માણસ’ તરીકે આપી હતી. મુસ્લિમ આરોપી વખતે પત્રકારત્વની નૈતિકતા યાદ કરીને ઓળખ છુપાવવી અને હિન્દુ આરોપી વખતે ઓળખ જાહેર કરીને એ નૈતિકતાનો કૂવામાં ઘા કરી દેવો એ છે આ લેફ્ટ-લિબરલોની રીત. લિબરલો અને ઈસ્લામિસ્ટોની આવી સાંઠગાંઠથી હિન્દુઓ ન ડરે તો જ નવાઈ.

આથી જ લિબરલોને કેટલીક વણમાગી અને અણગમતી સલાહ આપવાનું મન થાય છે. જો હિન્દુઓનો ડર તમને ખોટો લાગતો હોય તો એમની સંસ્કૃતિનાં અનિષ્ટો ચીંધીને વારંવાર એમને શરમમાં નાખવાથી એ ડર દૂર નહીં થાય, બલ્કે સ્પ્રિંગ વધુ ઊછળતી રહેશે. આથી શાંતિમય સહઅસ્તિત્વની પહેલી શરતરૂપે ‘અધર’ની વિભાવના બન્ને તરફ છે, એ વાસ્તવિકતાનો સ્વીકાર કરો. હિન્દુઓનો ડર ખોટો સાબિત કરવા માટે એમને શરમમાં નાખતા પહેલાં પોતાનાં વાણી ને વર્તનથી એમને સમજાવી જુઓ.

બહુ બેઝિક વાત છે. સારાને સારો અને ખરાબને ખરાબ કહેવામાં દિલચોરી કે શબ્દચોરી ન કરો અને ધર્મને વચ્ચે ન લાવો.

બીજું, તમને જેમ હિન્દુવાદી સરકાર સામે કે ગોદીમીડિયા સામે બોલવાની આઝાદી છે એ જ રીતે હિન્દુઓને પણ સિલેક્ટિવિટી કરતાં વિપક્ષો કે મીડિયા સામે બોલવાની આઝાદી છે જ, એ વાત સ્વીકારો. તમે એમની આઝાદી પર તરાપ માર્યા કરો અને એ લોકો તમારી આઝાદી પર હુમલા ન કરે એવી અપેક્ષા ન રાખો.

તમે તનિષ્ક જેવી ઍડ્સ કે ફિલ્મો જરૂર બનાવો, પણ ક્યારેક એમાં રિવર્સ પ્રેમસંબંધની કહાણી પણ દેખાડો. એટલું જ નહીં, સાથે એ પણ જુઓ કે મુસ્લિમ સમાજ એવી કહાણીનો સ્વીકાર કરે છે કે નહીં. જો કટ્ટર મુસ્લિમો ‘બૉમ્બે’ કે ‘ગદર’ ફિલ્મની જેમ એવી કહાણીનો વિરોધ કરે તો ‘પોલિટિકલી કરેક્ટ’ રહેવાને બદલે એમને વખોડો. ઈવન, તનિષ્ક જેવી ઍડફિલ્મોમાં પણ એવું દેખાડો કે હિન્દુ વહુની ધાર્મિક માન્યતાને માન આપવા એનાં મુસ્લિમ સાસરિયાં મૂર્તિપૂજામાં એની સાથે બેસે છે. સર્વધર્મ સમભાવનો ભાર એમને પણ થોડો ઉપાડવા દો.

આમ, જો તમે ખરેખર લિબરલ હો તો તમારું એ નામકરણ સાર્થક કરો. ભારતમાં 14-15 ટકા મુસ્લિમો છે તો સેક્યુલરિઝમનો કમસે કમ પંદરેક ટકા બોજ હિન્દુઓ પરથી હળવો કરીને મુસ્લિમો પર નાખી જુઓ. જો મુસ્લિમો એ બોજનો સ્વીકાર કરતા થશે તો ખરેખર કોમી એખલાસ અને ભાઈચારાનું જન્નત અહીં જ સ્થપાશે અને કોઈ હિન્દુ આવી ઍડના બૉયકૉટનો વિરોધ કરવામાં દિલચોરી નહીં કરે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top