શિક્ષિત સમાજમાં વધુ એક મહિલા દહેજભૂખ્યા પરિવારનો ભોગ બની, ફોર્ચ્યુનર કાર અને 21 લાખ રૂપિયાની માંગણી પૂરી ન થતા...!?
દેશની રાજધાની દિલ્લીની બાજુમાં આવેલા નોઈડામાં દહેજને કારણે એક મહિલા મોતનો શિકાર બની છે. ગ્રેટર નોઈડામાં એક મહિલાને દહેજની માંગણીઓ પૂરી ન કરતાં તેના પતિ અને સાસરિયાઓ દ્વારા કથિત રીતે માર માર્યો હતો. જેના કારણે મહિલાનું મૃત્યુ થયું હતું. દહેજ તરીકે ફોર્ચ્યુનર કાર અને 21 લાખની રોકડની માંગણી કરવામાં આવી હતી. પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં પીડિતા કરિશ્માના ભાઈ દીપકે આરોપ લગાવ્યો છે કે, તેણીએ શુક્રવારે તેના પરિવારને ફોન કરી કહ્યું હતું કે, તેના પતિ વિકાસ, તેના માતા-પિતા અને ભાઈ-બહેનોએ તેની સાથે મારપીટ કરી છે. જ્યારે તેઓ તેણીને જોવા તેના ઘરે પહોંચ્યા, ત્યારે તેઓને તે મૃત હાલતમાં જોવા મળી હતી.
કરિશ્માએ ડિસેમ્બર 2022માં વિકાસ સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતી ગ્રેટર નોઈડાના ઈકોટેક-3ના ખેડા ચૌગનપુર ગામમાં વિકાસના પરિવાર સાથે રહેતું હતું. દીપકના કહેવા પ્રમાણે, તેના પરિવારે લગ્ન સમયે વરરાજાના પરિવારને 11 લાખ રૂપિયાનું સોનું અને એક SUV કાર પણ આપી હતી. જો કે, વિકાસનો પરિવાર વર્ષોથી વધુ દહેજની માંગણી કરતો હતો અને તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
દીપકે કહ્યું કે, જ્યારે કરિશ્માએ એક છોકરીને જન્મ આપ્યો, ત્યારે દુર્વ્યવહાર વધુ ખરાબ બન્યો અને બંને પરિવારોએ વિકાસના ગામમાં પંચાયતની ઘણી બેઠકો દ્વારા તેમના મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કર્યો. દીપકે આરોપ લગાવ્યો કે, કરિશ્માના સાસરીયાવાળાને તેના પરિવારે બીજા 10 લાખ રૂપિયા આપ્યા, પરંતુ દુર્વ્યવહાર અટક્યો નહીં.
વિકાસના પરિવારે હાલમાં જ કરિશ્મા પાસેથી ફોર્ચ્યુનર કાર અને 21 લાખ રૂપિયાની નવી માંગણી કરી હતી. પોલીસે મૃતકની ભાઈની ફરિયાદને આધારે વિકાસ, તેના પિતા સોમપાલ ભાટી, તેની માતા રાકેશ, બહેન રિંકી અને ભાઈઓ સુનીલ અને અનિલ વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વિકાસ અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ આ કેસમાં અન્ય આરોપીઓને શોધી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp