ગેંગિસ્તાન : પ્રથમ વખત કોઈ ગુજરાતી પત્રકારના જીવન પરથી બન્યો ક્રાઇમ પોડકાસ્ટ

ગેંગિસ્તાન : પ્રથમ વખત કોઈ ગુજરાતી પત્રકારના જીવન પરથી બન્યો ક્રાઇમ પોડકાસ્ટ

11/22/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

ગેંગિસ્તાન : પ્રથમ વખત કોઈ ગુજરાતી પત્રકારના જીવન પરથી બન્યો ક્રાઇમ પોડકાસ્ટ

મુંબઈ: પત્રકારોનું જીવન ઘણું રોમાંચક હોય છે. તેમાં પણ ક્રાઈમ જેવા વિષયો કવર કરતા પત્રકારોના જીવન વિશે, તેમના પત્રકારત્વના અનુભવો વિશે, જીવનના ઉતાર-ચડાવ અંગે જાણવાનો ઘણાને રસ હોય છે. ઘણા પત્રકારોની આત્મકથાઓ બેસ્ટ સેલર બની છે છે, જ્યારે કેટલાક ઉપર ફિલ્મો પણ બની છે. પરંતુ તાજેતરમાં જ નવતર પ્રયોગના ભાગરૂપે એક પત્રકાર અને તેમાં પણ ગુજરાતી પત્રકારના જીવન પર સંભવતઃ પહેલો પોડકાસ્ટ રિલીઝ થયો છે, જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ગુજરાતના એક વરિષ્ઠ પત્રકાર અને લેખક આશુ પટેલના જીવન પર હાલમાં જ રીલીઝ થયેલો હિન્દી ઓડિયો થ્રિલર શો ‘ગેન્ગીસ્તાન’ હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે તેમજ પ્રશંસા પણ પામી રહ્યો છે. લગભગ બે દાયકાથી વધુ સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવતા અને પચાસથી વધુ પુસ્તકો લખી ચુકેલા પત્રકાર આશુ પટેલ જીવન, સંશોધન અને તપાસની સાચી ઘટનાઓ પર આધારિત આ ફિક્શનલ પોડકાસ્ટમાં મુંબઈના અંડરવર્લ્ડ વિશે કેટલીય અજાણી ઘટનાઓનો ખજાનો છે.

ત્રણ મુખ્ય પાત્રો દ્વારા આ શો મુંબઈના અન્ડરવર્લ્ડની ગાથા જણાવે છે

ત્રણ મુખ્ય પાત્રો દ્વારા આ શો મુંબઈના અન્ડરવર્લ્ડની ગાથા જણાવે છે

48 એપિસોડ્સમાં રહસ્ય અને ઇતિહાસના મિશ્રણથી બનાવાયેલો ક્રાઈમ પોડકાસ્ટ તેના ત્રણ મુખ્ય પાત્રોના ત્રણ અલગ અલગ પરિપ્રેક્ષ્યો દ્વારા મુંબઈના અન્ડરવર્લ્ડની ગાથા જણાવે છે.  ત્રણ મુખ્ય પાત્રોમાં સ્કેમ 1992 ફેમ પ્રતિક ગાંધી આશુ પટેલના પાત્રમાં, સૈયામી ખેર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઇન્સ્પેકટર શિવાની વિદ્યા અબ્બાસ સાવંતના પાત્રમાં જ્યારે અનેક સીરીયલો અને ફિલ્મોમાં અભિનયથી જાણીતા બનેલા દયાશંકર પાંડેએ ગેંગસ્ટર પપ્પુ ટકલાનું પાત્ર ભજવ્યું છે. 

1960, 1980 અને વર્તમાન જેવા વિવિધ સમયગાળામાં ફેલાયેલી ગૅન્ગિસ્તાનની વાર્તા મુંબઈના ડોન, તેમની ગેંગ, તેમની કુખ્યાત કામગીરીઓ અને મુંબઈના લોકો પર તેની અસર આવરી લેતી છતાં ક્રાઈમની દુનિયાને ગ્લોરીફાય કર્યા વિના કહેવાયેલી એક રસપ્રદ વાર્તા છે. આ હિન્દી ઑડિયો થ્રિલર શો 15 નવેમ્બરે ‘સ્પોટીફાય’ પર લૉન્ચ કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જાણવા મળ્યા અનુસાર, હાલ આ શો વિશ્વભરના પોડકાસ્ટમાં પાંચમા ક્રમે ટ્રેન્ડ કરી રહ્યો છે.

