કોંગ્રેસના ધારાસભ્યોને કોરોના કાળમાં પણ કેમ રિસોર્ટ લઇ જવા પડે છે

કોંગ્રેસના ધારાસભ્યોને કોરોના કાળમાં પણ કેમ રિસોર્ટ લઇ જવા પડે છે..!

06/13/2020 Politics

દિલીપસિંહ ક્ષત્રિય

દિલીપસિંહ ક્ષત્રિય
રાજકીય સમીક્ષક

કોંગ્રેસના ધારાસભ્યોને કોરોના કાળમાં પણ કેમ રિસોર્ટ લઇ જવા પડે છે

ગુજરાતમાં ફરીથી રાજયસભા ની ચૂંટણી અને એની લડત ચરમસીમા પર છે,કોંગ્રેસમાં કોણ જીતશે કોણ હારશે તો પરિણામ પછી નક્કી થશે પણ આખી ચૂંટણીમાં તમે જુઓ તો ગુજરાત કોંગ્રેસની સ્થિતિ દયામણી,બાપડી અને બિચારા જેવી લાગે છે,કેટલી ચૂંટણીઓ એમાંય છેલ્લી બે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીઓ જુઓ તો ખ્યાલ આવશે કે શંકરસિંહે શરૂ કરેલા રિસોર્ટ પોલિટિક્સ કોંગ્રેસ ને ફાવી ગયું છે, છેલ્લી બે ચૂંટણીથી કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે,પછી ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ સફાળા જાગે છે,એમને બીજું કાંઈ નહિ પણ સીધું રિસોર્ટજ દેખાય છે એટલે પોતાનાધારાસભ્યો ને સીધા ત્યાં મોકલી દે અને સબ સલામતનો આનંદ માણે છે પણ પ્રશ્ન તો ત્યાંથી જ શરુ થાય છે કે ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટીને કેમ આજે રિસોર્ટ નું રાજકારણ કરવું પડે છે ( એવું નથી કે માત્ર કોંગ્રેસ કરે છે બીજી પણ રાજકીય પાર્ટીઓ કરે છે) પણ કોંગ્રેસને ગુજરાત માં ફાવી ગયું છે, બસ અહીં થી જ મારો પ્રશ્ન શરૂ થાય છે કે આખરે કેમ પોતાના ધારાસભ્યો પર કોંગ્રેસના નેતાઓ એ વોચ રાખવી પડે છે ? કેમ કોંગ્રેસી ધારાસભ્યોને વારે તહેવારે રિસોર્ટમાં રાખવા પડે છે ? કેમ દર વખતે ગુજરાતમાં કોંગ્રેસના જ ધારાસભ્યો પાર્ટી છોડે છે અને કેસરિયા કરી જાય છે ?

 

આ પ્રશ્નનો જવાબ શોધતા પહેલા જે લાગે છે એ કે કોંગ્રેસના કહેવાતા મોટા નેતાઓ જે દિલ્હી થી ગુજરાતનું રાજકારણ જોવે છે, ગુજરાતના ગ ની પણ ખબર નથી એ છેલ્લી ઘડીએ આવીને ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરે છે, કેમકે જેને ગુજરાતની ખબર નથી ગુજરાત કોંગ્રેસની સ્થિતિની ખબર નથી એ અચાનક દિલ્હી થી જાદુ ની છડી લઇને ગુજરાતમાં ચૂંટણી ટાણે ઉતરી પડે છે અને રાતો રાત એમના દિવ્ય દર્ષ્ટિ આવી જાય છે કયો ઉમેદવાર જીતશે અને કોણ હારશે ? કહેવામાટે તો કોંગ્રેસમાં એવું કહેવાય છે કે સ્થાનિક નેતાઓનો અભિપ્રાય અને કમિટી બધું ભેગું થઇ ને નક્કી કરે કે ઉમેદવાર કોણ છે ? પણ જો ખરા કોંગ્રેસી હોય અને કોંગ્રેસ માટે કામ કરતા હોય તો આ વાત દિલ પર હાથ રાખીને પૂછજો કે શું ખરેખર કોંગ્રેસમાં કાગળ પર દેખાય છે એવી બધી પ્રક્રિયા ઉમેદવાર પસંદગી વખતે થાય છે ? છેલ્લે કયા જિલ્લા કે શહેર પ્રમુખને પૂછીને ધારાસભ્યનો ઉમેદવાર નક્કી થયો

 

