પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો ભેગા થયા હતા. તે સમયે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધાયો હતો. હવે કેસ કોર્ટે અરેસ્ટ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે.
આ વાત 2018ની છે, જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું હતું. પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માગણી અને ખેડૂતોના દેવાં માફીની માગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. એમાં ફરિયાદ મુજબ આરોપીઓએ મંજૂરી વિના, પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. રેલીને અટકાવવામાં આવતાં તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો..
નિકોલ પોલીસ સ્ટેશનમાં પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. હાર્દિક પટેલ સાથે-સાથે ગીતા પટેલ, આશિષ પટેલ અને કિરણ પટેલ જેવા વ્યક્તિઓના નામ પણ ફરિયાદમાં સામેલ છે. આ બધા સામે પાટીદાર આંદોલન દરમિયાન ગેરવર્તણૂક અને સાર્વજનિક વ્યવસ્થાને ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ગ્રામ્ય કોર્ટે અગાઉ ઘણી વખત હાર્દિક પટેલને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ ઉપસ્થિત રહેતા નહોતા. આ કેસ અત્યારે આરોપી પર ચાર્જ ફ્રેમના સ્ટેજ પર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા 9 સપ્ટેમ્બર 2025ના રોજ કોર્ટે અરેસ્ટ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે.
વર્ષ 2015માં ગુજરાતભરમાં ગુજરાતમાં પાટીદાર અનામત માટે મોટા પાયે આંદોલન થયું હતું. આ આંદોલનમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને કેટલાકએ જીવ પણ ગુમાવ્યા હતા. હાર્દિક પટેલ આ આંદોલનના મુખ્ય ચહેરો બનીને ઉભર્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ રાજનીતિમાં આવી ગયા. તેઓ પહેલા કોંગ્રેસમાં સામેલ થયા હતા હતા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને ભાજપમાં સામેલ થઈ ગયા. વર્તમાનમાં તેઓ વિરમગામથી ધારાસભ્ય છે. અને વર્તમાનમાં વિધાનસભા ચાલુ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ ત્યાં હાજર હશે. તો તેઓ આ કારણ કોર્ટ સામે રાખી ધરી શકે છે.