જટીલ લાગણીઓ અને રસપ્રદ પરિસ્થિતિમાં જાતને ડુબાડવી એક મજા હતી : પ્રતિક ગાંધી

જટીલ લાગણીઓ અને રસપ્રદ પરિસ્થિતિમાં જાતને ડુબાડવી એક મજા હતી : પ્રતિક ગાંધી

અનેક ગુજરાતી ફિલ્મો અને ત્યારબાદ સ્કેમ 1992 વેબ સીરીઝથી દેશભરમાં ખ્યાતિ પામેલ ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી આશુ પટેલની ભૂમિકામાં છે.  તેઓ જણાવે છે કે, ગૅન્ગિસ્તાન મારા માટે ખાસ છે કારણ કે એ મારી પ્રથમ ઓડિયો સિરીઝ છે. આશુભાઈનું પાત્ર ભજવવું મારા માટે થોડું સરળ હતું કારણ કે હું આશુ પટેલને ઘણા વર્ષોથી ઓળખું છું. જટિલ લાગણીઓ અને રસપ્રદ પરિસ્થિતિઓમાં મારી જાતને ડૂબાડવી એ એક મજા હતી. હું નાયકની મહત્ત્વકાંક્ષા સાથે સ્વાભાવિક રીતે જ જોડાઈ શક્યો હતો અને ભૂમિકા ભજવવા માટે માત્ર મારા અવાજનો ઉપયોગ કરવાના પડકારનો મેં મેં પૂરો આનંદ માણ્યો હતો. 

આ લખતી વખતે મારા પત્રકારત્વના દિવસોની યાદો તાજી થઇ ગઈ : આશુ પટેલ

પત્રકાર આશુ પટેલ માટે આ એક નોસ્ટાલ્જિક શો છે. તેઓ કહે છે, ‘ઑડિયોમાં કલમની તાકાત જેવી જ અપીલ છે. એ અર્થમાં કે શબ્દોને વિઝ્યુઅલાઈઝ કરવાનું કામ પ્રેક્ષકોની કલ્પના પર છોડી દેવામાં આવે છે. હીર ખાંટ સાથે ગૅન્ગિસ્તાન લખતી વખતે મારા પત્રકારત્વના દિવસોની ઘણી યાદો તાજી થઈ ગઈ. આ ખરેખર એક ભવ્ય વાર્તા છે, જે ઘણા દાયકાઓની ભવ્ય ટાઈમલાઈન પર છે અને કાલ્પનિક અને બિન-કાલ્પનિક બંને પ્રકાર આવરી લે છે. ઓડિયો સ્પેસમાં આ પહેલા ક્યારેય આવું કશું કરવામાં આવ્યું નથી.’

આશુ પટેલ અનેક નામાંકિત ગુજરાતી અખબારો, સામયિકોમાં તંત્રી રહી ચૂક્યા છે અને અત્યાર સુધી તેમણે કુલ 52 પુસ્તકો લખ્યા છે. હાલ તેઓ દિવ્ય ભાસ્કર, મુંબઈ સમાચાર સહિતના અખબારોમાં દૈનિક, અઠવાડિક કટારો પણ લખે છે.

ઉપરાંત, આશુ પટેલ 2019માં રિલીઝ થયેલી, જયંત ગીલાટર દિગ્દર્શિત અને ડેઈઝી શાહ, પ્રતીક ગાંધી, કવિન દવે, ચેતન દૈયા અભિનિત ‘ગુજરાત 11’ ફિલ્મના પણ ક્રિએટિવ પ્રોડ્યુસર હતા. ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત બોલીવુડ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા આશુ પટેલના અંગ્રેજી પુસ્તક ‘મૅડમ એક્સ’ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે.

સ્પોટિફાય એપ ઉપર 'ગેંગિસ્તાન' પોડકાસ્ટ અહીં ક્લિક કરીને સાંભળી શકાશે. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top