એક સાયબર જાગૃતિ કાર્યક્રમ દરમિયાન અભિનેતા અક્ષય કુમારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સાયબર ક્રીમ અંગેની જાગૃતિ અંગે વાત કર્તા તેમણે તેમની પુત્રી સાથે ઓનલાઇન થયેલી ઘટના વર્ણવી હતી. તેમણે વાલીઓને ચેતવતા સલાહ આપી હતી કે, કેવી રીતે તેની પુત્રીએ આ ઘટનાનો સામનો કર્યો અને યોગ્ય સમયે યોગ્ય પગલા લીધા હતા.
અક્ષયે ઈવેન્ટમાં વિગતે વાત કરતાં કહ્યું કે, 'થોડા મહિના પહેલા મારા ઘરમાં બનેલી એક નાની ઘટના તમને કહેવા માંગુ છું. મારી દીકરી એક વીડિયો ગેમ રમી રહી હતી. જેમાં કેટલીક વીડિયો ગેમ્સ એવી છે, જે તમે અજાણ્યાઓ સાથે રમી શકો છો. જ્યારે ગેમ રમી રહ્યા હોવ છો ત્યારે સામેથી એક મેસેઝ આવે છે કે, 'ઓહ, ગ્રેટ, ખૂબ જ સરસ.' અચાનક, એક વ્યક્તિએ પૂછ્યું, 'તમે ક્યાંથી છો?' મારી દીકરીએ જવાબ આપ્યો, 'મુંબઈ.' એ પછી બધું નોર્મલ ચાલી રહ્યું હતું. પછી ખુબ જ આદર, નમ્રતા અને શિષ્ટચારથી મેસેજ આવવા લાગ્યા, તેથી લાગ્યું કે, સામે જે પણ રમી રહ્યું છે તે ખૂબ જ આદરણીય વ્યક્તિ છે.
પછી ફરી એક મેસેજ આવ્યો જેમાં પૂછવામાં આવ્યું, 'તમે પુરુષ છો કે સ્ત્રી?' તેણે જવાબ આપ્યો, 'સ્ત્રી.' એ બાદ પણ બધું નોર્મલ રીતે ચાલુ રહ્યું. પછી તેણે થોડા સમય પછી એક મેસેજ કર્યો કે, 'શું તમે મને તમારો ન્યૂડ ફોટો મોકલી શકો છો?' આ પ્રશ્ન સાંભળીને તેની પુત્રી ગભરાઈ ગઈ અને તરત જ ગેમ બંધ કરી દીધી. વિલંબ કર્યા વિના, તેણે ટ્વિંકલ ખન્નાને ઘટના વિશે જણાવ્યું. દીકરીએ ફરીથી આ કર્યું. અક્ષય કુમારે સ્ટેજ પરથી કહ્યું કે તેમની પુત્રીએ યોગ્ય સમયે યોગ્ય પગલાં લીધાં તે જોઈને તેઓ પ્રભાવિત થયા. તેણીએ રમત બંધ કરી દીધી એટલું જ નહીં, પણ તરત જ તેની માતાને પણ ખચકાટ વિના બધું કહી દીધું.
અક્ષય કુમારે કાર્યક્રમમાં આ ઘટના અંગે વાત કરતાં વધુમાં કહ્યું કે, 'મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર છે, હું તેમને વિનંતી કરવા માંગુ છું કે આપણે સ્કૂલોમાં ઈતિહાસ, ભૂગોળ અને ગણિત શીખવીએ. આપણા બાળકો આ શીખે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આપણા બાળકોને ધોરણ 7, 8 અને 9 માં સાયબર ક્રાઇમ પર એક પીરિયડ હોવો જોઈએ, કારણ કે, સ્ટ્રીટ ક્રાઈમ કરતાં આ કેસ ઝડપી વધી રહ્યા છે.'
માતાપિતાને ચેતવણી આપતાં અક્ષય કુમારે એવું કહ્યું કે, ઈન્ટરનેટ એટલું સલામત નથી જેટલું દેખાય છે. ઓનલાઈન ગેમ્સ અને ચેટ પ્લેટફોર્મ શિકારી વર્તુળોમાં છુપાયેલા છે, જે બાળકોને નિશાન બનાવે છે. તેમણે સલાહ આપી કે દરેક માતાપિતાએ તેમના બાળકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવો જોઈએ જેથી તેઓ કોઈપણ અણઘડ કે ખતરનાક પરિસ્થિતિમાં ખુલીને વાત કરી શકે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની દીકરી 13 વર્ષની છે.