ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.
રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે રાજ્યની યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે કેમ એ બાબતે સતત ચર્ચા થઈ રહી છે. ત્યારે આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં એ સંદર્ભે ચર્ચા-વિચારણા થયા બાદ શિક્ષણમંત્રી તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, 'રાજ્યની તમામ કોલેજોમાં પરીક્ષા લેવાશે. આવતીકાલથી GTU ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.' તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને ઓફલાઇન, ઓનલાઈન સહિત ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ રીતે પરીક્ષાઓ યોજાશે તેમ જણાવવામાં આવ્યું હતું
તેમણે વિદ્યાર્થીઓના મત વિશે કહ્યું હતું કે, 'પરીક્ષા લેવા અંગે વિદ્યાર્થીઓ પાસે પ્રતિભાવ મંગવામાં આવ્યા હતા જેમાં પરીક્ષાની તરફેણમાં ૫૪ હજાર વિદ્યાર્થીઓ હતા, જ્યારે માત્ર ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા ન લેવી જોઈએ તેવો મત જણાવ્યો હતો.
આવતીકાલથી ૩૫૦ કેન્દ્રો પર GTUની પરીક્ષાઓનો પ્રારંભ થશે. ઉપરાંત માસ્ક પહેરવું ફરજીયાત છે, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ પ્રમાણે પરીક્ષાઓ લેવા માટે યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે.
GTU ની પરીક્ષા બાદ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ ફાઇનલ યરની પરીક્ષાઓ લેવામાં આવશે. એ માટે વિદ્યાર્થીઓની સરળતા ખાતર તાલુકામથકો પર કેન્દ્રો ઉભા કરવામાં આવશે, ઉપરાંત વિદ્યાર્થીઓને ઓફલાઇન, ઓનલાઈન અને અન્ય વિકલ્પ આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
અગાઉ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ ૨ જુલાઈ (આવતીકાલ)થી GTU દ્વારા યોજાનાર પરીક્ષાઓને લઈને વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સંક્રમિત થવાનો ભય રહેશે. તેમજ ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવી કઠિન છે અને બધા વિદ્યાર્થીઓ તેમ પરીક્ષા આપવા સક્ષમ નથી. આથી રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ રદ કરવા માટે વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી.
જોકે તેને અવગણતા GTU તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે, પરીક્ષાઓ ૨જી જુલાઈથી જ લેવાશે અને વિદ્યાર્થીઓ નક્કી કરેલા કેન્દ્રો ઉપર પરીક્ષા આપશે.' નોંધનીય છે કે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારબાદ અન્ય યુનિવર્સિટીઓમાં પણ છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવાશે.