કરોડોના GST કૌંભાંડ કેસમાં ફરાર આરોપીને ઇકો સેલે દબોચ્યો
GST Scam: GSTના નિયમોનો ગેરકાયદે ઉપયોગ કરીને ભેજાબાજો દ્વારા અલગ અલગ રીતે કૌભાંડો ઉભા કરવામાં આવતાં હોય છે. એવી જ રીતે રાજ્યભરમાં 145 જેટલી બોગસ કંપનીઓ ઉભી કરીને 1814 કરોડના બિલ બનાવીને GSTનું મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું. હવે ઇકો સેલે બાતમીના આધારે મુંબઇના મીરા રોડ વિસ્તારમાંથી આરોપી મોહમ્મદ સુલ્તાન કાપડિયાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઇકો સેલના ACPએ કહ્યું કે, આ કેસમાં મોહમ્મદ રઝા ગભરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે અત્યારે જેલમાં છે. તેની પૂછપરછમાં માહિતી મળી હતી કે મુંબઇનો સુલ્તાન કાપડિયા અને ઇમરાન પણ આ કૌભાંડમાં સામેલ હતા. હવે સુલ્તાન કાપડિયાની ધરપકડ બાદ ઇમરાન અને અન્ય આરોપીઓ સામે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. પોલીસ તપાસમાં હજુ મોટા આંકડાનો કૌભાંડ સામે આવી શકે છે.
આ ઘટના વર્ષ 2024ની છે. સેન્ટ્રલ GST વિભાગે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં GST ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે આ ફરિયાદની તપાસ સુરત ઇકો સેલ પોલીસને સોંપી દીધી હતી. તપાસ બાદ ઇકો સેલ પોલીસે મોહમ્મદ રઝા ગભરાણી નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં આરોપી મોહમ્મદ સુલ્તાન મોહમ્મદ યૂસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું. આ GST કૌભાંડમાં બંને આરોપીઓએ અલગ-અલગ કંપનીઓ ખોલીને ખોટા બિલો બનાવ્યા હતા અને ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યો હતો.
ખોટા બિલોથી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. આ મામલે તપાસ કરતા 1814 કરોડ રૂપિયાના ખોટા બિલો આરોપીઓએ બનાવ્યા હતા. હાલમાં આ મામલે ઇકો સેલ પોલીસે મોહમ્મદ સુલ્તાન યૂસુફ કાપડિયાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp