શું ગીર-સાવરકુંડલાના વનરાજોને વાઈરસ લાગ્યો છે?!
ગીરના એશિયાટિક સિંહોના બીમારીના કારણે મોત થઈ રહ્યા છે જેને લઇને વનવિભાગ દોડતું થઇ ગયું છે. છેલ્લા થોડા સમય દરમિયાન બધાનું ધ્યાન કોરોના તરફ છે ત્યારે ગીર અભ્યારણ્યથી ચિંતા ઉપજાવે એવા સમાચાર સતત મળતા રહ્યા છે. જો કે કોરોનાની હાયવોયમાં ભાગ્યે જ કોઈએ આ સમાચારોની ગંભીર નોંધ લીધી હશે. નાયબ વનસંરક્ષકની પ્રેસ નોટ મુજબ હડાળા રેન્જમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન બે સિંહો મૃત્યુ પામ્યા છે. આટલા જ સમય દરમિયાન સાવરકુંડલા રેન્જમાં પણ બે સિંહો મૃત્યુ પામ્યા છે. જ્યારે તુલસી શ્યામમાં છેલ્લા મહિનાઓ દરમિયાન સાત અને જસાધાર રેન્જમાં આઠ સિંહોના મૃત્યુ નોંધાયા છે. જસાધારમાં છેલ્લું મૃત્યુ ૧૩ એપ્રિલ, ૨૦૨૦ના દિને નોંધાયું છે. વનરાજોના મૃત્યુ બાદ વન વિભાગ ખડે પગે થઇ ગયો છે અને સિંહોના મૃત્યુને રોકવા માટે તાબડતોબ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લોકોમાં એવી ય વાત ચાલી છે કે વનરાજો કોઈક રોગચાળાનો ભોગ બન્યા છે. ઘણાને શંકા છે કે સિંહોના માંદા પાડવા અને મૃત્યુ પામવા પાછળ કેનાઈન ડીસ્ટેમ્પર વાઈરસ - સીડીવી જવાબદાર છે. જો કે વન વિભાગ દ્વારા આવા કોઈ પણ પ્રકારના રોગચાળાની વાતને રદિયો આપવામાં આવ્યો છે. વનવિભાગના જણાવ્યા અનુસાર એક યા બીજા કારણોસર નાદુરસ્ત લાગતા સિંહોને જસાધાર સહિતના અન્ય રેસ્ક્યુ સેન્ટર્સ ઉપર લઇ જવામાં આવે છે. ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૮૬ જેટલા વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. આ રીતે રેસ્ક્યુ કરાયેલ પ્રાણીઓ તબીબી અધિકારીશ્રીની સીધી દેખરેખ હેઠળ હોય છે. યોગ્ય તબીબી પરીક્ષણ બાદ કોઈ ખાસ બીમારી ન હોય તો જે-તે પ્રાણીને મુક્ત કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા ગીરના સિંહો બીમાર પડ્યા હોવાને લઈને એકી સાથે આઠ સિંહોને તેમના બચ્ચા સહિત સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યોગ્ય સારવાર મળવાથી તેઓ સાજા થઇ ગયા હતા. ત્યાર બાદ તાજેતરમાં વનવિભાગ દ્વારા સાવરકુંડલાના જંગલ વિસ્તારમાં સિંહણ અને તેની સાથેના ત્રણ બચ્ચાને પણ જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા.
વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે સિંહણ અને ત્રણેય બચ્ચાઓ વારાફરતી પાંજરાવાળા વાહનમાંથી ઉતરીને પોતાના ઘર સમાન જંગલમાં અલોપ થઇ ગયા. જંગલ ખાતાએ જણાવ્યું હતું કે સારવાર માટે લવાયેલા કોઈ સિંહમાં સીડી વાઈરસ જોવા મળ્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp