એ જી રેયયયયયયયયય મારો હેલ્લો સાંભળો હો જી રે... ક્યા હાલ હૈ માય ડીયર પિપ્પલ? ઑલ ઓકે? હમ ભી મસ્ત મજે મેં હે. જબ સે યે બાપજી મહારાજ આયે હે તબ સે કુછ જોરદાર ધમાકા હોને કી રાહ દેખ રહે હે હમ લોગ.. પણ યે બાપજી તો સુરસુરિયા નિકલેગા કે ક્યા? તમને શું લાગે છે? એ હા, વળી પાછો દેકારો ચાલુ થયો. તમને લોકોને યાર સહેજે ય જંપ નથી. વાંદરાય શાંત બેસે એક સમયે પણ તમે ? ના.. તમે શાંત ન રહો. બાપજી તો પ્રસન્ન મુદ્રામાં ઢોલિયે ઢળેલા જ છે ને પેલા બે અક્કરમીય પગચંપી કરતા બેઠા છે નીચે. ઓહો..આજે કેમ ચિંટુ મહારાજ રાજાપાઠમાં નથી જણાતા? ને પિંટુલાલ પણ ડાહ્યાડમરા વર્તાય છે. કંઈક તો ગરબડ છે જ આજે. હમણાં ખબર પડી જશે. પહેલાં આ ગોકીરો શું છે તે જોઇએ.. આવો છો કે તમે મારી સાથે?
ગામવાસી ૧: જે બાપજી મારાજ..અબ મેરી નાવડી તુમારે હાથ હે..પાર લગા દો ભઇસાબ
પિંટુ: એયય, સાંતિ જાળવો બધા. બાપજી આરામમાં છે. એમને કોઈ ડિસ્ટોપ નહીં કરે કહી દઉ છું.
ગામવાસી ૨: પણ હમેરે કો સમસ્યા હે તો ક્યા કરે?
પિંટુ: તો હમ છે ને.. તમતમારે તપલીપ કહો.. ડાગળી ચસકી ગઇ કે શું? ચિંટુભાઈ ચપટી વગાડતા એનો પાર લાઈ દેસે. હેં ને ચિંટુભાઈ?
ચિંટુ: પિંટુ..તું હવે જરાક ધીમે બોલ. અહીં કોઈ બહેરું નથી. તપલીપ નહીં તકલીફ કહેવાય. ને બોલવામાં જરા નાના-મોટાનું ભાન રાખતો જા ભાઈ. હાથીગઢના કે આજુબાજુના લોકો આપણી પાસે તારી આવી વાતો સાંભળવા નથી આવતા.
પિંટુ: પણ મેં શું કર્યું છે ચિંટુભાઈ? આપણે પહેલાં તો કેવું કેવું બોલતા હતા ત્યારે તો તમે ના નહોતા કહેતા. હવે કેમ ના કહો છો આમ બોલવાની?
ચિંટુ: તારી સર્વિસ પછી કરીશ.. કાકા, તમારી સમસ્યા જણાવશો?
આ ચિંટુ મારો બેટો કારણ વિનાનો નમ્ર થાય છે એવું નથી લાગતું? પેલાં બાપજીવાળા થોથાંમાંથી શીખ્યો લાગે છે. જે હોય તે, સાંભળવામાં તો સારું જ લાગે છે હોં. એ શું ને કારણ વિના મોટેમોટેથી કે મનફાવે એમ બોલવાનું? અમારે એન્ટિલિયામાં કોઈ મોટેથી તો શું ધીમેથી ય ન બોલે. કેટલીકવાર તો હમોને વહેમ જાય કે આ મહેલમાં કોઈ રહે છે ખરું? પણ પછી નિતનવા વાનગી મિઠાઈઓ બનતી જોઇએ એટલે ખ્યાલ આવે કે અહીં તો ગામ આખું રહેતું લાગે છે. બેક ટુ દેસી એન્ટિલિયા.. આઈ મીન, પિપલે કા ઝાડ..
ગામવાસી ૧: વાત એમ છે ને કે અં..અં..
પિંટુ: સુ અં અં કરો છો કાકા?
ગામવાસી ૨: ભઈ પિંટુ.. તુ ઇનઅ બોલવા દે..ઓમ ઘઘલાય ઘઘલાય ના કર.. ઇની ગવરી ગાય કશે હેંડી જઈ છ ઇમાં ઇને સોટ લાગ્યો છ તો બોલવામાં ગોટા વારઅ છઅ..ઇનઅ ઇમ છ કે ચિંટુમારાજને ઇની ગવરી ચ્યોં છ એ ખબર હશે..
પિંટુ: કાકા..જીબાન સંભાળીને બોલજો હોં..તમારી ગાય ખોવઈ ગઈ છે એ તો બરાબર પણ તમને એમ છે કે તમારી ગાય ચિંટુભાઈએ સંતાડી છે? તમારે ધ્યાન રાખવું જોઇએ ને ગવરીનું.. એમ કેમ હેંડી જાય કસે.. પેલું પિચ્ચર આયું તું એક ખબર છે કે દીકરી ને ગાય દોરે ત્યાં જાય..? પણ હવે એ જમાના ગયા.. છોડીઓ હમજદાર થઈ ગઇ છે ને ગાય બી એમ કંઇ કોઇ દોરી જાય ને જતી રહે એવી નથી. પડી કે ખબર?
ગામવાસી ૨: ભઈ પિંટુ, તારી પાંહે રાશનક્યાર્ડ છ કે ભાષણક્યાર્ડ ? આયા ત્યારનો ભાષણ આલ આલ કર છ તે..મગજ કોણું કરી નાંખ્યું..
ચિંટુ: કાકા, તમારી ગવરી કેવી દેખાય છે ? ધોળી છે કે કાળી? કંઈ નિશાની છે કે એને?
ગામવાસી ૨: ધોરી ધજા જેવી ને બગલાની પોંખ જેવી છ અમારી ગવરી.. આજે જ ઇને મશ્ત રંગીન ફૂમતાવારી દોરી બોંધી તી..ને એક ઘંટડી હો છ.. ટીનીનટીનીન થાય હેંડે ત્યારે..
પિંટુ: તે છેલ્લે એ હેંડીને ગઈ ત્યારે ટીનીનટીનીન નતું થ્યું?
ચિંટુ: પિંટુ..જા ચ્હા લેતો આય બધા ય માટે.. ને પૈસા લખી લેવા કહેજે. મહિનો પૂરો થાય એટલે હું હિસાબ કરી આપીશ એમ ખાસ કહેજે. કાકા તમારે કંઈ નાસ્તો કરવો છે ? ખારી ? કે ચવાણું ? સેવમમરા ? જે ગમે તે હોં..
ગામવાસી ૧: ના ના.. તું અં ..અં.. ચ્હા જ મગાય અં..ખાલી..
ગામવાસી ૨: એ પિંટુ, લે આ પૈસા..તારો કાકો બેઠો છ હજુ..તારા ઘેર આવુ તે દહાડે તુ ચ્હા પાજે.. હવડે તારી પાંહે ખરચો કરાવું તો પાપમાં પડું..
પિંટુ: ગઈ વખતના ય બાકી છે એ ય આલી દો..
ચિંટુઃ એયય પિંટુ..કાકા મહેમાન કહેવાય..આપણાને એમનો એક પૈસો ય ન ખપે.. આજે તો એ આગ્રહ કરે છે એટલે આજના જ પૈસા લે.. બીજાં આપણે પછી સમજી લઇશું. ને ચ્હાવાળા પાસે મેં એક ટીલી મુકી છે તે લેતો આવજે.
પિંટુ: ટીલી? એ શું છે પાછું?
ચિંટુ: એ તો ચ્હાવાળો સમજી જશે તું દોડતો જા ને દોડતો આય મારા ભઈ..ને કાકા.. તમે ચિંતા ન કરો. પિંટુ ચ્હા લઈને આવે એટલામાં તમારી ગવરી ય અહીં હશે એમ મારું જ્યોતિષ કહે છે.
ઓ મારા ભગવાન.. બહુ ઉસ્તાદ આ બે જણા તો.. મફત ચ્હા નાસ્તો કરવાના.. પણ ગવરી કેવી રીતે શોધી લાવશે તેમાં જ આપણાને તો ખરો રસ છે. જ્યોતિષવાળો દાવ તો જોરદાર કર્યો. ને બાપજી તો પડ્યા પડ્યા નિરાંતજીવે ખેલ જોયા કરે છે. જબરો આળસુ છે આ તો.. આખો દિવસ આમ પથરાઈ રહેવાનું કેમનું ગમતું હશે એ ખબર નથી પડતી. હમો તો દસ મિલિટ આમ સ્ટેચ્યુ થઈને બેસી રહીએ તો પાંખો સજ્જડ થઈ જાય.. પેલું તમે કહો છો ને.. ખાલી ચડી જાય.. સાચ્ચે બસ? અમારે એન્ટિલિયામાં મોટા જાડિયાભાઈના નાના જાડિયા બાબાનો ડોગી છે એ ય આવો જ આળસુ છે. કોઈવાર તો ભસવામાં ય આળસ કરે. ખાલી નજર ફેરવે પડ્યો પડ્યો.. આંખ ઊંચી કરવાથી જો કામ પતતું હોય તો માથું ય ઊંચુ ન કરે એટલો આળસુનો પીર છે. હમોને એન્ટિલિયા ને પેલો સુખડીનો ડબ્બો એટલા યાદ આવી રહ્યા છે ને.. પણ શું કરીએ.. એમ બધું પડતું મૂકીને જતું ય ન રહેવાય. ઓ જિસસ.. આ પિંટુડો ચ્હાને બદલે ગાય લઈને આવતો દેખાય છે.
પિંટુ: લો કાકા, તમારી ગવરી.. પકડો આ રંગીન ફૂમતાવાળી દોરી.. શાંતિથી માંખો ઉડાડતી હતી બેઠીબેઠી, ને કંઈક વાગોળતી હતી.
ગામવાસી ૧: ઓ મારી ગવરી...મારી માવડી..ચ્યોં હેંડી જઈ તી આ તારા બાલુડાને મેલીને? ચેટલા ગભરઈ જ્યા’તા તારા વિના તો.. ખાવું ય ગળે ઉતરતું નોતું ..
ગામવાસી ૨: ચિંટુમારાજની જેય્ય હો.. તમે તો સાકસાત ભગવાન સો.. ચેવી હોધી કાઢી ગવરીને ટપ્પ લઈને...આજથી હું તમારો ચેલકો..
ચિંટુ: અરે અરે..કાકા આ શું કરો છો? મને પગે લાગીને તમારે મને નરકમાં મોકલવો છે કે શું? મેં તો માત્ર ફરજ બજાવી છે. હવે ધ્યાન રાખજો ગવરીનું..
ગામવાસી ૧: હા વાલીડા મારા.. તારો લાખ લાખ ઉપકાર..
ખરું કૌતુક કહેવાય આ તો..ગવરી ગામ આખાને ન મળી ને આ ચિંટુને કેવી રીતે ખબર પડી? તમને પડી ખબર? પહેલાં કંઈક ખાવું પડશે તો જ મગજ ચાલશે.. ભૂખ્યા પેટે અશક્તિ આવી જશે..પછી મળીએ પાછા.. ફૂરરરરર..