કોંગ્રેસની તકલીફ જ આ છે કે મૂળથી જોડાયેલા નહિ મૂળથી ઉખડી ગયેલા લોકો નક્કી કરે છે કે કોંગ્રેસ કઈ રીતે ચાલશે ? જે લોકો પોતે વર્ષોથી ચૂંટણી નથી જીતી શક્યા એ નક્કી કરે છે કે ઉમેદવાર ચૂંટણી જીતશે કઈ રીતે ? જે લોકોને એમના પરિવારના ચાર મત નથી મળતા એમના અભિપ્રાય થી ઉમેદવાર મેદાનમાં ઉતરે છે, હવે જો આવી સ્થિતિ હોય હો બે વાત થાય એક પહેલા તો જે ઉમેદવારે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મારી છે એમને તો કોંગ્રેસ શું કોંગ્રેસી ક્લચર શું એનો ખ્યાલ જ નહિ હોય એટલે એ કોંગ્રેસને લાંબો સમય કે કેટલો સમય વફાદાર રહેશે એ નક્કી નથી, બીજી વાત કે જો એ બીજા પક્ષ માંથી આવ્યો છે જીતી ગયો તો પછી ફરી થી એની વિચારધારા નહિ બદલાય એની શું ખાતરી ? અને જો હારી ગયો તો પછી એ ચૂંટણી પછી કોંગ્રેસના કોઈ કાર્યક્રમમાં દેખાવાનો જ નથી તો પછી એનું કામ શું ? અને આ બધાની વચ્ચે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી સત્તા વગર જે મૂળ કોંગ્રેસી છે જે કોંગ્રેસ માટે પોતાનો પ્રાણ રેડી દે છે એ તો બિચારો પોતાના પક્ષ માં બહાર થી આવેલા ઓળખીતા કે ન ઓળખીતાને માથે ચડાવીને કામ કરે જ જવાનું, અરે જો કોંગ્રેસમાં એનો કોઈ ગોડફાધર ન હોય તો એને ધારાસભાની તો વાત જવા દો કોર્પોરેશનની પણ ટિકિટ નથી મળવાની અને આ સ્થિતિમાં ન તો કોંગ્રેસ ડેવલપ થવાની છે કે ન તો કોંગ્રેસી ક્લચર કે કોંગ્રેસનો મૂળ વિચાર ડેવલપ થવાનો છે.આખી સ્થિતિ માં માત્ર ને માત્ર તકવાદ નું રાજકારણ જન્મવાનું છે જે ભવિષ્ય માં કોંગ્રેસને રિસોર્ટ સુધી લઇ જાય છે.


આ સિવાય એક પ્રશ્ન ઉદભવે છે કે જે મૂળ કોંગ્રેસી છે કે જે વર્ષો થી કોંગ્રેસમાં રહેતા આવ્યા છે એ લોકો કે એ ધારાસભ્યો કેમ પાર્ટી છોડી ને જાય છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે ગુજરાત માં કોંગ્રેસના નેતાઓ ને ન તો કોંગ્રેસ ની કે ન તો કોંગ્રેસના ધારાસભ્યો ની કોઈ પડી છે,ગુજરાત માં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ ના સામા પવને જીતી ને આવ્યા છે ત્યારે એમની તકલીફો અને એમની સમસ્યાઓ નિવારવા નું કામ કોંગ્રેસ સાથે જોડી રાખવા નું કામ ગુજરાત કોંગ્રેસના મોટા મોટા નેતાઓ નું છે,પણ કોંગ્રેસ ના આ મોટા નેતાઓ એમના ધંધામાં એટલા વ્યસ્ત છે કે ધારાસભ્યો ને નડતા પ્રશ્નો અને ધારાસભ્યો ની વાતો સાંભળવા માં એમને કોઈ રસ નથી કે એમની પાસે સમય નથી, સરવાળે જીતી ને આવેલા ધારાસભ્યો ને એમની લડાઈ જાતે જ લડવી પાસે,પહેલા ભાજપ સામે પછી એજ ભાજપ ની સિસ્ટમ સામે, લડાઈ માં જયારે આ ધારાસભ્યો લડી ને થાકી જાય,હારી જાય,ઉપર થી એમની જ પાર્ટી અને એમના નેતાઓ નો સાથ ન મળે તો છેવટે કંટાળી ભગવો ધારણ કરે છે,અને કોંગ્રેસના બે જવાબદાર નેતાઓ નેતા ગુમાવ્યા નો અફસોસ કરવાની જગ્યાએ પોતાનો ઝબ્બો સફેદ રાખવા પક્ષ છોડી જનાર નેતા પર જ આક્ષેપો કરવા લાગે છે( સ્પષ્ટતા : અહીં પક્ષ છોડી જનાર પક્ષ પલ્ટુઓની વાહવાહી કરવાનો અર્થ નથી, માત્ર સ્થિતિ દર્શાવવી છે) કોંગ્રેસના લોકો ને લાગે છે કે પ્રજા ને ક્યાં કાંઈ ખબર પડે છે ? પણ પ્રજા સાથે કનેક્શન ખોઈ બેઠેલા આ નેતાઓ ને ક્યાં ખબર છે કે 'યે પબ્લિક હૈ એ સબ જાનતી હૈ'

આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં જયારે કોંગ્રેસની બંને બેઠકો પાકી હતી ત્યારે કેસરિયાએ કોંગ્રેસના ધારાસભ્યો ને કેસરિયા કરાવી ને ફરી થી એક બેઠક આસપાસ લાવી દીધા છે, દર વખત ની જેમ આ વખતે પણ કોંગ્રેસ માંથી રાજીનામાંની લાઈન લાગી પછી કોંગ્રેસના નેતાઓને પહેલા રિસોર્ટ અને પછી ઘર દેખાયું, હવે તમે વિચારો કે પ્રજા આ નેતાઓ વિષે શું વિચારતી હતી કે વિચારશે ? જેમને થાકી હારી ને ભાજપ ના વિકલ્પ તરીકે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા ને પસંદ કર્યો હતો એજ હવે ભાજપમાં જતો રહ્યો, બની શકે કે આવનાર સમયમાં પ્રજા એવું માને કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી, કેમકે મત ભલે કોંગ્રેસને આપીએ જીત્યા પછી એ જતો તો ભાજપમાં જ રહેવાનો ને ? તો પછી ભાજપ ને જ મત કેમ ન આપીએ ? કદાચ આવી સ્થિતિ જો ઉદભવે તો આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડિજિટ પણ મુશ્કેલ બની જાય, ખેર કોંગ્રેસની આ સ્થિતિ માં સુધારો કયારે થશે કોણ કરશે અને કેવી રીતે કરશે એનો જવાબ હાલ ગુગલ બાબા નથી આપી રહ્યા એટલે આપણે રાહ જોવી પડશે..!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top